નવજીવન ન્યૂઝ, સુરત : UP, Bihar અને ઓડિશાના 8 હજાર જેટલાં શ્રમિકો આજે સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતેથી વતન જવા રવાના થયા છે. રવિવારે સુરત ઉધના રેલવે સ્ટેશન (Udhna Railway Station Surat) ખાતે મુસાફરોની ભારે ભીડમાં સર્જાયેલી અફરાતફરી બાદ પોલીસે કરેલા લાઠીચાર્જનો મામલો ચર્ચામાં આવતા રેલવે ડીએમ ખુદ દોડી આવ્યા હતા. રવિવારની ઘટના બાદ રેલવે તંત્રએ ઉધના સ્ટેશન ખાતેથી શ્રમિકોને વતન મોકલવા નિર્ધારિત ‘હોલ્ડિંગ એરિયા’ તેમજ ક્રમાનુસાર મુસાફરોને ટ્રેન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
ઉનાળુ વેકેશન અને રાંધણ ગેસની અછત/કાળાબજારીના કારણે પરપ્રાંતીય પરિવારો મોટી સંખ્યામાં વતન જઈ રહ્યાં છે. આજે મંગળવારે ઉધના સ્ટેશન ખાતેથી 4 વિશેષ ટ્રેનમાં આઠ હજારથી વધુ મુસાફરોને વતન તરફ રવાના (Passengers return home) કરાયા છે. મુસાફરોની ભારે સંખ્યાના કારણે ચારેય ટ્રેન હાઉસફૂલ થઈ ગઈ હતી. મુસાફરોની સુરક્ષા-વ્યવસ્થા જાળવવા માટે ઉધના સ્ટેશન પર પોલીસનો કાફલો ખડેપગે રહ્યો હતો. RPF અને GRP ના જવાનોએ હોલ્ડિંગ એરિયાથી લઈને ટ્રેનના દરવાજા સુધી મોનિટરિંગ કર્યું હતું. આગામી દિવસોમાં મુસાફરોનો ધસારો વધવાની શક્યતાને લઈને વધુ સ્પેશિયલ ટ્રેનો (Special trains) દોડાવવામાં આવે તેવી તૈયારીઓ છે.








