Friday, May 1, 2026
HomeGujaratAhmedabad"હું તેનું દર્દ જોઈ શકતો નહોતો"- પ્રશાંતે કણસતી માતા સાથે રમી મેન્ટલ...

“હું તેનું દર્દ જોઈ શકતો નહોતો”- પ્રશાંતે કણસતી માતા સાથે રમી મેન્ટલ ગેઇમ

- Advertisement -

પ્રશાંત દયાળ (શિવા. ભાગ-16): મારા મર્ડરનો પ્લાન થઈ ગયો છે; તે વાત રાતના બે વાગ્યે મેં શિવાનીને (Shivani Dayal) કહી. તે શાંતિથી સાંભળી રહી હતી. તેના ચહેરા પરના કોઈ ભાવ બદલાયા નહોતા. તેનો વ્યવહાર મારી અપેક્ષા કરતાં તદ્દન જુદો જ હતો. મારી ધારણા પ્રમાણે આ આખી વાત તેને ડરાવી દે તેવી હતી. મારી વાત પૂરી થયા પછી તેણે ખૂબ વિચાર કર્યો અને પુછ્યું, “તમે જે પ્રકારે સમાચાર (News) લખી રહ્યા છો, તેના કારણે જ તે લોકો તમને મારી નાખવા માગે છે?”

મેં માત્ર માથું હલાવી હા પાડી. કારણ કે અંદરથી તો હું ખૂબ ડરી ગયો હતો. તેણે મારો હાથ પકડી એકદમ ધીમા અવાજે પુછ્યું, “તમે મારી સામે સાચું બોલી રહ્યા છોને?”

- Advertisement -

મેં હા પાડી એટલે તેણે કહ્યું, “મને ખબર છે, તમને કંઈ જ થશે નહીં. કારણ કે મારો ઈશ્વર તમને મદદ કરશે. પણ માની લો કે તમારું મર્ડર થાય; તો તમારા મર્યા પછી મને અને બાળકોને શરમ આવે એવું કોઈ કારણ તો બહાર નહીં આવેને?”

મેં શિવાનીની આંખમાં જોઈને કહ્યું, “ખરેખર, તું કે બાળકો શરમજનક સ્થિતિમાં મુકાવ તેવું કંઈ જ થશે નહીં.”

શિવાનીએ મારો હાથ વધારે મજબૂત રીતે પકડીને કહ્યું, “ચિંતા કરતા નહીં. તમને કંઈ જ થશે નહીં. અને કદાચ થાય તો પણ…”

- Advertisement -

તેણે બાજુમાં સૂઈ રહેલાં બાળકો તરફ જોતાં ઉમેર્યું, “હું તેમને મોટા કરીશ. તમે લખતા અને લડતા રહો. મને આવો જ પ્રશાંત પસંદ છે!”

આ પ્રકારનું જીગર શિવાની પાસે હતું. શિવાની સાથે વાત કર્યા પછી મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડી. બીજા દિવસે આ વાત મેં મારા એડિટર ભરત દેસાઈને કરી. મામલો પહેલાં નરેન્દ્ર મોદી (Narendra Modi) પછી પ્રફુલ પટેલ પાસે પહોંચ્યો હતો. અમિત શાહની (Amit Shah)ધરપકડ પછી ગૃહરાજ્ય મંત્રી તરીકે પ્રફુલ પટેલ મુકાયા હતા. પ્રફુલ પટેલે મને તેમના સરકારી બંગલે બોલાવ્યો અને આખો મામલો જાણવાનો પ્રયત્ન કર્યો. એ તબક્કે તેમણે પોલીસ રક્ષણ લેવાની મને સલાહ આપી, પણ હું એવું કરવા તૈયાર નહોતો. મારી માહિતી પ્રમાણે મારું કામ પોરબંદર આપવામાં આવ્યું હતું એટલે પ્રફુલ પટેલે આ મામલે બાબુ બોખરિયાને બોલાવ્યા. આખરે તેમના દ્વારા મામલો થાળે પડ્યો હતો. આ રીતે મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહેવાની વિશેષ આવડત શિવાનીમાં હતી. બીજા શબ્દોમાં કહીએ તો એ ‘મારી કરોડરજ્જુ’ હતી.

