નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ચૂંટણી ઘોષણાપત્ર ‘ભરોસા પત્ર’ જાહેર કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં આ મેનિફેસ્ટો રજૂ કર્યો હતો, જેમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને કેન્દ્રમાં રાખીને અનેક વચનો આપવામાં આવ્યા છે.
મહિલાઓ માટે સીધી સહાય
મેનિફેસ્ટો મુજબ ભાજપની સરકાર બનશે તો દર મહિને મહિલાઓના ખાતામાં 3000 રૂપિયા સીધા જ ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજનાને મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે.
યુવાનો માટે યોજનાઓ
બેરોજગાર યુવાનોને દર મહિને 3000 રૂપિયાનું ભથ્થું આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. સાથે જ મોટા પાયે રોજગાર અને સ્વરોજગારની તકો ઊભી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રોજગાર-સ્વરોજગાર લોકો માટે મહત્વની બાબત છે. જો યુવાનોને રોજગાર-સ્વરોજગાર મળી જાય તો તેમના જીવનમાં મોટી મદદ બની શકે છે. પરંતુ 3000 રૂપિયાનું ભથ્થું તેમને આત્મનિર્ભર બનાવશે કે પછી મફતની રેવડીની ટેવ પાડશે તે સમય કહેશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મહારાષ્ટ્રમાં લાલડી બહીન યોજનાના નામે ભારે વોટ મળ્યાની વિગતો સામે આવી હતી. હવે મમતાના ગઢમાં છીંડુ પાડવું હોય તો આવી જ એક મહત્વની રેવડીની જરૂર હતી જે મેનીફેસ્ટોમાં ટપકાવી દેવાઈ છે. ચૂંટણી દરમિયાન નેતાઓની ધારદાર જીભ અને જાહેરાતોથી લોકો વેચાઈ જાય છે કે વહેંચાઈ જાય છે તે લોકોએ નક્કી કરવું પડશે કે શું કરવું. કારણ કે હવે લગભગ મોટાભાગના પક્ષો આ પ્રકારની લોભામણી જાહેરાતો કરતા હોય છે. ઘણા આ યોજના પ્રમાણે વર્તતા પણ હોય છે તો ઘણા સત્તા મળ્યા પછી પોતાનો જ મેનિફેસ્ટો ભૂલી જાય છે.
સરકારી કર્મચારીઓ માટે નિર્ણય
ભાજપે સરકાર બન્યા બાદ 45 દિવસની અંદર બાકી રહેલા ડીએ (DA) ચૂકવવાનો અને સાતમા પગાર પંચ લાગુ કરવાનો વાયદો કર્યો છે. આ બાબત હાલની સરકાર માટે મોટી ચેલેન્જ બની શકે છે.
સુરક્ષા અને ઘૂસણખોરી મુદ્દો
મેનિફેસ્ટોમાં ઘૂસણખોરી સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યની સરહદોને વધુ સુરક્ષિત બનાવવાની પણ વાત કરવામાં આવી છે.
UCC લાગુ કરવાની જાહેરાત
ભાજપે સરકાર બન્યા બાદ 6 મહિનાની અંદર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાનો વાયદો કર્યો છે, જે મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓમાં સામેલ છે.
ઉદ્યોગ અને વિકાસ પર ભાર
મેનિફેસ્ટોમાં રાજ્યમાં ઉદ્યોગ વિકાસ, રોજગાર સર્જન અને ‘સોનાર બંગાળ’ બનાવવાના રોડમૅપની પણ જાહેરાત કરવામાં આવી છે.








