નવજીવન. વડોદરાઃ સોખડા હરિધામ મંદિરમાં હરિભક્ત અનુજ ચૌહાણને માર મારવાની ઘટના સામે આવી હતી, ત્યાર બાદ હવે મંદિરના વહીવટમાં ચાલતો જુથવાદ સામે આવ્યો છે. બે જુથો ગાદીને લઈને વિવાદ સામે આવ્યો છે. ત્યારે મંદિરના ટ્રસ્ટી સામે આક્રોશ વ્યક્ત કરતો કેટલીક સત્સંગી મહિલાઓનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરના ટ્રસ્ટી જયંત દવે એક ખુરશી પર બેઠા છે અને તેમની સામે 20 થી 25 મહિલા સત્સંગીઓ ભારે આક્રોશ સાથે મંદિરના વહિવટદારો સામે ગંભીર આક્ષેપો કરી રહી છે.
વાયરલ વીડિયોમાં એક મહિલા સત્સંગી આક્ષેપો કરી રહી છે કે, “ત્યાગસ્વામીને એવું કહો કે તમારી બુદ્ધિ તમારી પાસે રાખો, ખાવાના બહાને અમને અંદર પુર્યા અને હવે અમને બહાર કાઢો છો ? તેમને કહો અહીં આવે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ કરે. રહી વાત ગુણાતિત (પ્રબોધ સ્વામી)ની તો તેમને ગાદી પર બેસાડો અમને કોઇ ફરક નથી પડતો પણ અમને આજે જ રસ્તો જોઈએ. બ્રહ્મવિહારીને બોલાવો, અશોકભાઇને બોલાવો… ફુવાને બોલાવો… ગુણાતિત લખીને આપે, આ બધુ ખાલી કરે, અમારે ગુણાતિત જોઇતો જ નથી, અમારે હરિધામમાં ગુણાતિત ના જોઇએ… રહેવું હોય તો પ્રાદેશિક સંત તરીકે રહે, ગુણાતિતના બધા ફોટા કાઢી નાખો… તમે અમને સમજો છો શું’?”
આ દરમિયાન અન્ય એક મહિલા કહે છે કે, “તમારે એમને બેસાડવો હોય તો બેસાડી દો પણ કોઇ હરિભક્તને નુકસાન થવું ના જોઈએ, સુરત કશુ બોલ્યા નહીં એટલે આવુ થયુ, ત્યાં બંટીને ઉઠાવવાના હતા પણ ફાવ્યા નહી પછી ગુંજનભાઇને માર્યા … ‘તો બીજી મહિલા કહે છે કે મારા પતિને ધમકી આપે છે, મારા ઘરે 15 -15 જણ આવ્યા પણ હું પહોંચીવળી… આ બધું થવાનું કારણ શું’
તે સમયે શરૂઆતમાં વીડિયોમાં જે મહિલા આક્ષેપો કરતી હતી તે કહે છે કે આ બધુ થવાનું કારણ ગુણાતિત જ છે. બે ગાદી નહી થાય. મારી નાખીશ ગુણાતિતને તો હું. બાપ એક હોય અને એક જ રહેશે, કોઇ બૈરીના બે ધણી ના હોય. અહીં થતું હશે અમારે ના હોય. ગુરૃપ્રસાદ, સર્વમંગલ સ્વામી અને બ્રહ્મવિહારી આ બધા પ્રદેશમાંથી જશે? ચાલો તેને હમણા જ કાઢો અમે જતા રહીશું. અશોકભાઇને કાઢશો? પ્રદેશ ખાલી કરાવશો? ખરાબ કામ કરતા હોય તો રોકવા જોઇએ. એ લોકો એવુ કહે છે કે એક વિકેટ ગઇ હવે બીજી પડશે એવું કહે છે. આવી તેમની ભાષા છે. આ રીતે સંસ્થા ના ચાલે.
એક ટ્રસ્ટી પૈસા લઇને બેઠા છે તો એમને કશું ના કહેવાય, બીજા એક સેવકે પૈસાનું ખોટું કર્યું તો ના કહેવાય, અને એવીડી (ઓડિયો વીડિયો ડિપાર્ટમેન્ટ) પર આખા 200 કરોડ રુપિયા પેલા ટ્રેનવાળાને આપ્યા તો ના કહેવાય, એક સંતે છોકરો પેદા કર્યો તો ના કહેવાય, બીજો સંત જામનગરવાળીને લઇને ફરે છે તો ના કહેવાય, ત્રીજા સંતે 40 કરોડ રુપિયા ભાવેશ નામના બિલ્ડરને આપ્યા તો ના કહેવાય, કોઇને ના કહેવાય પણ અમને કહેવાય. આ કઇ જાતનો ન્યાય છે. અમારી પાસે પાકુ પ્રુફ છે. અન્ય મહિલાઓ બોલે છે કે અહીં જેટલા ઉભા છે બધા પાસે પ્રુફ છે. અને મારો વર મરી જશે, આનો વર મરી જશે તેની જવાબદારી કોણ લેશે… આ મંદિર રાજકારણનો હબ થઇ ગયો છે… અમારા બાપ (હરિપ્રસાદ સ્વામી)નું ખોટું થાય છે એટલે અમે તો બોલવાના.
![]() |
![]() |
![]() |











