નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ ગામ નજીક યુટર્ન લઈ રહેલી કારને બચાવવા જતા ફૂલ સ્પીડમાં જતો ટેમ્પો પલ્ટી ખાઈ (Fatal accident on Rajkot-Bhavnagar highway) ગયો છે. ટેમ્પોમાં પ્રવાસ કરી રહેલા એક આધેડનું મોત નિપજ્યું છે. જ્યારે સુરતના એક પરિવારના 6 સભ્યો સહિત 11 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે આજીડેમ પોલીસે વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે.
દૂધના કેન ભરેલા ટેમ્પોને નડેલા અકસ્માતમાં મૂળ જસદણ તાલુકાના અને હાલ સુરતમાં રહેતા ચોવસીયા પરિવારના માતા-પિતા અને તેમના ચાર સંતાનો સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત પરિવાર ભાડલા ગામેથી રાજકોટ જવા ટેમ્પોમાં બેઠા હતા. રાજકોટથી ચોવસીયા પરિવાર ખાનગી બસમાં સુરત જવાના હતા.








