નવજીવન ન્યૂઝ, અમદાવાદ : નીતનવી તરકીબો થકી લાલચમાં લાવી અથવા તો ડર બતાવીને વિદેશી નાગરિકોને છેતરી રહેલાં કોલ સેન્ટરીયાઓ ગુજરાતમાં એકાદ દસકા બાદ સક્રિય થયા છે. 18 દિવસના ગાળામાં સ્ટેટ મોનિટરિંગ સેલ તેમજ અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે અનુક્રમે સાબરકાંઠાના ઈડર ગામે તેમજ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દરોડા પાડી બોગસ કોલ સેન્ટરો (Bogus Call Center) નો પર્દાફાશ કર્યો છે. ગત ફેબ્રુઆરી મહિનામાં Team ED એ બોગસ કોલ સેન્ટરના કનેક્શનમાં અમદાવાદમાં અનેક સ્થળોએ દરોડા પાડી 12 હજાર ડૉલરની ક્રિપ્ટોકરન્સી અને 13 લાખની રોકડ કબજે કરી 13 બેંક ખાતા-લોકર ફ્રીઝ કર્યા હતા.

ઈડરમાં બેસી એક રાતમાં કરતા હતા લાખોની કમાણી
સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર. કે. કરમટા (PI R K Karamta) અને તેમની ટીમે ગત 24 ફેબ્રુઆરીના રોજ સાબરકાંઠાના ઈડર ખાતે દરોડો પાડ્યો હતો. ઈડર શહેરથી થોડાંક અંતરે આવેલા ભાજપના સ્થાનિક નેતા મુકેશ સોલંકીના વૉટર પ્લાન્ટ ખાતે પોલીસે રેડ પાડી ત્યારે ઉપરના માળે ઑફિસમાં ઉભા કરાયેલા કોલ સેન્ટર ખાતેથી 10 શખસોને ઝડપી લેવાયા હતા. અમદાવાદના શાહપુરનો ગુલામગોશ કુરેશી ઉર્ફે રાઈડર સહિત 11 આરોપીઓને પોલીસે રંગે હાથ પકડી લીધા હતા. Team SMC એ 12 લેપટોપ, 40 મોબાઈલ ફોન, 40 હજારની રોકડ સહિત 20.33 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બોગસ કોલ સેન્ટર ચલાવતા ગુલામગોશે અઢી વર્ષ અગાઉ ભાજપના નેતા મુકેશ સોલંકી પાસેથી મહિને 18 હજાર રૂપિયાના ભાડે જગ્યા રાખી હતી. અમેરિકન નાગરિકો (US Citizens)ને લૉનની લાલચ આપી જુદીજુદી ફીના નામે ગિફ્ટ કાર્ડ મેળવી હજારો ડૉલર ક્રિપ્ટોમાં તબદીલ કરી હવાલા થકી લાખો રૂપિયા મહિને P M Angadia પેઢીમાં મોકલી અપાતા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર મામલામાં અમેરિકન નાગરિકો તેમજ અમદાવાદના શાહપુરનો સાદીક કુરેશી ઉર્ફે રાજા સહિતના 11 શખસોને ફરિયાદમાં ફરાર દર્શાવાયા છે. અત્રે નોંધનીય છે કે, Gujarat Police ના ઇતિહાસમાં કોલ સેન્ટરની તપાસ માટે પ્રથમ વખત સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) બનાવવામાં આવી છે.
અમદાવાદ ઉપરાંત રાજ્ય બહાર કોલ સેન્ટર ચલાવતી ટોળકીનો પર્દાફાશ
14 માર્ચના રોજ અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે (Cyber Cell Ahmedabad) ચાંદખેડામાં આવેલા સોપાન હાઈટસમાં ફલેટ નંબર સી-10માં દરોડો પાડી બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. હર્ષ પટેલ, આશુ પટેલ, કુશ પટેલ અને સુનિલ રાવતને 6 લેપટોપ, 5 મોબાઈલ ફોન અને 4 ફોન સહિત 1.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પકડાયેલા આરોપી આશુ પ્રવીણભાઈ પટેલના બનેવી ફાલ્ગુન રમેશચંદ્ર પટેલ અને શિવાંગ ધશમાનાની ધરપકડ કરવા પોલીસ પ્રયત્નીશીલ બની છે. કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી બનીને કેનેડિયન નાગરિકો (Canadian Citizens) ને તમારા બેંક એકાઉન્ટની માહિતી લીક થઈ છે અને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે તેમ જણાવી બનાવટી સંસ્થાનું નામ-નંબર આપી સલાહ લેવા માટે ગઠિયાઓ કહેતા હતા. કેનેડાના નાગરિક ફોન કરે એટલે તેમની પાસેથી સર્વિસ ફી પેટે ગિફ્ટ કાર્ડ મેળવી લઈ કેનેડિયન ડૉલરમાં કન્વર્ટ કરી ક્રિપ્ટો થકી ભારતમાં હવાલો કરાવતા હતા. પ્રાથમિક તપાસમાં ફાલ્ગુન પટેલ અમદાવાદ તેમજ અન્ય રાજ્યોમાં કોલ સેન્ટર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. રેડમાં પકડાયેલો હર્ષ પટેલ ગત વર્ષે રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા સવાના પોલીસ સ્ટેશનમાં 40 સીટર બોગસ કોલ સેન્ટરનો આરોપી બની ચૂક્યો છે. સુનિલ રાવત અગાઉ ચંદીગઢ ખાતે ફાલ્ગુન પટેલ સાથે મળીને 150 સીટનું કોલ સેન્ટર ચલાવતો હતો.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








