Thursday, April 16, 2026
HomeGujaratક્યાંક ત્રણે પક્ષોએ આપી એકને ટિકિટ, AAP નું મેન્ડેટ ફાડી સીધા કોંગ્રેસમાં...

ક્યાંક ત્રણે પક્ષોએ આપી એકને ટિકિટ, AAP નું મેન્ડેટ ફાડી સીધા કોંગ્રેસમાં એન્ટ્રીઃ ગુજરાતમાં બેઠકો પર ગજબની કહાનીઓ જાણો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગજબનો જામ્યો છે. જોકે પક્ષોએ છેલ્લી ઘડી સુધી ઘણાને લટકાવ્યા હોવાને કારણે ચૂંટણી ફોર્મ ભરવાનો ઘણો ઓછો સમય પણ કેટલાક ઉમેદવારોને મળ્યો છે અને આ ઉતાવળમાં ક્યાંક એવા એવા ખેલ જોવા મળી રહ્યા છે, એવી કહાનીઓ જાણવા મળી રહી છે જે ઘણી રસપ્રદ છે. તો આવી જ કેટલીક રસપ્રદ કહાનીઓને ટુંકામાં જાણીએ ચાલો…

ફોર્મ ભરવાની ખુશીમાં પોલીસે વિક્ષેપ પાડ્યોઃ ઉમેદવારના પતિને ઉઠાવી ગઈ

- Advertisement -

વડોદરામાં સ્થાનિક ચૂંટણી દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 6ના કોંગ્રેસ ઉમેદવારના પતિને ફોર્મ ભરવા ગયેલા સ્થળેથી હરિયાણા પોલીસે અટકાયત કરી લીધી હતી. માહિતી મુજબ ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા સમયે જ પોલીસ ત્યાં પહોંચી હતી અને તેમને ગાડીમાં બેસાડી લઈ ગઈ હતી. ઘટનાએ સ્થળ પર હડકંપ મચાવ્યો હતો. આ મામલે કોંગ્રેસ ઉમેદવાર પાર્વતીબેને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ સામે હોબાળો મચાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે તેમના પતિને જબરદસ્તી ઉઠાવી લઈ જવાયા છે અને તેમણે કોઈ ગુનો કર્યો નથી. પ્રાથમિક માહિતી મુજબ ગુડગાંવ પોલીસ દ્વારા નકલી ગોલ્ડ સ્મગલિંગ કેસમાં આ અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. હાલ પોલીસે કાર્યવાહી અંગે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

કલેક્ટર કચેરી સામે જ ગજબનો પક્ષપલટો

રાજકોટમાં આજે AAP ને ગજબનો ઝટકો મળ્યો છે. આમ આદમી પાર્ટીએ રાજકોટમાં વોર્ડ નંબર 15ના ઉમેદવાર પ્રકાશ ચાવડાએ કલેક્ટર કચેરી સામે જ ફોર્મ અને પાર્ટીનું મેન્ડેટ ફાડી નાખ્યું. એટલું જ નહીં તેમણે પાર્ટીને પણ ત્યાં જ ત્યજીને કોંગ્રેસનો ખેસ પહેરી લીધો. છેને ગજબના તકવાદી?

- Advertisement -

… તો કોંગ્રેસના 36 ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે

અમદાવાદ જિલ્લાના ધોળકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગંભીર આંતરિક સંકટ સામે આવ્યું છે. ધોળકા નગરપાલિકાના 36 ઉમેદવારોના મેન્ડેટ જિલ્લા પ્રમુખને પરત સોંપાતા રાજકીય હલચલ મચી છે. આક્ષેપ છે કે ભાજપની “બી ટીમ” તરીકે કામ કરતા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. આ મુદ્દે સ્થાનિક સ્તરે ભારે અસંતોષ ફેલાયો છે. ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ મકવાણાએ આ પરિસ્થિતિ વચ્ચે રાજીનામું આપી દીધું છે, જેના કારણે પક્ષમાં વધુ ઉથલપાથલ સર્જાઈ છે. ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે હવે ખૂબ ઓછો સમય બાકી છે. જો સમયસર મેન્ડેટ જમા નહીં થાય તો 36 ઉમેદવારોના ફોર્મ રદ થવાની શક્યતા ઉભી થઈ છે. હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ આ પરિસ્થિતિમાં ડેમેજ કંટ્રોલ કરી શકશે કે નહીં, અથવા મોટા પાયે ઉમેદવારી રદ થવાની સ્થિતિ સર્જાશે.

દાહોદમાં AAP, BJP અને કોંગ્રેસે એક જ વ્યક્તિને ટિકિટ આપી

- Advertisement -

જ્યાં લોકોને એક ટિકિટના વાંધા પડ્યા ત્યાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. હવે ઘાટ એવો છે કે આ વ્યક્તિએ નક્કી કરવાનું કે તે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે. એક રીતે કહીએ તો સબ કી પસંદ નિરમા જેવી સ્થિતિ. દાહોદમાં પીપેરુ જિલ્લા પંચાયતના ભરતસિંહ વાખળા પર ત્રણે પક્ષોએ પસંદગી કરી છે. હવે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મેન્ડેટ સાથે આ ભાઈને તો લોટરી લાગ્યા જેવો ઘાટ છે.

ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી ખબર પડી કે આ તો મતદાર પણ નથી

વડોદરા મનપા ચૂંટણી પહેલા ભાજપને વોર્ડ નંબર-1માં ઉમેદવાર બદલવાનો નિર્ણય લેવો પડ્યો છે. પહેલા જાહેર કરાયેલા રાગ મછારના બદલે હવે ભૂરસિંહ રાઠવા ચૂંટણી લડશે. શહેર ભાજપ પ્રમુખે સ્પષ્ટતા કરી કે રાગ મછારનું નામ મતદાર યાદીમાં ન હોવાના કારણે આ ફેરફાર કરવો પડ્યો છે. આ બાબત ચકાસવામાં ઉતાવળમાં રહી જતાં હવે ઉમેદવાર બદલવાનો નિર્ણય લેવાયો છે. ભાજપ તરફથી સ્વીકારવામાં આવ્યું કે ઉમેદવાર જાહેર કરતી વખતે મતદાર યાદીની તપાસ યોગ્ય રીતે થઈ ન હતી. જેના કારણે અંતિમ ક્ષણે આ નિર્ણય લેવો પડ્યો છે. શહેર ભાજપ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉમેદવાર બદલાવથી ચૂંટણીના પરિણામ પર કોઈ ખાસ અસર નહીં પડે અને પાર્ટી મજબૂત સ્થિતિમાં રહેશે. આવું જ રાજકોટ અને અમદાવાદમાં પણ બન્યું છે. અહીં સુધી કે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા ત્યાં ખબર પડી કે આપણે તો કપાઈ ગયા છે. વિલાયેલા મોંઢે તેઓને પાછા આવવું પડ્યું છે.

વિદ્યાર્થી જીવન સાથે સાથે રાજકારણ

અમરેલીના બગસરા વિસ્તારમાં નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે યુવા ચહેરાને તક આપી છે. વોર્ડ નંબર-2માંથી 21 વર્ષીય વિદ્યાર્થિની વિશ્વા નકુમને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે. વિશ્વા નકુમ હાલમાં B.Sc નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. અભ્યાસ સાથે હવે તેઓ જાહેર જીવનમાં પ્રવેશ કરી ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
વિશ્વાએ જણાવ્યું છે કે જો તેઓ ચૂંટાઈ આવશે તો વિસ્તારમાં આરોગ્ય, સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપશે અને લોકોની સમસ્યાઓ ઉકેલવા પ્રયત્ન કરશે. યુવા ઉમેદવારને ટિકિટ મળતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે. યુવાનોને તક આપવાના ભાજપના નિર્ણયને લઈને લોકોમાં વિવિધ પ્રતિસાદ જોવા મળી રહ્યા છે.

કાંતિ અમૃતિયાને બનવું પડ્યું કાર્યકરોના રોષનો ભોગ

મોરબીમાં ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિખવાદ ઉગ્ર બન્યો છે. ટિકિટ ફાળવણીને લઈને થયેલા વિવાદમાં પ્રધાન કાંતિ અમૃતિયા કાર્યકરોના રોષનો ભોગ બન્યા હોવાનો મામલો સામે આવ્યો છે. પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજાના પરિવારે ભરચક કચેરીમાં કાંતિ અમૃતિયા સાથે ઉગ્ર રકઝક કરી હતી. ટિકિટ કપાઈ જતા આ વિવાદ વધુ તીવ્ર બન્યો હતો. ટિકિટ ન મળતા અનોપસિંહ જાડેજા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવા ગયા હતા. આ દરમિયાન પરિવાર અને ભાજપના નેતાઓ વચ્ચે બોલાચાલી વધતા સ્થિતિ તંગ બની ગઈ હતી. આ ઘટનાએ મોરબીમાં ભાજપના આંતરિક મતભેદોને ખુલ્લેઆમ સામે લાવી દીધા છે. ચૂંટણી પહેલા જ પક્ષમાં વધતા અસંતોષે રાજકીય ગરમાવો વધાર્યો છે.

ભાજપના નેતાઓનું ફોર્મ ભરવા કોર્પોરેશનના કર્મચારીઓને જ લગાવી દેવાયા ધંધે?

રાજકોટમાં આચારસંહિતા દરમિયાન રાજકીય વિવાદ સામે આવ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના કર્મચારી ભાર્ગવ ઠાકર ભાજપ કાર્યાલયમાં જોવા મળતા મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આક્ષેપ મુજબ ભાર્ગવ ઠાકર ઉમેદવાર રક્ષિત કલોલાનું ફોર્મ ભરતી વખતે કેમેરામાં કેદ થયા હતા. કેમેરા જોતા જ તેઓ સ્થળ પરથી નીકળી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ભાર્ગવ ઠાકરે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે તેઓ માત્ર મિત્રને મદદ કરવા માટે આવ્યા હતા અને કોઈ સત્તાવાર કામમાં સામેલ નહોતા. આ ઘટનાને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આચારસંહિતાના સમયમાં એક સરકારી કર્મચારી રાજકીય પક્ષના કાર્યાલયમાં કેવી રીતે હાજર રહી શકે. ખાસ કરીને તેઓ મનપાના ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા હોવા છતાં ફોર્મ ભરતી વખતે દેખાયા હોવાનો આક્ષેપ છે, જ્યારે તેઓએ ફોર્મ ન ભર્યાનું જણાવ્યું છે, જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે.

ચૂંટણી મેદાન પહેલા ઘરમાં જ જંગ જામી ગયોઃ પતિને બદલે પત્નીને આપી ભાજપે ટિકિટ

જૂનાગઢના કેશોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ માટે અણધાર્યો વળાંક આવ્યો છે. વોર્ડ નંબર 5માં જાહેર કરાયેલી મહિલા ઉમેદવારે ટિકિટ મળ્યા બાદ ચૂંટણી લડવા ઇન્કાર કરી દીધો છે. કારણ એવું ચર્ચામાં છે કે, ઘરમાં જ ડખો પડે તેમ હતું. કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપે મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી, પરંતુ હવે તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લેતા પાર્ટી માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે. માહિતી મુજબ, આ બેઠક માટે ભાજપના પૂર્વ સભ્ય વિવેક કોટડીયા દાવેદાર હતા, પરંતુ મહિલા અનામત બેઠક અને આંતરિક સમીકરણોને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમની જગ્યાએ તેમના પત્નીને ઉમેદવાર બનાવ્યા હતા. પાર્ટીના આ નિર્ણય બાદ સ્થાનિક રાજકારણમાં પહેલેથી જ ચર્ચા ચાલી રહી હતી, ત્યારે હવે ઉમેદવારના ઇન્કારથી વધુ ચકચાર મચી છે. જોકે આ બાબતનો તેમણે કોઈ ફોડ પાડ્યો નથી પણ વર્તૂળો ચર્ચી રહ્યા છે કે ઘરમાં જ ડખો થાય તેમ હતું. સત્ય તો ઉમેદવાર પોતે જ કહી શકે પણ આ મહિલા ઉમેદવારના નિર્ણય બાદ હવે ભાજપને વોર્ડ નંબર 5 માટે નવા ઉમેદવારની શોધ કરવાની ફરજ પડી છે.

27 વર્ષ ભાજપમાં લોકોને ચા-પાણી પીવડાવ્યાઃ પ્યૂનને મળી ટિકિટ ‘… નોકરી તો ચાલુ જ રાખે’

મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપે અનોખો નિર્ણય લીધો છે. જિલ્લા ભાજપ કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતા રમેશ ભીલને વોર્ડ નંબર 13માંથી ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રમેશ ભીલ છેલ્લા 27 વર્ષથી મહેસાણા કમલમ ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવી રહ્યા છે. પાર્ટીમાં લાંબા સમયથી સેવા આપતા તેમને હવે ચૂંટણી મેદાનમાં તક આપવામાં આવી છે. રમેશભાઈએ જણાવ્યું કે ભાજપે તેમની કદર કરી છે અને તેમને ખૂબ આનંદ થયો છે. તેમણે કહ્યું કે પાર્ટી નાનામાં નાના કાર્યકર્તાને પણ મહત્વ આપે છે. રમેશ ભીલે જણાવ્યું કે તેઓ 27 વર્ષ પહેલા માત્ર 500 રૂપિયાના પગારથી નોકરીમાં જોડાયા હતા. આ સમય દરમિયાન તેમણે અનેક પ્રમુખો સાથે કામ કર્યું છે. તેમણે જણાવ્યું કે તેઓ હંમેશા દિલથી કામ કરતા આવ્યા છે અને કાર્યકરોને કોઈ અસુવિધા ન થાય તે માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે.

ટિકિટ મળી અને છીનવાયાના તો અઢળક કિસ્સા

અમદાવાદમાં પાલડીમાં આશિષ શાહને ટિકિ ટમળી હતી, અહીં સુધી કે ભાજપે જાહેરાત કરેલા પોતાના લેટરપેડ વાળા લીસ્ટમાં પણ તેમનું નામ હતું. પરંતુ આંતરિક વિખવાદ એવો જામ્યો કે છેલ્લા ટાંણે ટિકિટનો ખેલ પડી ગયો. જોકે આ ખેલ શું પડ્યો તે આશિષ શાહ સારી રીતે જાણે છે અને તે ખેલ પાડનારાઓ. આ ટિકિટ આખરે જૈનિક વકીલને મળી છે. હવે તેઓ ભાજપમાંથી ચૂંટણી લડશે. આ ઉપરાંત રાજકોટમાં વોર્ડ નંબર 7ની ટિકિટમાં પણ આવો જ એક ખેલ થયો છે. અહીં શૈલેષ જાનીનું નામ જાહેર કરી દેવાયું હતું. આજે ફોર્મ ફરવા પણ નિકળ્યા. ફોર્મ ભરવા પડેલા ભાજપની વિશ્વાસ રેલીમાં પણ સ્ટેજ પર સ્થાન હતું. અચાનક સ્ટેજ પરથી ઉતરી ગયા અને ટિકિટ કપાઈ ગઈ. એક ઘડીમાં તેમની દુનિયા પલટાઈ ગઈ. જનતા સાથે દગો કરતા ઘણા નેતાઓેને આવી ઘટનાઓથી સમજી જવાની જરૂર છે, કે આવો કોઈ દગો તમારી સાથે થશે ત્યારે તમને સહન થશે કે કેમ? હવે આવી બીજી પણ ઘણી ઘટનાઓ છે જે કદાચ ચૂંટણી ટાણે કોઈ બીજી જ્વાળાઓ ઊભી કરે.

(આવી જ રસપ્રદ કહાનીઓ અમુક કહાનીઓના અંતરાલમાં અહીં અપડેટ થતી રહેશે. લીંક રિફ્રેશ કરો.)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular