પ્રશાંત દયાળ (શિવા. ભાગ-18): મારી આઈને રોકવા માટે કરેલી મારી મહેનત, પૈસા અને ઈશ્વરને કરેલી તમામ પ્રાર્થના હારી ગઈ! મારા બાબાને ગયે પંદર વર્ષ થઈ ગયાં હતાં. હવે આઈ જતી રહી. મનમાં સતત ઉદ્વેગ રહેતો હતો, પણ આ સમયમાં મને સાચવવા મારી પાસે શિવાની (Shivani Dayal) હતી. આઈ લાંબો સમય પથારીમાં હતી, પણ એ હતી તો ખરીને! હવે એ નહોતી રહી. આઈની ઇચ્છા પ્રમાણે તેની પાછળ કોઈ જ ધાર્મિક વિધિ રાખી નહોતી. આ દરમિયાન મારી પત્રકારત્વની સફર આગળ વધતી ગઈ.
2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના (2008 Serial Blasts Ahmedabad) એંસી કરતાં વધુ ત્રાસવાદીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch) પકડી લીધા હતા. એ તમામને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલમાં રહેલા આ ત્રાસવાદીઓ એક મોટી ઘટનાને અંજામ આપી રહ્યા હતા. જેનો કોઈને અંદાજ નહોતો.
એક સવારે ખબર પડી કે, જેલમાં રહેલા ત્રાસવાદીઓએ જેલમાંથી ભાગી જવા માટે સુરંગ બનાવી છે! એક જેલ સિપાહીની કુનેહને કારણે ત્રાસવાદી ભાગી જાય તે પહેલાં આખી ઘટના બહાર આવી ગઈ હતી. સમગ્ર દેશ માટે આ ઘટના મોટી હતી. ‘સુરંગકાંડ’ની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. હિમાંશુ શુક્લ હતા. તેઓ એક બાહોશ પોલીસ અધિકારી તો હતા જ, સાથે માણસ તરીકે પણ નેક! તેમણે તપાસના સૂત્રો સંભાળી લીધા. આખી તપાસ જેલની અંદર ચાલી રહી હતી. જેલની અંદર જતા ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ બહાર આવે ત્યારે મૌન ધારણ કરી લેતા હતા.
જેલ પ્રશાસને અમદાવાદનાં રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સુરંગ બાર ફૂટ લાંબી હતી. ખરેખર જેલમાં શું બન્યું છે? તે જાણવાનો કોઈ જ અવકાશ નહોતો. વિવિધ અખબારોના પત્રકારો પોતાની રીતે રિપોર્ટિંગ કરી રહ્યા હતા. મોટા ભાગની થીઅરીનો કોઈ તર્ક જ નહોતો. બીજી તરફ એડિટરનું પ્રેશર હોવાને કારણે તમામ ક્રાઇમ રિપોર્ટર ઓફિસ પહોંચી, પોતાને સમજ પડે તેવી સ્ટોરી લખી રહ્યા હતા. મેં ક્રાઇમ રિપોર્ટિંગની તાલીમ મારા ગુરુ ચારુદત્ત વ્યાસ પાસેથી લીધી હતી. જેથી મારો સંપર્ક નાના પોલીસ કર્મચારીઓ અને અંડરવર્લ્ડ સાથે રહ્યો હતો.
સમાચાર ક્યારેય કોઈ મોટા અધિકારી આપતા નથી. બ્રેકિંગ સ્ટોરી માટે ગ્રાઉન્ડ લેવલ સાથે તમારો સંબંધ હોય તો જ સ્ટોરી મળે; તેની મને પાક્કી ખબર હતી. સાબરમતી જેલની સ્ટોરી રોજ અખબારમાં છપાતી, પણ કયાં અખબારની, કયા રિપોર્ટરની સ્ટોરી સાચી? તે નક્કી કરવું મુશ્કેલ હતું. મામલો જેલની અંદરનો હતો. જેથી કોઈ પત્રકારો રિપોર્ટિંગ માટે જેલમાં જઈ શકતા નહોતા. ત્યારે મારી પાસે એક ફોટો આવે છે. ફોટો સાબરમતી જેલમાં ખોદાયેલી સુરંગનો હતો.
એ ફોટો ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયો. તમામ અખબારના એડિટર અને રિપોર્ટર ચોંકી ગયા. કારણ કે એ ફોટો ટાઇમ્સ સિવાય બીજા કોઈની પાસે નહોતો. સુરંગકાંડનું આ પહેલું બ્રેકિંગ હતું. હજી ઘણું ખેડાણ કરવાનું બાકી હતું. આખો વિષય ખૂબ મહેનત માગી લે તેવો હતો. મારી પાસે એક જ વિકલ્પ બચ્યો હતો— સાબરમતી જેલની બહાર ડેરાતંબુ નાખીને બેસી રહેવું. મેં સાબરમતી જેલની બહાર બેસી રહેવાનો નિર્ણય કર્યો. ત્યારે મારી સાથે ગુજરાત સમાચારનો મારો સાથી મિહિર ભટ્ટ હતો. હું અને મિહિર રોજ સાબરમતી જેલની બહાર જઈને બેસી રહેતા. મિહિર મારાથી ખૂબ જુનિયર હતો. તેને સમજાતું નહોતું કે, સવારથી સાંજ સુધી જેલની બહાર બેસી રહેવાનો શું અર્થ છે? તે મને રોજ પુછતો, “દાદા! આપણે કેમ રોજ અહીંયાં આવીએ છીએ?”
હું કહેતો, “ઘટના દીવાલની અંદરની છે, તો એક દિવસ તેના સમાચાર દીવાલ કૂદીને આપણી પાસે આવશે.”
આમ કરતાં કરતાં પાંચ દિવસ વીતી ગયા. એક સાંજે એક મોટી લીડ મળે છે. એ લીડ ઉપર રાત સુધી કામ કર્યું. પછી જે સત્ય બહાર આવ્યું, તે જેલ અધિકારીઓની ફરિયાદ કરતાં તદ્દન અલગ હતું. જેલ અધિકારીની ફરિયાદ પ્રમાણે સુરંગ બાર ફૂટની હતી. પણ મારી પાસે જે હકિકત આવી; તે પ્રમાણે સુરંગ બસ્સો તેર ફૂટની હતી! બીજા દિવસે આ સમાચાર માત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અને ગુજરાત સમાચાર પાસે જ હતા. આ રીતે સમગ્ર ગુજરાતમાં આ સમાચારની ચર્ચા શરૂ થઈ ગઈ.
આ બધા સમાચારની નોંધ હવે દિવ્ય ભાસ્કરમાં લેવામાં આવી રહી હતી. દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર તરીકે અવનીશ જૈન અને અમદાવાદના એડિટર તરીકે મનિષ મહેતા હતા. સુરંગકાંડની ઘટના ઘટી ત્યારે એડિટર તરીકે મારો જૂનો મિત્ર પ્રણવ ગોલવલકર હતો. હવે તેને સૂરત દિવ્ય ભાસ્કરના એડિટર તરીકે મુકવામાં આવ્યો હતો. એક સવારે મને અમદાવાદ એડિશનના એડિટર મનિષ મહેતાનો ફોન આવ્યો. મનિષ પણ મારો જૂનો મિત્ર. તેણે પુછ્યું, “આપણે મળી શકીએ?”
મેં કહ્યું, “ચોક્કસ.”
અમે નવરંગપુરામાં આવેલી એક રેસ્ટોરન્ટમાં મળ્યા. મનિષ મને કેમ મળવા માગે છે? તેના કારણની મને ખબર નહોતી. મને મળતાં જ મનિષે મુદ્દા પર આવતાં કહ્યું, “અમારી ઇચ્છા છે કે, તું દિવ્ય ભાસ્કરમાં પાછો આવે.”
મેં પુછ્યું, “અમારી? એટલે કોની?”
મનિષે ફોડ પાડતાં કહ્યું, “સ્ટેટ એડિટર અવનીશ જૈન અને મારી ઇચ્છા છે.”
જોકે પહેલી મુલાકાતમાં કંઈ નક્કી થયું નહીં. મુલાકાતનો દૌર આગળ વધતો ગયો. અવનીશ જૈનને પણ મળવાનું નક્કી થયું. દિવ્ય ભાસ્કરમાં જવા પાછળ મારી બે લાલચ હતી. એક, જે ભાષામાં હું લખી શકતો; તે ગુજરાતી ભાષામાં ફરી લખવા મળશે. બીજી કે, છ વર્ષ પહેલાં જ્યારે ભાસ્કર છોડીને ગયો ત્યારે ભાસ્કરમાં મારો પગાર પચ્ચીસ હજાર હતો. હવે મને સવાલાખ પગારની ઓફર હતી.
આખરે મેં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને અલવિદા કરી દિવ્ય ભાસ્કર અમદાવાદમાં જોડાવવાનો નિર્ણય કર્યો. એમાં એક નાનકડી સમસ્યા હતી. હું ઇચ્છતો હતો કે, હું મૃત્યુપર્યંત રિપોર્ટિંગ કરતો રહું. પણ અવનીશ જૈનનું કહેવું હતું કે, આટલો મોટો પગાર આપીએ ત્યારે તેને જસ્ટિફાય કરવા કોઈ મોટો હોદ્દો મારે લેવો જોઈએ. મારી ઇચ્છા રિપોર્ટર જ રહેવાની હતી. આખરે મને ચીફ રિપોર્ટરનો ઑર્ડર આપવામાં આવ્યો. જે કામ મને જરા પણ પસંદ નહોતું. ચીફ રિપોર્ટર તરીકે જોડાયા પછી પણ હું કામ તો રિપોર્ટિંગનું જ કરતો હતો.
આઈ ગયા પછી મને ઇચ્છા હતી કે, શિવાનીને લઈ ક્યાંક બહાર ફરવા જઉં. કારણ કે શિવાનીને ફરવું ખૂબ ગમતું, પણ પૈસાનો અભાવ અને આઈની બીમારીને કારણે શક્ય બનતું નહોતું. મારી બુલેટ લેવાની ખૂબ ઇચ્છા હતી. તેમાં પણ પૈસાનો પ્રશ્ન હતો. પગાર સારો થયા પછી મેં બુલેટ લેવાનો નિર્ણય કર્યો. મારી આ ઇચ્છા પૂરી કરવામાં મને વીસ વર્ષ લાગ્યા હતા! 2013માં હું દિવ્ય ભાસ્કરમાં જોડાયો, બુલેટ પણ લીધું. મેં અને શિવાનીએ બુલેટ ઉપર રાજસ્થાનનો પ્રવાસ કરવાનો નિર્ણય કર્યો. આકાશ અને પ્રાર્થનાની સંભાળ માટે શિવાનીની આઈને ભરુચથી બોલાવી લીધાં હતાં. હું અને શિવાની બુલેટ લઈ રાજસ્થાનના પ્રવાસે નીકળ્યાં. શિવાનીને પણ બુલેટ પર પ્રવાસ કરવાનું ખૂબ ગમતું. રજાના દિવસે તે કહે, બહાર જઈશું? એટલે હું અને શિવાની બુલેટ ઉપર સીત્તેર–એંસી કિલોમીટર જેટલું ફરવાં નીકળી જતાં . શિવાનીની તબિયત નાજુક તો રહેતી, પણ તેનું મનોબળ મજબૂત હતું. તેને ખૂબ ફરવું હતું, તેને દુનિયા જોવી હતી. મને અને શિવાનીને બુલેટ ઉપર પ્રવાસ કરવો ખૂબ ગમતો. મારી પાસે કાર પણ હતી; પરંતુ મારી પહેલી પસંદગી કાયમ બુલેટ રહ્યું છે.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








