Sunday, June 21, 2026
HomeGujaratસિંહ-ખેડૂતની દોસ્તીઃ અમરેલીની આ આંબાવાડીમાં સિંહો જ રખેવાળ

સિંહ-ખેડૂતની દોસ્તીઃ અમરેલીની આ આંબાવાડીમાં સિંહો જ રખેવાળ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમરેલીઃ આંબાના બગીચામાં રખેવાળી માટે માણસો રાખવામાં આવતા હોય છે, અથવા તો મોંઘી વાડ કરવામાં આવે છે. પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે સાક્ષાત વનરાજ કોઈના બગીચાની ચોકી કરતા હોય? જી હા, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝર ગામમાં કંઈક આવો જ અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. અહીં સ્વાદિષ્ટ કેસર કેરીના બગીચાની સુરક્ષા કોઈ સિક્યોરિટી ગાર્ડ નહીં, પણ સિંહ પરિવાર કરી રહ્યો છે. જુઓ અમારો આ ખાસ રિપોર્ટ..

અમરેલીના ધારી પંથકની સીમ અત્યારે કેસર કેરીની સુગંધથી મહેકી રહી છે. પણ આ સુગંધ વચ્ચે ગીરના રાજાની ગર્જના પણ સંભળાઈ રહી છે. ઝર ગામની સીમમાં આવેલી આંબાની વાડીઓમાં અત્યારે સિંહ પરિવારે ધામા નાખ્યા છે. એક સિંહણ અને તેના ત્રણ પાઠડા આ આંબાવાડીને પોતાનું ઘર બનાવી ચૂક્યા છે. દિવસે આંબાની ઠંડી છાયામાં આરામ અને રાત્રે બગીચામાં પહેરો! આ નજારો જોઈને ભલભલાના પરસેવા છૂટી જાય, પણ અહીં તો કુદરતનો અલગ જ ખેલ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

વાડીના માલિક અનવરભાઈ લલિયા અમારો વિસ્તાર મોટા ભાગે બાગાયતી વિસ્તાર છે. હાલમાં કેરી તૈયાર છે. અમારા વિસ્તારમાં સિંહો, ભુંડ, રોજડા ખુબ હોય છે. જોકે અમારી વાડીમાં સિંહો હોવાને કારણે અન્ય પ્રાણીઓ આવતા નથી. અમારા માટે સિંહ મિત્ર છે. કેસરી સિંહ અને કેસર કેરીની ખરી જોડી છે. સિંહને બહાર કાઢી માણસો કામ કરે છે. પછી સિંહો પાછા આવી જાય છે. શિકાર કરવામાં પણ સિંહો શિકાર કરીને પાછા અહીં જ આવી જાય છે.

સિંહની હાજરીને કારણે અહીં ઇજારદારો અને મજૂરો પણ એક અનોખા તાલમેલ સાથે કામ કરે છે. જંગલના રાજા સાથેનો આ સહ-અસ્તિત્વનો નજારો એ સાબિત કરે છે કે જો વન્યજીવોને છંછેડવામાં ન આવે, તો તે મનુષ્ય માટે રક્ષક પણ બની શકે છે. સિંહની હાજરીના કારણે જંગલી જનાવરોનો ત્રાસ નાબૂદ થઈ ગયો છે, જેની સીધી પોઝિટિવ અસર કેરીના પાક પર જોવા મળી રહી છે.

ઇજારદાર પિયુષભાઈ વાજા કહે છે કે, ભુંડ રોજડા તો સિંહને કારણે આવતા જ નથી. તેઓ જે પાણી પીવે છે તે જ પાણી અમે આંબાઓને પણ આપીએ છીએ. અમે જ્યાં રહીએ છીએ, સિંહો પણ ત્યાં જ રહે છે. પણ એ હેરાન કરતા નથી.

- Advertisement -

વાડી માલિક લિયાકતભાઈ લલિયા કહે છે કે, અહીં ઝર ગામમાં ત્રીસ વિઘાનો બગીચો છે. અહીં ઠંડક હોવાથી સિંહો ઘણા લાંબા સમયથી રહે છે. જેને કારણે ભુંડ જેવા પશુઓનો ત્રાસ રહેતો નથી. સિંહોનો આ પરિવાર ઘણા સમયથી રહે છે. અન્ય પ્રાણીઓથી અમારો પાક બચાવે છે. સાથે જ જો અમે કે અમારા ભાગયાઓને કેરીઓની લણણી કરવાની હોય ત્યારે સિંહો ત્યાં હોય અને કહે કે, ચાલ દૂર રહેજે કે કોઈ અવાજ કરીએ તો તેઓ ત્યાંથી દૂર જતા રહે છે. વાડીના કોઈને અત્યાર સુધી સિંહથી નુકસાન થયું નથી.

​ધારી અને ગીર કાંઠાના વિસ્તારમાં સિંહોની સંખ્યા મોટી છે, પરંતુ ઝર ગામની આ આંબાવાડી સોશિયલ મીડિયા અને પંથકમાં ચર્ચાનો વિષય બની છે. પ્રકૃતિ અને પ્રાણી વચ્ચેનો આવો મૈત્રીપૂર્ણ વ્યવહાર માત્ર ગીરમાં જ જોવા મળી શકે. અહીં કેરી પાકે છે આંબા પર, પણ તેની ચોકી કરે છે ડાલામથ્થો સાવજ! જે વાડી માલિકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular