નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગરઃ આમ આદમી પાર્ટી મુકીને ગુજરાત ભાજપનો હિસ્સો બનેલા રાજુ કરપડાને ભાજપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત લડવાની તક આપી છે. આ તક મળ્યા પછી તેમણે આજે જ્યારે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું હતું ત્યારે મીડિયા સાથે વાત કરતા ભાજપના શિર્ષ નેતૃત્વનો આભાર માન્યો છે.
રાજુ કરપડા હમણાં થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે હડદડમાં ખેડૂત સભા દરમિયાન માહોલ તંગ બન્યો હતો. જેને લઈને તેમને જેલમાં જવાનું થયું હતું. તેમના જેલના સાથી રહેલા આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ સહિતના આપ નેતાઓના જણાવ્યાનુસાર જેલમાં જ તેમનો ખેલ ભાજપે પાડી દીધો હતો. ખેડૂત નેતા તરીકે જાણિતા અને પ્રબળ વક્તાએ એ પછી નાટકિય રીતે આમ આદમી પાર્ટીથી અંતર કરી લીધું હતું. જે પછી તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું. પાર્ટીમાંથી રાજીનામુ આપ્યાની સાથે જ તેમની ભાજપમાં જવાની વાતો વહેતી થઈ હતી.
આખરે રાજીનામુ આપ્યાના 57 દિવસ બાદ તેમણે ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. જે પછી ભાજપે જ્યારે ચૂંટણી ઉમેદવારોના નામો જાહેર કર્યા ત્યારે તેમને ભાજપના નેતૃત્વ દ્વારા ચૂંટણી લડવાની પણ તક આપવામાં આવી હતી. ભાજપે તેમને સુરેન્દ્રનગરની મુળી જિલ્લા પંચાયત 2ની સીટ પરથી ચૂંટણી લડવા મેન્ડેટ આપ્યું હતું. જે પછી એ ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે તેમની સાથે ચૂંટણી ટિકિટની પણ ડીલ કરી હશે. જોકે જે પણ હોય આખરે તેમને આ ટિકિટ મળી છે અને તેમણે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
આ તકે તેમણે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું ભાજપના શિર્ષ નેતૃત્વનો આભાર માનું છું કે તેમણે મારા પર વિશ્વાસ મુક્યો. આજે માહોલ એવો છે કે ખુદ ખેડૂતો જ ચૂંટણી લડી રહ્યા હોય. સિંચાઈના પાણી અને ભાજપે કરેલા કામોને લઈને હું મત માગીશ. ભાજપે મારા પર જે વિશ્વાસ મુક્યો છે તે ખરા અર્થે સાબિત કરીને બતાવીશ.








