નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ખાખી અને ખાદી લોકો પાસે શું નું શું કરાવે. જે મન ના હોય તે પણ કરવું પડે. હાલમાં જ રાજુ કરપડા AAP માંથી ભાજપમાં આવ્યા, હવે ખાખી છોડી એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને IPS મનોજ નિનામાએ રાજકારણમાં પગ મુક્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા મુરતીયાઓની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવતાની સાથે અઠંગ રાજકારણીઓએ આયા રામ ગયા રામની રાજ રમત રમવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત પોલીસ દળના નીડર અને બાહોશ અધિકારી અને નિવૃત્તિના ગણતરીના મહિનાઓ પહેલા આઈ.જી પદેથી રાજીનામું આપનાર મનોજ નિનામાએ રાજકારણમાં જોડાવાનો અણસાર આપ્યા પછી સત્તાવાર રીતે રાજકીય પ્રવેશ કર્યો છે
શામળાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પી.સી. બરંડાની હાજરીમાં ભાજપમાં જોડાઈ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ભાજપ તેમને કઈ મહત્વની જવાબદારી સોંપે છે અથવા ચૂંટણીમાં ટિકિટ આપી મેદાનમાં ઉતારે છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું છે. રાજ્યના પૂર્વ IPS અધિકારી મનોજ નિનામા રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને તેઓ ભાજપમાં જોડાયા છે. શામળાજી ખાતેના એક કાર્યક્રમ દરમિયાન તેમણે મંત્રી પી સી બરંડાના હાથે ખેસ પહેરી લીધો છે.
રાજીનામા બાદ ચર્ચા તેજ
મનોજ નિનામાએ તાજેતરમાં પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું છે, જેના બાદ તેમના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જેમાં તેમણે અગાઉ પણ મીડિયાને કહ્યું હતું કે, કોઈ સારી ઓફર આપશે તો હું તે રાજકીય પાર્ટીમાં જોડાઈશ. ગુજરાતમાં આમ પણ સારી ઓફર આપી શકે તેવી રાજકીય પાર્ટી એક જ છે. જેને લઈને તેઓ ભાજપમાં જશે તેવું સ્પષ્ટ લોકો માનતા હતા અને આજે એવું જ થયું. હવે લાગે છે તેમને સારી ઓફર મળી ગઈ છે. તેમના આ પગલાને ચૂંટણી સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે.

ચૂંટણી લડવાની અટકળો
માહિતી મુજબ, મનોજ નિનામા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે. ખાસ કરીને જિલ્લા પંચાયતની બેઠક પરથી ચૂંટણી લડવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. જોકે ટિકિટ મળશે કે નહીં કે પછી તેમણે ચૂંટણી માટે ટિકિટ માગી છે કે નહીં તે અંગે કોઈ ખાસ સ્પષ્ટતા તેમના દ્વારા કે ભાજપ દ્વારા હાલ તો કરાઈ નથી પરંતુ આગામી દિવસોમાં તે બાબત પણ સામે આવી જશે.
રાજકીય અસર
એક IPS અધિકારીનો રાજકારણમાં પ્રવેશ રાજ્યની રાજકીય સમીકરણોમાં ફેરફાર લાવી શકે છે. ખાસ કરીને ચૂંટણી પહેલાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. એક ભણેલો માણસ જો યોગ્ય દિશામાં લોકોના જીવનને વાળવાનું નક્કી કરે તો તેનું સારુ પરિણામ પણ જોવા મળતું હોય છે તેના કારણે લોકોનો તેમના પર ભરોસો બને તેવી સંપૂર્ણ શક્યતા છે. સાથે જ આ જ ભણેલો માણસ જો અયોગ્ય દિશામાં લોકોના જીવનને વાળવાનું નક્કી કરે તો તેનું પરિણામ પણ માઠું આવી શકે છે. તેથી અહીં લોકોએ એક સમજદારી સાથે નિર્ણય કરવો હિતાવહ છે.








