Sunday, May 31, 2026
HomeBusinessભારતમાં મજબુત રૂ માંગે વર્તમાન સિઝનમાં પહેલી વખત ભાવ રૂ. ૬૦,૦૦૦ વટાવી...

ભારતમાં મજબુત રૂ માંગે વર્તમાન સિઝનમાં પહેલી વખત ભાવ રૂ. ૬૦,૦૦૦ વટાવી ગયો

- Advertisement -

ન્યુયોર્ક જુલાઈ રૂ વાયદો જુલાઈ ૨૦૨૪ પછીની નવી ઉંચાઈએ ૭૬.૯૦ સેન્ટ પ્રતિ પાઉન્ડ

વાવેતર મોસમનાં આરંભે ઈરાન યુદ્ધ, અચોક્કસ હવામાન, ઉત્પાદન ખર્ચ વૃદ્ધિ, નબળો રૂપિયો, વાવેતરની સાયકલમાં આવેલા બદલાવે રૂ બજારને તેજીની સાયકલ પર ચઢાવી દીધી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ઓછી આવક ધરાવતા અને આયાત પર નિર્ભર એવા, ભારત સહિતના અસંખ્ય દેશના નબળા અને ગરીબ લોકોના ખોરાકના ભાવ પર, મિસાઈલ હુમલા જેવી વૃદ્ધિ ઝળુંબી રહી છે. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરુ થયેલા ઈરાન યુદ્ધ પછી અમેરિકા અને ઈરાને બે સપ્તાહ સુધી યુદ્ધવિરામની ઘોષણા કરી, ત્યાર પછીના બીજા જ દિવસે ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ, વર્લ્ડ બેંક અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવી ત્રણ સંસ્થાઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે આખી દુનિયાના ખેડૂતો, ખાતરની નજીવી પ્રાપ્તિ અને કાચામાલના વધી રહેલા ખર્ચા, તેમને વાવેતરથી દુર કરી દેશે અથવા ઓછા ખર્ચવાળા બરછટ અનાજના વાવેતર તરફ લઇ જશે. જો આ યુદ્ધ હવે આગળ ખેંચાશે તો કૃષિ સ્તરના તમામ નિર્ણયોને વ્યાપક અસર થવાની છે.આઈસીઈ (ઇન્ટર કોન્ટીનેન્ટલ એક્સચેન્જ) ન્યુયોર્ક જુલાઈ રૂ વાયદો મંગળવારે જુલાઈ ૨૦૨૪ પછીની નવી ઉંચાઈએ ૭૬.૯૦ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ટ્રેડ થતા, ભારતમાં મજબુત માંગ વરચે વર્તમાન સિઝનમાં પહેલી વખત રૂ. ૬૦,૦૦૦ પ્રતિ ખાંડી (૩૫૬ કિલો) વટાવી ગયો હતો. ગત સપ્તાહે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ) એ ભાવમાં રૂ. ૩૦૦નો વધારો કર્યો હતો. છેલ્લા બે સપ્તાહમાં સીસીઆઈએ રુના ભાવ ખાંડી દીઠ રૂ. ૧૪૦૦ અને છેલ્લા કેટલાંક મહિનામાં રૂ. ૪૫૦૦ વધાર્યા હતા. વૈશ્વિક સ્તરે ૨૦૨૬ની કપાસ વાવેતર મોસમનાં આરંભે જ હવામાનમાં બદલાવ, નબળો રૂપિયો, ઈરાન યુદ્ધ, ઉત્પાદન ખર્ચમાં વધારો, અને વાવેતરની સાયકલમાં આવેલા બદલાવે, રૂ બજારને તેજીની સાયકલ પર ચઢાવી દીધી છે.