બીજી તરફ મારી આઈની તબિયત વધારે નાજુક થવા લાગી હતી. હું તેને જ્યારે પણ હૉસ્પિટલ લઈ જાઉં ત્યારે તેનો એક જ પ્રશ્ન રહેતો, કેટલો ખર્ચ થયો? એક દિવસ તેણે મને કહ્યું, “મુન્ના, મને લાગે છે હું કંઈ લાંબુ જીવીશ નહી. પણ હું મરી જાઉં પછી તારે એક કામ કરવાનું છે.”

- Advertisement -

મેં કહ્યું, “બોલને.”

આઈએ કહ્યું, “મને ખબર છે; કૅન્સર જેવી બીમારીમાં ખર્ચ ખૂબ થાય. મને ખબર નથી કે, તું કેવી રીતે પૈસાની વ્યવસ્થા કરે છે! પણ મેં હૉસ્પિટલમાં એવા ગરીબ લોકો પણ જોયા, જેમનો દિદાર કહેતો હતો કે, તેમની પાસે પૈસા નથી. મારા મૃત્યુ પછી દસમા, બારમાની વિધિ કરતો નહીં. મારી પાછળ જે ખર્ચ કરવાનો છે, તે પૈસા કોઈ ગરીબ માણસની સારવાર કરાવવા વાપરજે. એ જ મારો મોક્ષ હશે!”

આઈની સ્થિતિ વિકટ થઈ રહી હતી. તેનું કૅન્સર હવે શરીરના બીજા ભાગોમાં પણ ફેલાઈ રહ્યું હતું. તેને અસહ્ય પીડા થતી હતી. હું ડૉ. અશોક પટેલ પાસે ગયો અને કહ્યું, “આઈને જે પીડા થાય છે, તેની કોઈ દવા નથી?”

અશોક પટેલે સમજાવ્યું, “હવે તમારી આઈ પાસે સમય ઓછો છે. તેમની પીડા દૂર થાય એવી તો કોઈ દવા નથી, પણ પીડા ઓછી થાય તેવી દવા આવે છે. એક ઉપચાર છે, જેમાં દર્દીના શરીર પર એક પટ્ટી લગાવવામાં આવે. આ પટ્ટીમાં મોરફિન નામની દવા હોય છે. જે દર્દીની પીડા ઓછી કરે છે. આ પટ્ટી શરીરના કોઈ પણ ભાગ પર લગાવી શકાય. પણ આ પટ્ટી માત્ર ચોવીસ કલાક સુધી જ કામ કરે. એટલે તમારે રોજ એક પટ્ટી બદલવી પડશે.”

હું ડૉ. અશોક પટેલ પાસે પ્રિસ્ક્રિપ્શન લખાવી મેડિકલ સ્ટોરમાં ગયો. કારણ કે આઈની પીડા હું જોઈ શકતો નહોતો. મેં ડૉકટરે લખી આપેલી પટ્ટી લીધી. આઈની બીજી દવા તો જ ચાલતી હતી, પણ આ પીડા ઘટાડવાની બીજી દવા હતી. મેડિકલ સ્ટોરમાંથી હું પટ્ટી તો લાવ્યો… પણ મારી ચિંતામાં વધારો થયો! કારણ કે પીડા ઓછી કરવાની આ એક પટ્ટીની કિંમત હતી પાંચસો રૂપિયા. વળી આ પટ્ટી ચોવીસ કલાક સુધી જ કામ કરતી. મારે રોજ એક નવી પટ્ટીની જરૂર હતી. એટલે કે રોજ પાંચસો, મહિને પંદર હજાર તો આ એક જ દવાના થવાના હતા! મારી પાસે એટલી વ્યવસ્થા નહોતી.

હું આઈને કેવી રીતે કહું કે, આઈ! હવે મારી પાસે પૈસા નથી. બીજી તરફ હું તેની પીડા પણ જોઈ શકતો નહોતો. મેં નક્કી કરીને એક રસ્તો કાઢ્યો. હું પટ્ટી લઈને ઘરે પહોંચ્યો ત્યારે આઈને પીડા થઈ રહી હતી. મેં કહ્યું, “ચિંતા કરતી નહીં. ડૉ. અશોકે અદ્ભુત દવા આપી છે.”

મેં પટ્ટી કાઢી તેનાં શરીર પર લગાવી. પાંચ જ મિનિટમાં તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે કહ્યું, “મુન્ના! મારો દુખાવો એકદમ જતો રહ્યો!”

તે ખૂબ ખુશ હતી. મેં કહ્યું, “જો, આ પટ્ટી ત્રણ દિવસ ચાલે છે. તેમાં એવી દવા છે કે, તને હવે દુખાવો થશે જ નહીં.”

હું તેની પાસે ખોટું બોલી રહ્યો હતો. ખરેખર તો આ પટ્ટીની અસર માત્ર એક દિવસ પૂરતી જ હતી, પણ મેં તેને ત્રણ દિવસ અસર રહેશે તેવું ઇરાદાપૂર્વક કહ્યું. કારણ કે મારી પાસે રોજ નવી પટ્ટી લાવવાના પૈસા નહોતા. આ એક મેન્ટલ ગેઇમ હતી. આઈ મૃત્યુની નજીક સરકી રહી હતી. આઈ મારા ભાઈ મનિષના ઘરે રહેતી. શિવાનીનો ખૂબ આગ્રહ હતો કે તે અમારાં ઘરે રહે. કારણ કે આઈને નવડાવવાથી માંડીને ત્રણ ટાઇમની દવા, જમવાનું આપવાનું કામ મારું હતું. તે મારા વગર કોઈનું સાંભળતી પણ નહોતી. આઈને મનિષની વિશેષ ચિંતા હતી. સાથે તે જ્યાં રહેતી હતી, તે ઘર તેના પતિ એટલે કે મારા બાબા ખરીદેલું હતું. તેની સાથે તેને વિશેષ લગાવ હોવો બહુ સહજ હતું.

હું દિવસમાં ત્રણ વખત મનિષના ઘરે જતો. એક તરફ નોકરી, બીજી તરફ સ્ટોરી કરવાનું સતત દબાણ અને હવે એક નવી ઘટના આકાર લઈ રહી હતી. જેની મને કે શિવાનીને ખબર નહોતી. શિવાનીના પિરિયડ્સ અનિયમિત થઈ રહ્યા હતા. તેના પિરિયડ્સ વીસ–વીસ દિવસ ચાલતા હતા. પિરિયડ્સના આ લાંબા ગાળાને કારણે શિવાની હવે શારીરિક રીતે થાકી રહી હતી. ગાયનૅકોલૉજિસ્ટની દવા શરૂ કરવામાં આવી, પણ તેનું કોઈ પરિણામ મળી રહ્યું નહોતું. હું મારા નેચરોથેરપિસ્ટ મિત્ર મૂકેશ પટેલ પાસે ગયો. મૂકેશ પટેલ અને તેમના પત્ની દીપિકા પટેલનું નેચરોપથીમાં મોટું નામ. તેમણે શિવાનીના તમામ રિપોર્ટ જોયા અને કહ્યું, “અમને લાગે છે, તમારે શાહિબાગમાં આવેલી રેશમબાઈ હૉસ્પિટલમાં ડૉ. હસમુખ અગ્રવાલને એક વખત બતાવવું જોઈએ. તેઓ સારા ગાયનૅક છે.”

હું અને શિવાની ડૉ. હસમુખ અગ્રવાલને મળવા ગયાં. ત્યારે 2011નું વર્ષ હતું. તેમણે શિવાનીને તપાસીને કહ્યું, “તમારું ગર્ભાશય દૂર કરવું અનિવાર્ય છે.”

ક્રમશઃ

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular