Tuesday, April 7, 2026
HomeGujaratઠાકરશી રબારી ફરી મેદાને: ST દરજ્જા મુદ્દે સમાજને લડત માટે અપીલ

ઠાકરશી રબારી ફરી મેદાને: ST દરજ્જા મુદ્દે સમાજને લડત માટે અપીલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : તાજેતરમાં આંતરજ્ઞાતિ લગ્નના વિવાદ બાદ ચર્ચામાં આવેલા ઠાકરશી રબારી ફરી એકવાર મેદાને આવ્યા છે. આ વખતે તેમણે સમાજને એકજુટ થઈ લડત ચલાવવાની અપીલ કરી છે. આ અપીલ રાજ્યના નાણાં મંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ કરવામાં આવી છે.

તાજેતરમાં સિંગર કાજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્નને લઈને રબારી સમાજમાં નારાજગી જોવા મળી હતી. આ મુદ્દે ઠાકરશી રબારીએ પહેલા પણ જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી અને અલ્ટીમેટમ આપ્યું હતું. બાદમાં બંને સમાજ વચ્ચે સમાધાન થતાં મામલો શાંત થયો હતો. ત્યારથી ઠાકરશી રબારી સતત ચર્ચામાં રહ્યા છે.

- Advertisement -

હવે ફરી એકવાર તેઓ નવા મુદ્દે સક્રિય બન્યા છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ વિનિયોગ વિધેયક પર ચર્ચા દરમિયાન મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમાં ગીર, બરડા અને આલેચ વિસ્તારમાં વસતા માલધારી સમાજની શ્રેણીમાં ફેરફાર અંગે વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

હાલમાં આ વિસ્તારોમાં વસતા રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકોને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મળેલો છે. પરંતુ હવે આ જ્ઞાતિઓને ST યાદીમાંથી દૂર કરીને અન્ય પછાત વર્ગ (OBC)માં સમાવવાનો વિચાર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

આ નિર્ણય અંગે સમાજમાં ચિંતા અને વિરોધની લાગણી ઊભી થઈ રહી છે. અગાઉ પણ આ મુદ્દે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માલધારી સમાજને STમાં યથાવત રાખવાની માંગ કરવામાં આવી હતી.

- Advertisement -

આ પરિસ્થિતિમાં ઠાકરશી રબારીએ સમાજને સંબોધતા જણાવ્યું છે કે આ મુદ્દે એકજુટ થઈ લડત લડવાની જરૂર છે. તેમણે સમાજના લોકોને ખભેથી ખભો મળાવી પોતાની હક માટે અવાજ ઉઠાવવાનું આહવાન કર્યું છે.

આ મુદ્દે આગામી દિવસોમાં સમાજના વિવિધ સંગઠનો દ્વારા વધુ બેઠકઓ અને નિર્ણય લેવાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular