Monday, April 27, 2026
HomeGujaratપત્નીની હત્યા કરી 5 દિવસ લાશ સાથે રહ્યો પતિ: પેટીમાં બોડી છુપાવી...

પત્નીની હત્યા કરી 5 દિવસ લાશ સાથે રહ્યો પતિ: પેટીમાં બોડી છુપાવી સિમેન્ટ ચડાવ્યું, દીકરાની ચિઠ્ઠીએ ખોલ્યું રહસ્ય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પાંચ દિવસ સુધી લાશ સાથે જ ઘરે રહેવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી વિશાલ સાલવીએ પુરાવા છુપાવવા માટે પત્ની શિલ્પાની લાશને લાકડાની પેટીમાં મૂકી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર ચડાવી દીધું હતું.

મળતી માહિતી મુજબ, આ હત્યા 20 એપ્રિલે કરવામાં આવી હતી. હત્યા બાદ વિશાલ સાલવી પાંચ દિવસ સુધી પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો હતો. તેણે પત્ની ગુમ થઈ હોવાની બનાવટી કહાની બનાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને તપાસમાં સહકાર આપતો હોવાનો દેખાવ કર્યો હતો.

- Advertisement -

આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મૃતકના 13 વર્ષના પુત્ર આરવે પોતાના સંબંધીને વોટ્સએપ પર એક ચિઠ્ઠીનો ફોટો મોકલ્યો. આ ચિઠ્ઠી આરોપી પિતાએ જ લખી હતી, જેમાં તેણે ગુનો કબૂલ કર્યો હતો અને લાશ ક્યાં છુપાવી છે તેની વિગત આપી હતી. પોલીસ અને પરિવારજનો સ્થળ પર પહોંચતા સિમેન્ટના પ્લાસ્ટર નીચે દબાયેલી લાશ મળી આવી હતી.

ચિઠ્ઠીમાં આરોપી વિશાલે લખ્યું હતું કે લગ્નજીવનમાં અણબનાવને કારણે તેણે આ પગલું ભર્યું હતું અને આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ નથી. મૃતકના પિતાના જણાવ્યા મુજબ, આર્થિક તંગી અને સતત ઝઘડાઓ આ ઘટનાનું મુખ્ય કારણ બની શકે છે.

આ ઘટનામાં સૌથી વધુ અસર બે માસૂમ બાળકો પર પડી છે. 13 વર્ષનો આરવ અને 8 વર્ષની નિતારા પાંચ દિવસ સુધી એ જ ઘરમાં રહ્યા જ્યાં તેમની માતાની લાશ છુપાવવામાં આવી હતી, જે વાતથી તેઓ અજાણ હતા.

- Advertisement -

હાલ ગોડાદરા પોલીસ દ્વારા કેસની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે. ફોરેન્સિક ટીમની મદદથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને ફરાર આરોપીને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular