જય અમિન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): ખાખી અને ખાદી લોકો પાસે શું નું શું કરાવે. જે મન ના હોય તે પણ કરવું પડે. હાલમાં જ રાજુ કરપડા AAP માંથી ભાજપમાં આવ્યા, હવે ખાખી છોડી એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને IPS મનોજ નિનામાએ રાજકારણમાં પગ મુક્યો છે. અત્યાર સુધી બધું અટકળો પર ચાલતું હતું પણ બધી જ અટકળો સાચી નીકળી ખાસ કરીને આ ‘કેસ’ માં, મનોજ નિનામાને ભાજપે ઉમેદવારી કરવાની તક આપી છે. શામળાજી તાલુકાની ઓડ જિલ્લા પંચાયત સીટ માટે ભાજપે ઉમેદવાર પણ બનાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે કલાકો પહેલા જ તેમણે ભાજપનો ખેસ પહેર્યો હતો. સાથે જ મીડિયા સામે ચૂંટણી લડવાની પોતાની ઈચ્છા પણ આડકતરી રીતે રજૂ કરી દીધી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા મુરતીયાઓની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવતાની સાથે અઠંગ રાજકારણીઓએ આયા રામ ગયા રામની રાજ રમત રમવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત પોલીસ દળના નીડર અને બાહોશ અધિકારી અને નિવૃત્તિના ગણતરીના મહિનાઓ પહેલા આઈ.જી પદેથી રાજીનામું આપનાર મનોજ નિનામાએ રાજકારણમાં જોડાવાનો અણસાર આપ્યા પછી સત્તાવાર રીતે રાજકીય પ્રવેશ કર્યો છે
શામળાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પી.સી. બરંડાની હાજરીમાં ભાજપમાં જોડાઈ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. હવે તેમને ટિકિટ પણ મળી ગઈ છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. રાજ્યના પૂર્વ IPS અધિકારી મનોજ નિનામા રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને તેઓ ભાજપમાં જોડાયા છે. શામળાજી ખાતેના એક કાર્યક્રમ દરમિયાન તેમણે મંત્રી પી સી બરંડાના હાથે ખેસ પહેરી લીધો છે. જ્યારે તેમણે રાજીનામુ આપ્યું ત્યારે જ લોકોમાં ચર્ચાઓ જાગી હતી કે એક IPS તરીકેની આટલી લાંબી કારકિર્દી અને સરકારી નોકરીને ગુડબાય કહીને આ રાજકારણના ખાસ પર્વ ચૂંટણી દરમિયાન જિલ્લા પંચાયત લડવાનું મન બનાવવું તે ચોંકાવનારું છે. આ તમામ અટકળો અને ચર્ચાઓએ હવે બીજે ફંટાવું પડશે કારણ કે હવે તેમને શામળાજી તાલુકાની ઓડ જિલ્લા પંચાયત સીટ માટે ભાજપે ઉમેદવાર પણ બનાવી દીધા છે.








