કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આ વર્ષના મધ્યમાં ‘ધ અનફિનશડ્ ક્વેસ્ટ : ઇન્ડિયાઝ સર્ચ ફોર મેજર પાવર સ્ટેટ્સ ફ્રોમ નેહરુ ટુ મોદી’ નામનું પુસ્તક આવ્યું છે અને તે પુસ્તકનું વિવેચન હવે પ્રકાશિત થઈ રહ્યા છે. આ પુસ્તક લખનાર કેનેડાની મેકગીલ યુનિવર્સિટીના પ્રોફેસર ટી. વી. પોલ (T V Paul) છે. ટી. વી. પોલ આંતરરાષ્ટ્રિય સંબંધો વિશેના નિષ્ણાત છે અને તેમણે આ પુસ્તક લખ્યું છે તેની હાલ ચર્ચા થઈ રહી છે. આ પુસ્તક ‘ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ’ દ્વારા પ્રકાશિત થયું છે. આ પુસ્તક કેમ લખાયું છે તેની શરૂઆતની ભૂમિકા બાંધતા લેખક લખે છે : “મે-2020માં હિમાલયના ઊચ્ચ પર્વતોમાં આવેલા પૂર્વીય લદ્દાખમાં કેટલાક ‘ચાઈનીઝ લિબરેશન આર્મી’ના સૈનિકો દેખાયા. અહીંયા લાઇન ઓફ કન્ટ્રોલની પાસે આવેલા વેરાન જગ્યામાં તેમણે તંબૂ બાંધ્યા હતા. આ વિસ્તારને ભારત અને ચીન પોતપોતાનો દર્શાવતા હતા અને ત્રણ દાયકાથી વધુ અહીંયા કોઈ ચહલપહલ નહોતી. થોડા અઠવાડિયા સુધી આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ અહીં થઈ છે તે બાબત કોઈના ધ્યાને આવી નહોતી. આખરે જૂન મહીનામાં ભારતીય સૈન્ય દ્વારા અહીંયા એક પેટ્રોલિંગ પાર્ટી[દેખરેક માટે સૈન્યની એક ટૂકડી] મોકલવામાં આવી, જ્યાં આવેલા ગેલવાન ખાઈમાં તેમની આમનેસામને હાથાપાઈનો સંઘર્ષ થયો. તેમાં અંદાજે 20 ભારતીય અને ચીનનાં કેટલાંક સૈનિકો મૃત્યુ પામ્યા. 1967 પછી એશિયાના આ બંને મોટાં દેશો એકમેકની સામસામે પહેલી વાર આવ્યા. ચાર દાયકા પછી બંને જ્યાં કોઈ જોખમી પેટ્રોલિંગ પ્રવૃત્તિ નહોતી; ત્યાં એકબીજા સામે શસ્ત્રો રાખીને ઘુરકીયા કરવા લાગ્યા. શિયાળો શરૂ થતા જ અહીંયા બંને દેશો પોતાના કાયમી ઠેકાણા નિર્માણ કરે છે જ્યાં રાતનું તાપમાન ગગડીને -50 સુધી પહોંચી જાય છે. 11 ફેબ્રુઆરી 2021ના રોજ અનેક રાઉન્ડની વાતચીત થયા બાદ બંને દેશો એપ્રિલ-2020માં જે સ્થિતિ હતી તે લાવવા તૈયાર થયા. પરંતુ પછી તે જમીની સ્તરે અમલ ન થયો. ફરી પાછું 9 ડિસેમ્બર 2022ના રોજ ઉત્તર-પૂર્વીયના એક ભાગમાં આવેલા તવાંગ ક્ષેત્રમાં બંને દેશોના સૈનિકોની હાથાપાઈ થઈ. તેમાં પણ આપણા દેશના 34 સૈનિકો ઇજાગ્રસ્ત થયા અને ચીનના ઇજાગ્રસ્ત થયેલા સૈનિકોની માહિતી હજુ પણ બહાર આવી નથી.” લેખકનું માનવું છે કે ચાર દાયકા બાદ ભારત સાથે વધતો ચીનનો સંઘર્ષ અન્ય આર્થિક મોરચે થઈ રહેલા પ્રગતિ-વર્ચસ્વનું પરિણામ છે. આ ઉપરાંત પણ લેખક પુસ્તકમાં અનેક આંતરરાષ્ટ્રિય કક્ષાએ ધ્યાને રાખવા જેવી બાબતો ટાંકે છે. પણ ભારતનું કદ વધ્યું છે અને તે દક્ષિણ એશિયામાં સત્તા બનીને ઊભરી રહ્યું છે તેના કારણે આંતરરાષ્ટ્રિય સ્તરે અનેક બાબતો ભારત માટે બદલાઈ ચૂકી છે.

એક મુલાકાતમાં લેખક એ વાત ટાંકે છે કે 2022માં ભારત વિશ્વની સૌથી મોટી આર્થિક સત્તા બની ચૂક્યું. આ પાયદાન પર આવવા માટે ભારતે એક સમયે તેના પર શાસન કરતાં બ્રિટનને પાછળ રાખી દીધું. 1990થી અનેક વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ અને સેક્રેટરીઝ દ્વારા એવું ઠોસ રીતે કહેવામાં આવ્યું છે કે ભારત આંતરરાષ્ટ્રિય સ્તરે મોટી સત્તા બનીને ઊભરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ ચીન સિવાય અન્ય જે કાયમી સભ્યપદ ધરાવતા તમામ દેશોએ પણ ભારતનો સિક્યૂરિટી કાઉન્સિલમાં ભૂમિકા જૂએ છે. જોકે આંતરરાષ્ટ્રિય સ્તરે આ બધું હોવા છતાં હજુ ભારતને વૈશ્વિક સ્તરે ‘ગ્રેટ પાવર’ તરીકે ઓળખાતું નથી.
નજીકના ઇતિહાસની પણ અનેક વાતો જો દસ્તાવેજિત ન થઈ હોય તો તે ભૂલાઈ જાય છે. લેખક ટી. વી. પોલે તે માટે આ અંગે તમામ વિગત ટાંકી છે. જેમ કે તેઓ લખે છે કે, 1990થી – બિલ ક્લિન્ટન, જયોર્જ બુશ, કોન્ડલિઝા રાઇસ, બરાક ઓબામા અને હિલર ક્લિન્ટન – તે તમામે ભારત ઊભરતી સત્તા છે તેવું સમયાંતરે કહ્યું છે. આ અંગે ભારત આર્થિક, સંરક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે થયેલી પ્રગતિ ઉપરાંત સાંસ્કૃતિક રીતે પણ દેશની સમૃદ્ધિ હોવા છતાં વિશ્વના સ્તરે ભારતનું પલડું ભારે થઈ રહ્યું નથી. આ બાબત અંગે રાજકીય નેતાઓ કે ઉચ્ચ અધિકારીઓ કેમ પ્રયાસ કરતા નથી. – આ પ્રકારના પ્રશ્નો લેખકે કર્યાં છે. તેનો ઉત્તર પણ તેઓ શોધતા ટાંકે છે. 1950માં નેહરુની આગેવાનીમાં જે રીતે દેશ આગળ વધ્યો અને તે પછી 1990થી આંતરરાષ્ટ્રિય સ્તરે દેશ જે રીતે વિશ્વાસ મેળવ્યો તેમાં ચીનના સમકક્ષ ભારત આવી ગયું હતું. અને જ્યારે 1989માં પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારથી પણ ભારતનું કદ વધતું દેખાતું રહ્યું છે. જોકે ‘ગ્રેટ’ મોભો મળવાની આ શોધ આંતરરાષ્ટ્રિય સ્તરે બે વખત ભારતે ગુમાવી તેવું લેખક નોંધે છે. તેમાં એક ઘટના ભારત આઝાદ થયું તે પહેલા બની હતી, તે વિશ્વયુદ્ધ પૂરું થયા પછી 1945ની ઘટના છે, જ્યારે બ્રિટનના કારણે ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી જગ્યા ન મળી. કોઈક કારણસર તે વખતે ચીન તેમાં જગ્યા મેળવવા માટે સફળ રહ્યું. બીજી વખતની ઘટના 1968ની હતી જ્યારે ભારત હજુ પણ પરમાણુ પરિક્ષણ કર્યું નહોતું અને ત્યારે ‘ન્યૂક્લિઅર નોન-પ્રોલિફીશનરી ટ્રીટી’ થઈ ચૂકી હતી. પરમાણુના વ્યાપને અટકાવવા માટે વિશ્વના દેશોએ આ બાબતે આંતરરાષ્ટ્રિય કરારથી બંધાયા હતા. પણ તે પછી આ કરારનો ભંગ થાય તે રીતે ભારતે પરમાણુનું પરીક્ષણ કર્યું અને ભારત તે ‘ગ્રેટ પાવર’થી વંચિત થઈ ગયું, જ્યારે આ માટે ચીનને 1964માં પરીક્ષણ કરીને પોતાનું સ્થાન સંયુક્ત રાષ્ટ્રની કાયમી ઠેકાણાને વધુ પાક્કું બનાવી દીધું હતું.
