Tuesday, June 23, 2026
HomeGujarat400 દિવસમાં એકના ડબલ, સુરતમાં લોભામણી સ્કીમમાં 1.02 કરોડની થઈ ઠગાઈ

400 દિવસમાં એકના ડબલ, સુરતમાં લોભામણી સ્કીમમાં 1.02 કરોડની થઈ ઠગાઈ

- Advertisement -

મલેશિયાની ટુર કરાવી, રોકાણકારો-એજન્ટોને બાટલામાં ઉતારી કરાઈ છેતરપિંડી

નવજીવન ન્યૂઝ.સુરતઃ મલેશિયાની ફાયનાન્સિયલ તેમજ આઈટી કંપનીના નામે ગુજરાતમાં થયેલી ઠગાઈમાં સરકારી શિક્ષક સહિતના અનેક લોકોએ મોટી રકમ ગુમાવી છે. ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’ તે કહેવતના દાખલા હંમેશા પોલીસ ફરિયાદોમાં સમયાંતરે જોવા મળે છે. 400 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની લોભામણી જાહેરાતમાં તાપી જિલ્લાના અનેક રોકાણકાર ફસાયા છે. સ્થાનિક એજન્ટોની મદદથી આણંદ જિલ્લાના પ્રાણેશકુમાર પટેલે અનેક લોકોનું ફુલેકું ફેરવી નાંખતા 1.02 કરોડ રૂપિયાની ઠગાઈની ફરિયાદ સીઆઈડી ક્રાઈમે નોંધી છે.

- Advertisement -

છેતરપિંડી, વિશ્વાસઘાત, ધી બેનિંગ ઑફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ અને GPID Act હેઠળ ગુનો નોંધી પ્રાણેશ ઉપરાંત મલેશિયાથી આવેલા બે અજાણ્યા શખસોની પોલીસે શોધખોળ આરંભી છે. પ્રાથમિક તપાસમાં એજન્ટો-રોકાણકારો સહિત 73 લોકોને મલેશિયા ખાતે ટુર કરાવવા પ્રાણેશ પટેલે ફલાઈટ બુકીંગ અમદાવાદના મોટેરા ખાતે આવેલી પરફેક્ટર સર્વિસ પાસે કરાવ્યું છે.

CID Crime Surat ઝોન ખાતે સરકારી શિક્ષક મણીલાલ બાબલાભાઈ ગામીતે (રહે. વ્યારા,જિ.તાપી) છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જુલાઈ-2022માં કાર્તિક ચૌધરી સહિતના અન્ય એજન્ટોએ સ્પાર્ક બેરહાડ કંપનીની વ્યારા ખાતે આવેલી ઑફિસે બોલાવી રોકાણની રકમ 400 દિવસમાં ડબલ અથવા તેથી વધુ કરી આપવાની લાલચ આપી હતી. 100 થી 5000 અમેરિકન ડૉલરના રોકાણ પર રોજનો અડધો ટકો અને 10 હજાર ડૉલરના રોકાણ પર રોજનું 1 ટકો વ્યાજ મળશે તેવી ખાતરી આપી હતી.

મલેશિયાની સ્પાર્ક વર્લ્ડ બેરહાડ (Spark World Berhad Malaysia) ની સ્કીમમાં કરાયેલું રોકાણ એપ્લિકેશનમાં US Dollar માં બતાવશે. આ સ્કીમ જાણ્યા બાદ મણીલાલ ગામીતે તેમના તેમજ તેમના પરિવારના નામે 26.35 લાખનું રોકાણ કર્યું હતું. એજન્ટ કાર્તિક ચૌધરીએ રોકાણની રકમ ગુજરાતના વહીવટકર્તા પ્રાણેશ ઉપેન્દ્રભાઈ પટેલ (રહે. ઝારોલા,તા.બોરસદ,આણંદ)ને આપી હતી.

- Advertisement -

રોકાણની રકમ પર એપ્લિકેશનમાં 100 ડૉલરથી વધુ જમા થયેલા વ્યાજને મેળવવા મણીલાલા કાર્તિકનો સંપર્ક કરતા તો તેઓ અન્ય રોકાણ આવે ત્યારે આપતા હતા. વર્ષ 2022માં પ્રાણેશ પટેલે મલેશિયા સ્પાર્ક વર્લ્ડ બારહેડ કંપનીના સીઈઓ મેકલી અને ચીફ માર્કેટિંગ ઑફિસર ટી.ટી.સ્ટેવની હાજરીમાં યોજાયેલી કૉન્ફરન્સમાં રોકાણકારોને લલચાવ્યા હતા. એજન્ટો-રોકાણકારો સહિત 73 લોકોને મલેશિયાની ટુર કરાવવામાં આવી હતી. ટુર માટે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી પરફેક્ટ સર્વિસ નામના ટ્રાવેલ એજન્ટે ફલાઈટ બુકીંગ કર્યું હતું.

મણીલાલ ગામીત ઉપરાંત અન્ય 31 જેટલાં રોકાણકારો સાથે 76.47 લાખની ઠગાઈ થઈ છે. કુલ રૂપિયા 1 કરોડ 2 લાખ 85 હજારની છેતરપિંડી કરી પ્રાણેશ પટેલ સહિતના શખસો ગુમ થઈ જતાં ફરિયાદ નોંધાઈ છે. સીઆઈડી ક્રાઈમની ટીમે પ્રાણેશ પટેલ તેમજ મલેશિયાની કંપનીના સીઈઓ તથા ચીફ માર્કેટિંગ ઑફિસર તરીકે આવેલા શખસોની શોધખોળ આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular