નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ચૂંટણીનો માહોલ ગુજરાતમાં પૂર જોશમાં ચાલ્યો છે. નેતાઓને ઘણી જગ્યાઓ પર જાકારો અને આવકારો મળ્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત ATS દ્વારા કટ્ટરપંથી વિચારધારા સાથે સંકળાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ‘ગઝવા-એ-હિન્દ’ સ્થાપિત કરવાની વિચારણા સાથે હુમલાની તૈયારી કરી રહ્યા હતા. તેમના પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યું છે, જેના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે.
ગુજરાત ATSના પી.એસ.આઇ એ.પી. પરમારને મળેલી બાતમીના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. માહિતી મુજબ સિદ્ધપુરમાં રહેતો 22 વર્ષીય ઈરફાન પઠાણ કટ્ટરપંથી વિચારધારા તરફ ઝુકાવ ધરાવતો હતો અને પોતાના સંપર્કો સાથે મળીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે આયોજન કરી રહ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી ફંડ ભેગું કરવા તેમજ બોમ્બ બનાવવાની તૈયારીમાં હતો. ત્યારબાદ ATS દ્વારા ટીમ બનાવી સિદ્ધપુરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઈરફાનના મોબાઈલની તપાસ કરતા વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ મારફતે વિવિધ કટ્ટરપંથી જૂથો સાથે સંપર્કમાં હોવાની વિગતો મળી આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, તે પોતાના મળતિયાઓ સાથે મળી વિવિધ રાજ્યોમાં સમાન વિચારધારા ધરાવતા લોકોને જોડવાની, તાલીમ આપવાની અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે નેટવર્ક ઉભું કરવાની યોજના બનાવી રહ્યો હતો.
આગળની તપાસમાં મુંબઈનો 21 વર્ષીય મુર્શિદ શેખ પણ આ કેસમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. ATSએ મુંબઈથી તેની પણ ધરપકડ કરી છે. બંને આરોપીઓના મોબાઈલમાંથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત પ્લાનિંગની ચેટ અને કટ્ટરપંથી સામગ્રી મળી આવી છે.
હાલ બંને આરોપીઓની ધરપકડ કરીને 11 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ATS દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા તત્વોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.








