નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી હવે કેટલાંક સપ્તાહો સુધી કોરી કટ જોવા મળશે. વાસણા બેરેજ (Vasna Barrage) ના 18 દરવાજાનું ચોમાસા પહેલાં રિપેરિંગ કામ પૂર્ણ કરવા તેમજ સાથે સાથે જર્જરિત થઈ ગયેલા સુભાષબ્રિજને તોડવા માટે સાબરમતી નદીમાંથી પાણી ખાલી (Water Discharged from Sabarmati River) કરવામાં આવ્યું છે. નદીમાંથી પાણી ખાલી કરી દેવાતાં આવતી પારાવાર દુર્ગંધના કારણે બંને કાંઠે રિવરફ્રન્ટ (Riverfront Ahmedabad) સૂનો પડી જશે.
રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના અમદાવાદ ડિવિઝન દ્વારા આજે 15 એપ્રિલથી 15 જુન સુધી સાબરમતી નદીને ખાલી રાખવામાં આવનાર છે. ચાલુ વર્ષે ડેમ સેફ્ટી’ (Dam Safety) અંતર્ગત કરવામાં આવેલા પ્રિ-મોન્સુન ઇન્સ્પેક્શન દરમિયાન નિષ્ણાતો દ્વારા બેરેજની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેના 30 દરવાજા પૈકી 18 નવા દરવાજા બનાવવા તેમજ અન્ય દરવાજા માં જરૂરી રિપેરિંગ કરવાની ભલામણ કરવામાં આવી છે. બેરેજની લાંબા ગાળાની મજબૂતી અને સુરક્ષા જાળવી રાખવા માટે આ કામગીરી કરવામાં આવશે.
અઢી મહિના નદીમાં પાણી નહીં ભરાય તે દરમિયાન વાસણા બેરેજના રિપેરિંગ કામની સાથે સાથે જર્જરિત સુભાષ બ્રિજ (Subhash Bridge) ને તોડી પાડવાની કામગીરી પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા સુભાષ બ્રિજના છ સ્ટ્રક્ચર તોડવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. નદીમાં પાણી ચાલુ હશે ત્યારે સ્ટ્રક્ચર બનાવવા માટેની કામગીરી થઈ શકે છે. જેથી ડિમોલેશનની કામગીરી ત્રણ મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.