અમેરિકન કૃષિમંત્રાલયનો અંદાજ કહે છે કે વર્તમાન મોસમમાં આર્જેન્ટીનામાં નબળા પાકને ભારત, ચીન, અને પાકિસ્તાન સરભર કરી નાખશે. આને આધારે વૈશ્વિક ઉત્પાદન ૯ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો અથવા ૪૮૦ પાઉન્ડ) વધીને ૧૨૧૯ લાખ ગાંસડી આવશે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડીયા (સીએઆઈ) કહે છે કે ૨૦૨૫-૨૬ની વર્તમાન મોસમ ભારતનું રૂ ગાંસડી પ્રેસિંગ, અગાઉના અંદાજ ૩૨૦.૫ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો)થી ૩.૫ લાખ ગાંસડી વધીને ૩૨૪ લાખ આવશે. વધુમાં બાંગ્લાદેશ અને વિયેટનામની માંગ ઘટવા સામે ભારત અને ચીનની માંગ વધુ રહેવાથી જાગતિક વપરાશ અનુમાન ૬ લાખ ગાંસડી વધીને ૧૧૯૧ લાખ ગાંસડી મુકાયું છે. ભારત અને બ્રાઝીલ કોટન નિકાસકાર તરીકે ઉભરી આવતા ૨૦૨૫-૨૬માં વિશ્વિક વેપારમાં વધારો થશે.

- Advertisement -

ભારતમાં રૂની આયાત ગતવર્ષનાં ૧૫ લાખ ગાંસડીથી બમણી થઈને ૨૦૨૪-૨૫મા ૩૯ લાખ ગાંસડી થઇ હતી. ૨૦૨૫-૨૬ની મોસમમાં આ આંકડો વધુ મોટો થવાની સંભાવના છે. ડીસેમ્બરમાં પુરા થયેલા વર્તમાન મોસમના પ્રથમ ત્રિમાસિકમાં આયાત ૨૦ લાખ ગાંસડી વટાવી ગઈ હતી. ૨૦૨૬ના સાર્વત્રિક અહેવાલ કહે છે કે ઈરાન યુદ્ધ, જાગતિક આર્થિક દબાણ, ઊંચા નુરદર, અને સિન્થેટીક યાર્નની સ્પર્ધા, ભાવની મોટી તેજીમાં બાધા લાવી શકે છે. ઇન્ટરનેશનલ કોટન એદ્વાઈઝારી કમિટી (આઈસીએસી)નો અહેવાલ કહે છે કે ૨૦૨૫મા કપાસ વાવેતરમાં સરેરાશ ૧ કિલો દીઠ રૂ ઉત્પાદન માટે બે હજાર લીટરને બદલે સરેરાશ ૨૦૬૮ લીટર પાણીનો વપરાશ થયો હતો.

કમિટી કહે છે કે પાણી વપરાશના આવા સીનારીયોને લીધે હવે ઓર્ગેનિક કપાસ વાવેતરનો ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઓર્ગેનિક કપાસનો સવાલ છે ત્યાં સુધી, ભારતે આગેવાની લીધી છે. ભારતમાં જમીનની ઉત્પાદકતાની તંદુરસ્તીની ચિંતામાંથી જન્મેલી ખેડૂતોની પાક પસંદગીમાં, ખરાબાવાળી જમીન અને પાણીના વપરાશમાં સંયમે ઓર્ગેનિક ખેતીને અગ્રતાક્રમ આપવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં હવે તુર્કી પણ પાછળ નથી રહ્યું. વિશ્વના બીજાનંબરના સૌથી મોટા ઉત્પાદક અને અમેરિકાના મહત્વના પુરવઠાકાર ભારત પર, ટેરીફ નાખવામાં આવતા સ્થાનિક ઉધ્યોગને ભારે સમસ્યાનો સામનો કરવાનો આવ્યો છે. ભારતીય ટેક્સ્ટાઇલ ઉદ્યોગ, તેની કુલ નિકાસના ૨૯ ટકા એટલે કે ૩૮ અબજ ડોલરના ઉત્પાદનો અમેરિકામાં નિકાસ કરે છે. આ નિકાસમાં જે કાઈ ઘટ આવે તેને સરભર કરવા અત્યારે તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા નવી મોસમના રૂની અમર્યાદિત ખરીદી, સ્થાનિક બજારમાંથી વધારી રહ્યું છે. ખેડૂત જે કાઈ માલ લાવશે તે તમામને સીસીઆઈ ખરીદી લેશે. ભારત, ચીન, અમેરિકા, બ્રાઝીલ જેવા આગેવાન દેશો અત્યારે રૂ ઉત્પાદન વધારી રહ્યા છે. આ ચારેય દેશોનું ૨૦૨૫-૨૬નુ ઉત્પાદન, ગતવર્ષની તુલનાએ ૧ ટકા વધીને ૭૪ ટકા વૈશ્વિક હિસ્સો ધરાવે છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular