એક જ મહિનામાં ભારતમાં ચાંદીનાં ભાવ ૩૩.૫ ટકા વધી ગયા: વાયદામાં મોટા ઉંધા બદલા
સિલ્વર ઈટીએફ અને મ્યુચ્યુઅલ ફંડોમાં સોદા અટકી પડ્યા
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): રોકાણકારોની મજબુત માંગ, ઔદ્યોગિક વપરાશકારો તેમજ તહેવારિક ખરીદારોના બજારમાં પ્રવશે ચાંદીમાં બોલાતા પ્રીમિયમને નવી અને ઐતિહાસિક ઉંચાઈએ પહોચાડી દીધા છે. પરિણામે જવેરીઓ અને અન્ય ચીજોના ઉત્પાદકોને પુરવઠાથી વંચિત કરી નાખ્યા છે. દિવાળી પૂર્વે જ્યારે પરંપરાગત જબ્બર માંગ નીકળે ત્યારે જ જવેલરોને ગ્રાહકોને સાચવવાના ફાફા પડ્યા છે. છેલ્લા પાંચ વર્ષનું પુરાંત ચાંદી ઉત્પાદન પણ વપરાઈ ગયું છે, છેલ્લા ચાર વર્ષથી વૈશ્વિક પુરવઠા કરતા માંગ ખુબ વધી ગઈ છે. ચાંદી ઉત્પાદનનો ૭૦ ટકા હિસ્સો અન્ય બિનલોહ ધાતુની ખાણમાંથી બાય-પ્રોડક્ટ તરીકે નીકળે છે, હવે તે પણ માંગને પહોચી વળવા સક્ષમ નથી. પુરવઠા અછતમાં મૂળે, રીન્યુએબલ એનર્જી અને હાઈટેક સેક્ટરની ચાંદી માંગે મોટી ભૂમિકા કરી છે.
૧૬ ઓક્ટોબરે એમસીએકસ સ્પોટ ચાંદીના ભાવ રૂ. ૧.૬૯,૦૯૫ પ્રતિ કિલો હતા, ડીસેમ્બર વાયદો ૧,૬૯૭૬૦ હતો. જો ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના સત્તાવાર હાજર ભાવ જોઈએ તો એમસીએક્સ વાયદાના ભાવ સામે રૂ. ૧૮,૩૪૦નાં પ્રીમિયમથી ગુરુવારે બોલાતા હતા. ભારતના અન્ય શહેરોમાં પણ ભાવ ખુબ ઊંચા પ્રીમિયમથી બોલાય છે, આ દાખવે છે કે દેશભરમાં હાજર ચાંદીની તીવ્ર અછત છે. રોકાણકારોનો રસ વધી જતા છેલ્લા એક જ મહિનામાં ભારતમાં ચાંદીનાં ભાવ ૩૩.૫ ટકા જેટલા વધી ગયા છે. આ જ કારણ છે, વિશ્વ બજારની તુલનાએ ભારતમાં ઊંચા ભાવે ચાંદીનો વેપાર થઇ રહ્યો છે.
વાયદામાં મોટા ઉંધા બદલા (હાજર ભાવ સામે વાયદામાં ડિસ્કાઉન્ટ)એ બેન્કોને વર્તમાન બજાર સ્થિતિનો લાભ લેવા, મોટાપાયે આયાત કરવાની ફરજ પાડી છે. મહત્વના ઉત્પાદક દેશોમાં પુરવઠો માર્યાદિત બનવા સાથેજ, જબ્બર ઓદ્યોગિક અને રોકાણ માંગએ આખા વિશ્વના ચાંદીના વેપારી હબ ગણાતા તમામ દેશોમાં ભારત જેવીજ સ્થિતિ સર્જાઈ છે. લંડનમાં ફીઝીકલ (હાજર) ચાંદીનો જથ્થો ઉધાર મેળવવાનો વાર્ષિક વ્યાજદર (જેને આપણે લીઝ રેટ કહીશું) ૩૯ ટકા થઇ જતા, તેનું દબાણ આખા જગતમાં જોવાઈ રહ્યું છે. ભારતની કુલ ચાંદી માંગ, ૮૦ ટકા આયાતથી સંતોષવામાં આવે છે. ૨૦૨૫ના પ્રથમ ૮ મહિનામાં આયાત ૪૨ ટકા ઘટીને ૩૩૦૨ ટન થઇ હતી. આની સામે ભારતમાં ઈટીએફ અને અન્ય સ્વરૂપે આવતા રોકાણનો રાફડો ફાટ્યો છે.
૨૦૨૪મા ભારત પાસે રહેલો તમામ આયાત પુરાંત પુરવઠો સફાચટ થઇ ગયો. હવે ભારતને મોટાપાયે આયાતની આવશ્યકતા છે. ૩૦ અબજ ડોલરની ખુબ નાની કહી શકાય તેવી ચાંદીની સટ્ટાકીય કોમોડીટી બજાર છે, તેમાં જો માંગ પુરવઠાનો જરા પણ સળવળાટ થાય તો ભાવ પર તેની વ્યાપક અસર પડે છે. તમે ભારતનું ઉદાહરણ લો, ભારતમાં આયાત થતી ચાંદી પર આયાત જકાત, અન્ય ટેક્સ અને વહન ખર્ચ સાથેનાં ભાવ (આયાત પડતર) પર જુદા જુદા શહેરોમાં ૮થી ૧૦ ટકા જેટલું પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. આવા અનાપસનાપ પ્રીમિયમને કારણે હાજર ભાવ આધારિત અનેક એક્સચેન્જ ટ્રેડેડ ફંડો (ઈટીએફ)એ નવા ફંડોનું વેચાણ બંધ કર્યું છે. આને પગલે મ્યુચ્યુઅલ ફંડોએ પણ ફંડોનું વેચાણ બંધ કરી દીધું છે. અત્યારે માત્ર નિપોન અને એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ રોજીંદા રૂ. ૧ લાખની મર્યાદામાં જ મ્યુચ્યુઅલ ફંડો ઓફર કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે હાજર સિલ્વરના સોદા ૫૪.૪૧ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) પડ્યા હતા. ગુરુવારે મુંબઈમાં હાજર ભાવ કિલો દીઠ રૂ. ૧,૭૮,૧૦૦ મુકાયા હતા.
૨૦૨૫મા ચાંદીએ સોનાને ઝાંખું પાડી દીધું છે, અત્યાર સુધીમાં જાગતિક ચાંદીના ભાવ ૮૮.૩૦ ટકા જ્યારે સોનાના ભાવ ૬૬.૫ ટકા વધ્યા છે. સપ્ટેમ્બરમાં અમેરિકાએ ચાંદીને ક્રીટીકલ મેટલના લીસ્ટમાં નાખી દીધી ત્યાર પછી આખા વિશ્વમાંથી ચાંદીની નિકાસ અમેરિકા તરફ થવા લાગી હતી. ભારતમાં આટલી બધી અછત કેમ સર્જાઈ? કારણ કે દેશમાં ચાંદીનાં વાસણ, જ્વેલરી, કોઇન્સ, લગડી, અને સોલાર તેમજ ઈલેક્ટ્રીકલ સાધનો માટેની માંગે ઉપાડો લીધો છે. સપ્ટેમ્બર મહિનામાં એકલા સિલ્વર ઈટીએફમાં રૂ. ૫૩.૪૨ અબજ ડોલરની માંગ નીકળી હતી, આ વલણ ઓક્ટોબરમાં વેગવાન બન્યું હતું.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