વિશ્વમાં જે કંઈ સંઘર્ષો થયા અને મોટી મોટી ઘટના બની ત્યારે ભારતની આંતરરાષ્ટ્રિય વલણ મહદંશે ‘બિનજોડાણવાદી નીતિ’નું રાખ્યું હતું. ભારતનું કદ આર્થિક રીતે અને અન્ય રીતે 1990થી સતત આગળ વધી રહ્યું છે અને એવું પણ કહેવાય છે કે 2050 સુધી ભારત વિશ્વની બીજા ક્રમની આર્થિક સત્તા હશે. આ બધું છતાં ભારત હજુય ચીનથી પાછળ રહ્યું છે. અને એવું તમામ સ્તરે છે, જીડીપીના બાબતે, શૈક્ષણિક, પ્રતિવ્યક્તિ સરેરાશ આવક, સ્વાસ્થ્યના માપદંડમાં અને વિદેશી રોકાણ બાબતે. ફેબ્રુઆરી -2021માં ચીન એવી જાહેરાત સુધ્ધા કરી નાંખી કે તેઓ આગામી દસ વર્ષમાં ચીનમાંથી ગરીબી સંપૂર્ણ પણે નાબૂદી કરશે. ભારત માટે હજુય આ સપનું છે અને રાજકીય રીતે અનેક વાયદા થયા હોવા છતાં તે ધ્યેય હજુય અનેક દાયકાઓ દૂર દેખાઈ રહ્યું છે.
દેશ તરીકે આપણે મૂલ્યાંકન જાતે કરીએ છીએ ત્યારે તેમાં -નંબર વન- હોવાના દાવા કરીએ છીએ, પરંતુ આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રમાણિક આંકડાઓ સાથે તેની સરખામણી થાય ત્યારે દેશની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવે છે. જેમ કે, હજુય ભારતમાં આર્થિક અસામનતાને લઈને ખાઈ વધી રહી છે. ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય સગવડ મેળવવાને લઈને પણ અસામનતા જોવા મળે છે. અને એટલે 2022માં ‘માનવ વિકાસ સૂચિ’મા ભારતનો ક્રમ 193 દેશોમાં 132મો છે. આ ક્રમની રીતે આપણા દેશમાં વિકાસનું ગુલાબી ચિત્ર દાખવી ન શકાય. આ ક્રમમાં આપણી કરતા બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પણ આગળના સ્થાને છે. આ પુસ્તકમાં એવી પણ નોંધ છે કે ભારતે આર્થિક વિકાસનો હવે એવો માર્ગ પસંદ કર્યો છે જેમાં લાખોપતિ કરોડપતિ બની રહ્યા છે, પરંતુ રોજબરોજ કમાવીને ખાનારા બહુ મોટા વર્ગના સગવડના નામે વિકાસ ધીમી ગતિએ થઈ રહ્યો છે. 2022ના આંકડા મુજબ ભારતમાં 10 ટકા ઉપલા વર્ગ પાસે દેશની 77 ટકા સંપત્તિનો હિસ્સો છે, અને તેમાંથી પણ 40 ટકા માત્ર 119 કરોડપતિઓ પાસે છે. ભારતના બંધારણમાં સૌના સમાન આર્થિક વિકાસની વિભાવના લખવામાં આવી છે. પરંતુ આ આંકડા જોઈએ એવું લાગે છે કે આપણે બિલકુલ વિપરીત માર્ગે જઈ રહ્યા છે. હવે અહીંયા એક આંકડો ખાસ જાણવો જરૂરી છે કે દેશની અડધોઅડધી વસ્તીના ભાગે દેશની સંપત્તિનો માત્ર અઢી ટકા હિસ્સો છે! આર્થિક અસમાનતા વિશે ‘રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા’ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે, દેશમાં અબજોપતિઓ વધુને વધુ સંપત્તિ એકઠી કરી રહ્યા છે તેનું એક કારણ તેમની સત્તા સાથેની નજદીકી છે. દેશમાં બધી શક્યતા હોવા છતાં કેમ હજુય આપણે પાછળ છીએ અને ગુલંબાગો ફૂંકાતી હોવા છતાં જમીની સ્તરે આપણી સ્થિતિ કથળતી રહી છે – તે અંગે આ પુસ્તકમાં અનેક આવી વિગત આપવામાં આવી છે, જેથી આપણો ભવિષ્યમાં સ્થિતિ શું હશે તેનું એક ચિત્ર મેળવી શકાય.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








