નવજીન ન્યૂઝ.કચ્છઃ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વોંધ ગામમાં 85 વર્ષીય હરિદાસ સાધુની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વોંધ ગામમાં આવેલી મુરલીધર દુકાન પાસે હરિદાસ સાધુ પર અજાણ્યા શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલાખોરોએ વૃદ્ધને નિશાન બનાવી ગોળીબાર કરતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પારિવારિક અદાવત જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હરિદાસ સાધુના ભત્રીજા મુકેશ સાધુ પર આ હુમલો કરવાનો સંદેહ વ્યક્ત થયો છે.

ઘટનાની જાણ થતાં જ ભચાઉ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ મળી આવી છે, જેમાં તલવારનું કવર ફાયરિંગમાં વપરાયેલ ગોળીનો કાર્ટિઝનો સમાવેશ થાય છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ફરાર આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. કૌટુંબિક ઝઘડો આટલી હદે વકર્યો કે વૃદ્ધની હત્યા સુધી પહોંચી ગયો હોવાની ઘટના હાલ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.








