નવજીવન ન્યૂઝ નેટવર્ક.ચેન્નાઈઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી તૃષા કૃષ્ણનનો વર્ષ 2004નો એક જૂનો ઈન્ટરવ્યુ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તૃષાએ મજાકીય અંદાજમાં કહ્યું હતું કે તે તમિલનાડુની મુખ્યમંત્રી બનવા માંગે છે.
વીડિયોમાં જ્યારે તૃષાને તેમના ભવિષ્યના સપનાઓ વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો હતો કે, “હું તમિલનાડુની CM બનવા માંગું છું. સાચે જ! જુઓ, આગામી 10 વર્ષમાં આ સપનું પૂર્ણ કરીશ.” ત્યારબાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે CM બન્યા બાદ શું કરશે, ત્યારે તેમણે હસતાં કહ્યું હતું કે, “પહેલા મને મત આપીને જીતાડો, પછી કહું!”
આ વીડિયો એવા સમયે વાયરલ થઈ રહ્યો છે જ્યારે અભિનેતા થી રાજકારણી બનેલા વિજયની પાર્ટી તમિલાગા વેટ્રી કઝગમ (TVK)એ તાજેતરની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે. પાર્ટીએ 234માંથી 108 બેઠકો જીતતા રાજકીય ચર્ચાઓ ગરમાઈ ગઈ છે.

આ વચ્ચે તૃષા કૃષ્ણનનો વિજયના ઘરે જવાનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. 4 મેના રોજ તેમના જન્મદિવસે તેઓ મંદિર દર્શન કર્યા બાદ વિજયના નિવાસસ્થાને પહોંચી હતી, જેના સ્વાગતના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
તે જ દિવસે તૃષાએ પોતાના 43મા જન્મદિવસના અવસર પર તિરુપતિના તિરુમલા વેંકટેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને ત્યાં હાજર ભક્તો સાથે વાતચીત પણ કરી હતી.








