નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનથી નવી ચર્ચા ઉભી થઈ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને બદલે “સ્ટ્રેટ ઓફ ઈરાન” શબ્દપ્રયોગ કર્યો, જેના કારણે રાજકીય અને વ્યૂહાત્મક સ્તરે સવાલો ઉઠ્યા છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વમાં તેલ અને ગેસ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. દુનિયાના લગભગ 20 ટકા તેલ અને ગેસનો પુરવઠો આ જ માર્ગથી પસાર થાય છે. આ જળમાર્ગ ફારસની ખાડીમાં આવેલો છે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ઓળખાય છે.
તાજેતરમાં ઈરાને આ માર્ગ ફરીથી ખોલવાની જાહેરાત કરી છે, જેના કારણે વૈશ્વિક તેલ બજારમાં રાહતના સંકેતો મળ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે મિડલ ઈસ્ટમાં સીઝફાયર રહેશે ત્યાં સુધી આ માર્ગ તમામ વેપારી જહાજો માટે ખુલ્લો રહેશે.
પરંતુ ટ્રમ્પે પોતાના નિવેદનમાં “સ્ટ્રેટ ઓફ ઈરાન” શબ્દનો ઉપયોગ કરતા ચર્ચા ગરમાઈ ગઈ છે. સામાન્ય રીતે આ માર્ગને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માનવામાં આવે છે અને કોઈ એક દેશનો અધિકાર માનવામાં આવતો નથી.
શું ઈરાનનો હક છે?
કાનૂની રીતે જોવામાં આવે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર કોઈ એક દેશનો સંપૂર્ણ હક નથી. જોકે, ઈરાન અને ઓમાન બંને દેશો આ જળમાર્ગની આસપાસ સ્થિત હોવાથી ઈરાનનો વ્યૂહાત્મક પ્રભાવ અહીં જોવા મળે છે. ટ્રમ્પના આ શબ્દપ્રયોગને લઈને હવે પ્રશ્નો ઊભા થયા છે.
- શું આ માત્ર રાજકીય નિવેદન છે?
- કે પછી કોઈ નવી વ્યૂહરચનાનો સંકેત?
હાલમાં આને અમેરિકાની સત્તાવાર નીતિમાં ફેરફાર તરીકે જોવામાં આવતું નથી, પરંતુ આ નિવેદન વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા શરૂ કરાવનારું સાબિત થયું છે.








