નવજીવન ન્યૂઝ નેટવર્ક.ગાજિયાબાદઃ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને હરિયાણવી ગીતોમાં કામ કરીને લોકપ્રિય બનેલી 30 વર્ષીય અભિનેત્રી દિવ્યાંકા સિરોહીનું અચાનક નિધન થયું છે. તેમના મોતથી લાખો ચાહકો અને હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મૂળ ઉત્તર પ્રદેશના બુલંદશહેરની રહેવાસી દિવ્યાંકા સિરોહી હાલમાં ગાજિયાબાદના રાજનગર એક્સટેન્શનમાં રહેતી હતી. 21 એપ્રિલ, 2026ની મોડી રાત્રે તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. પરિવારજનોએ તરત જ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બુધવારે સવારે ગાજિયાબાદના હિંડન નૂરનગર મોક્ષસ્થળે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. સવારે અંદાજે 9:30 વાગ્યે તેમના ભાઈ હિમાંશુ સિરોહીએ તેમને મુખાગ્નિ આપી હતી.

દિવ્યાંકા સિરોહીએ પોતાના કરિયરમાં 50થી વધુ હરિયાણવી ગીતોમાં અભિનય કર્યો હતો અને જાણીતા કલાકારો સાથે કામ કરીને પોતાનું ખાસ સ્થાન બનાવ્યું હતું. સોશિયલ મીડિયામાં પણ તેઓ ખૂબ જ સક્રિય હતી અને તેમની પાસે અંદાજે 2 કરોડ જેટલા ફોલોઅર્સ હતા.

મળતી માહિતી મુજબ, ઘટનાના દિવસે રાત્રે તેઓ ઘરે જ હતી ત્યારે તેમને અચાનક ચક્કર આવ્યા હતા અને તેઓ જમીન પર પડી ગઈ હતી. પડતાં તેમના માથામાં ગંભીર ઈજા થઈ હોવાનું માનવામાં આવે છે.

બાદમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

એક યુવા અને લોકપ્રિય કલાકારનું આકસ્મિક નિધન થતાં ચાહકો અને ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.









