નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ (Aravalli BJYM President) પદે કરાયેલી નિમણૂકને લઈને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના નેતા પ્રવીણ રામે સવાલો ઉઠાવ્યા છે. પ્રવીણ રામે કહ્યું કે, ભાજપ સરકારમાં રહેલા તેમના મળતીયાઓ પેપર ફોડે છે અને એ જ એમના માણસોને સેટ કરે છે, પોતાના ખિસ્સા ભરે છે. જ્યારે સામાન્ય યુવાનો રસ્તે રઝળે છે.
ભારતીય જનતા પાર્ટીએ અરવલ્લી જિલ્લામાં ફાળવેલા હોદ્દાઓ ભારે ચર્ચામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે (Pravin Ram AAP Leader) યુવા મોરચા પ્રમુખની નિમણૂકને લઈને સવાલો ઉઠાવતા ભાજપની સ્થિતિ કફોડી બની છે. ભાજપની સરકારમાં સરકારી પરિક્ષાનું એક પણ પેપર ફૂટયા વિના લેવાયું નથી. પેપર ફોડવામાં ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો પમ અમુકઅંશે સંડોવાયેલા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. જુનીયર ક્લાર્કની પરિક્ષાના પેપર લીકમાં એટીએસે (Gujarat ATS) જેની ધરપકડ કરી હતી તેને તાજેતરમાં અરવલ્લી જિલ્લાના યુવા મોરચાનો પ્રમુખ બનાવાયો છે.
પ્રવીણ રામે વધુમાં કહ્યું કે, આંદોલન કરીને પેપર ફોડનારાઓ ઉપર કાર્યવાહી કરવાની માગ કરો છે અને બીજી તરફ સરકાર કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ગુનેગારને બક્ષવામાં નહીં આવે. જો કે, અહીં એટીએસે ધરપકડ કરી તેને જ ઇનામ આપવામાં આવ્યું. આનો મતલબ એવો થાય છે કે, ભાજપ સરકાર (BJP Government) માં રહેલાં તેમના મળતીયાઓ જ પેપર ફોડે છે અને એ જ એમના માણસોને સેટ કરી ખિસ્સા ભરે છે. તમામ યુવાનો અને ગુજરાતની જનતાએ આ વાતને ધ્યાનમાં રાખી તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જવાબ આપવા પ્રવીણ રામે કહ્યું છે.








