Friday, April 24, 2026
HomeGeneralમહારાષ્ટ્ર: કોરોનાના કેસોમાં ઘટાડા વચ્ચે 24 જાન્યુઆરીથી ધો- 1થી 12ની શાળાઓ ખુલશે

મહારાષ્ટ્ર: કોરોનાના કેસોમાં ઘટાડા વચ્ચે 24 જાન્યુઆરીથી ધો- 1થી 12ની શાળાઓ ખુલશે

- Advertisement -

નવજીવન. મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર કોરોના વાયરસને કારણે બંધ શાળાઓ ફરીથી ખોલવા જઈ રહી છે. મહારાષ્ટ્ર શાળાના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે રાજ્યમાં ધોરણ ૧ થી ૧૨ સુધીની શાળાઓ ફરીથી ખોલવામાં આવી રહી છે. ઓફલાઇન વર્ગો ૨૪ જાન્યુઆરીથી શરૂ થશે. મુંબઈની શાળાઓ પણ ૨૪ જાન્યુઆરીથી ખોલવામાં આવશે. તાજેતરમાં મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે રાજ્ય સરકાર આગામી 10-15 દિવસમાં રાજ્યભરમાં વર્ગો ફરી શરૂ કરવાનો નિર્ણય લેશે અને આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોવિડના કેસોમાં વધારો થવાને કારણે મહારાષ્ટ્ર સરકારે ૮ જાન્યુઆરીએ રાજ્યની શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સરકારે ૧૫ ફેબ્રુઆરી સુધીમાં શાળા બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ 31 જાન્યુઆરી સુધી મુંબઈની શાળાઓ બંધ કરી દીધી હતી. મ્યુનિસિપલના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈમાં કોવિડ-19ના વધતા જતા કેસો વચ્ચે ધોરણ 1 થી 9 અને 11 માટેની તમામ શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે.



જો કે હવે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. જેના કારણે શાળાઓ ખોલવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાયરસના 43,697 કેસ નોંધાયા છે. મેટ્રોપોલિટન મુંબઈમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6032 દર્દીઓ નોંધાયા છે. મુંબઈમાં હાલમાં 31,856 સક્રિય કોરોના દર્દીઓ છે. છેલ્લા 24 કલાકમાં 60,291 ટેસ્ટ થયા છે અને પોઝિટિવિટી રેટ 10 ટકા છે. મુંબઈમાં મંગળવારે 6,149 કેસ નોંધાયા હતા, જેમાં બુધવારે ઘટાડો નોંધાયો છે. મંગળવારે 47,700 પરીક્ષણો થયા હતા અને પોઝિટિવિટી રેટ 12.89 ટકા હતો. મુંબઈમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 16,488 લોકોના મોત થયા છે.

- Advertisement -

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોવિડ-19થી છેલ્લા એક દિવસમાં રાજ્યમાં 49 દર્દીઓના મોત થયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં 23,93,704 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે અને 3,200 દર્દીઓ હોસ્પિટલમાં છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular