નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાલી રહેલા ₹200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં બોલીવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝએ પોતાને સરકારી સાક્ષી (અપ્રૂવર) બનાવવાની માંગ કરી છે. આ મામલે દિલ્હી સ્થિત પટિયાલા હાઉસ કોર્ટએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.
એડિશનલ સેશન જજ પ્રશાંત શર્માએ કેસની આગળની સુનાવણી માટે 20 એપ્રિલની તારીખ નક્કી કરી છે. ED દ્વારા આ કેસમાં જેકલીનને અગાઉ અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને એક સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં તેમને સહ-આરોપી તરીકે પણ સામેલ કરવામાં આવ્યા હતા.
આ કેસ કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે, જેમણે અનેક લોકો અને ફિલ્મી જગત સાથે સંકળાયેલા લોકોને ઠગ્યા હોવાનો આરોપ છે.

ગયા વર્ષે દિલ્હી હાઇકોર્ટે જેકલીનની PMLA કેસ રદ કરવાની અરજી નામંજૂર કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે માત્ર આ આશંકા કે પુરાવા તેમના વિરુદ્ધ વપરાઈ શકે છે, તે આધાર પર કેસ રદ કરી શકાય નહીં. બાદમાં સુપ્રીમ કોર્ટે પણ તેમની ખાસ અનુમતિ અરજી (SLP) ફગાવી દીધી હતી.
જેકલીન ફર્નાન્ડિઝે પોતાની અરજીમાં દલીલ કરી છે કે તેઓ આ સમગ્ર મામલામાં એક “નિર્દોષ શિકાર” છે. તેમના અનુસાર, ED દ્વારા રજૂ થયેલા પુરાવાઓ દર્શાવે છે કે સુકેશે જેલમાંથી મોબાઇલ અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને ઘણા લોકોને છેતર્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે તેમને સુકેશ અને તેના સહયોગીઓ દ્વારા એક સફળ બિઝનેસમેન તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને તેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.
હવે કોર્ટમાં EDના જવાબ બાદ આ કેસમાં આગળ શું વળાંક આવે છે તે મહત્વપૂર્ણ બનશે.








