Tuesday, August 25, 2026
HomeGujaratAhmedabadકર્પૂરી ઠાકુર : વૉઇસ ઑફ વૉઇસલેસ

કર્પૂરી ઠાકુર : વૉઇસ ઑફ વૉઇસલેસ

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): કર્પૂરી ઠાકુરની (Karpoori Thakur) એકસોમી જન્મજયંતિ ઊજવાઈ રહી છે અને વર્ષની શરૂઆતમાં કર્પૂરી ઠાકુરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્ન (Bharat Ratna) એનાયત થયો. કર્પૂરી ઠાકુરની ઘણી રીતે ઓળખ આપી શકાય, પરંતુ તેમણે સંભાળેલા પદભાર તરીકેની ઓળખ આપવાની થાય તો બિહારના (Bihar) પૂર્વ મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી તરીકે આપી શકાય. દેશમાં જેમણે ‘સંપૂર્ણ ક્રાંતિ’નો નારો આપ્યો હતો; તે જયપ્રકાશ નારાયણ જેમ ‘લોકનાયક’થી ઓળખાતા હતા; તે રીતે કર્પૂરી ઠાકુરની ઓળખ ‘જનનાયક’થી થતી આવી છે. બિહારના સમસ્તીપુર જિલ્લામાંથી આવનારા કર્પૂરી ઠાકુર મહાત્મા ગાંધી અને કોંગ્રેસના પૂર્વ આગેવાન સત્યનારાયણ સિંહાથી પ્રભાવિત હતા. તેઓ કારકિર્દીની શરૂઆતમાં ‘ઑલ ઇન્ડિયા સ્ટુન્ડસ્ટ્ ફેડરેશનમાં’ જોડાયા અને કૉલેજકાળમાં તેમણે ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો. આઝાદીની લડતમાં તેમણે 26 મહિના જેટલો સમય કારાવાસમાં ગાળ્યો હતો. કર્પૂરી ઠાકુરની આ પાયાની વિગત છે અને તેનાથી વધુ વિગત જાણવી હોય તો હાલમાં જ તેમનાં જીવન પર આધારીત એક નવું પુસ્તક આવ્યું છે. આ પુસ્તકનું નામ છે : ‘ધ જનનાયક કર્પૂરી ઠાકુર : વૉઇસ ઑફ વૉઇસલેસ’. તેના લેખક છે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારના વરિષ્ઠ પત્રકાર સંતોષ સિંઘ અને સંશોધક-લેખક આદિત્ય અનમોલ.

Karpoori Thakur
Karpoori Thakur

કર્પૂરી ઠાકુર પર ઘણાં પુસ્તકો લખાયા છે, પરંતુ દરેક સમયકાળ મુજબ કોઈ પણ વ્યક્તિને મૂલવવા માટે તેમના જીવન પર ફરી નજર ફેરવવી રહી, આ કારણસર સંતોષ સિંઘે પુન: તેને જોવાનો પ્રયાસ કર્યો છે. જોકે આ પ્રયાસ એ વખતે થયો છે જ્યારે કર્પૂરી ઠાકુરને ભારતરત્નનું સન્માન મળ્યું છે. કર્પૂરી ઠાકુર 1967માં પ્રથમ વાર ઉપમુખ્યમંત્રી પર પર આવ્યા; ત્યારે તેમણે સૌથી પહેલાં અંગ્રેજી ભાષાની અનિવાર્યતા શિક્ષણમાંથી મિટાવી દીધી. તે વખતે તેમની ટીકા પણ થઈ, પરંતુ તેમનો ઉદ્દેશ્ય હતો કે શિક્ષણ સામાન્ય લોકો સુધી સહજતાથી પહોંચે. આ ટીકા એટલી હદ સુધી થતી કે જે વિદ્યાર્થી આ દરમિયાન અંગ્રેજી વિષયમાં નાપાસ થયા તેમના પર ‘કર્પૂરી ડિવિઝનથી પાસ’ – એવો કટાક્ષ થતો હતો. તેઓ ઉપમુખ્યમંત્રી સાથે સાથે શિક્ષણ મંત્રી પણ હતા, જેથી તેમણે કેટલાંક ક્રાંતિકારી લાગે તેવા નિર્ણયો શિક્ષણ ક્ષેત્રે લીધા. જેમ કે, તેમના કાર્યકાળમાં આર્થિક રીતે ગરીબ બાળકોની ફી માફ કરી દેવામાં આવી. તે પછી તેઓ દેશના પ્રથમ એવા મુખ્યમંત્રી બન્યા જેમણે રાજ્યમાં મેટ્રિક સુધીનો અભ્યાસ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. તદ્ઉપરાંત, તેમણે બિહારમાં ઉર્દૂને દ્વિતિય રાજકીય ભાષા તરીકેનો દરજ્જો આપ્યો.

- Advertisement -
Karpoori Thakur
Karpoori Thakur

કર્પૂરી ઠાકુરની જીવનની આવી અનેક વાતો છે, જે આજના સમયમાં આપણને વાસ્તવિક ન લાગે અને તેથી તેમના પર પુસ્તક લખવાની પ્રેરણા સંતોષ સિંઘ અને આદિત્ય અનમોલને થઈ. પરંતુ સંતોષ સિંઘ પુસ્તક લખવાના પ્રેરણા થઈ તે અંગે એમ પણ કહે છે કે, ‘કર્પૂરી ઠાકુરના જીવનના સમયગાળાનું ડોક્યુમેન્ટશન થયું નથી.’ અને આ સાથે તેઓ એક કિસ્સો પણ ટાંકે છે કે, ‘જ્યારે એક વખત કર્પૂરી ઠાકુર કોઈ ઠેકાણે ભંડોળ માંગવા ગયા તો તેમને સામેવાળાએ 50,000 રૂપિયા આપ્યા, તો તેમણે તેમાંથી પાંચ હજાર જ રૂપિયા લીધા. તેમના સાથીઓએ કહ્યું કે તમને 50,000 આપ્યા હતા તો તમે 5,000 જ કેમ લીધા? તો કર્પૂરીજીએ કહ્યું : 5000 ભંડોળ છે; અને 50,000 લાંચ છે. આવા કિસ્સાથી જ મને પ્રેરણા મળી કે તેમના વિશે લખાવવું જોઈએ. એ રીતે તેઓ પોતાના ઑફિસના કામ માટે જતા હતા; ત્યારે તેઓ સરકારી ગાડીનો ઉપયોગ કરતા હતા અને જ્યારે પોતાના વ્યક્તિગત કામ માટે જતા ત્યારે તેઓ સરકારી સેવા લેતા નહોતા. આ વર્ષે તેમના જન્મજયંતિને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેમનું આજના સમયમાં શું રિલેવન્સ છે, અને ખાસ તો બિહાર માટે જ્યાં સોશિયલિઝમની વાત છેલ્લા સાડા ત્રણ દાયકાથી થઈ રહી છે – તેમના વિશે જાણવું અગત્યનું છે.’

તેમણે એવાં અનેક નિર્ણયો લીધા જે સામાન્ય રીતે ઊંચા પદ પર બિરાજતાં આગેવાનોના ધ્યાને આવતાં નથી. જેમ કે, 1971માં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે બિહારના સચિવાલયની ઇમારતમાં ચોથા શ્રેણીમાં આવનારા કર્મચારીઓ લિફ્ટનો ઉપયોગ કરી શકતા નહોતા. તેઓ જે દિવસે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે તુરંત ચોથા વર્ગના કર્મચારીઓ માટે લિફ્ટ ઉપલબ્ધ કરાવી દીધી. આ નિર્ણયથી પૂરા સચિવાલયમાં એ સંદેશ ગયો કે હવે કોઈ પણ શ્રેણીના કર્મચારીઓ સાથે ભેદભાવ નહીં થાય. ‘બીબીસી’ને પૂર્ણ ધારાસભ્ય પ્રેમકુમાર મણિ, કર્પૂરી ઠાકુર વિશે જણાવતાં કહે છે કે, “તે સમય દરમિયાન બિહારમાંથી ઘણી જગ્યાએથી આંતરજ્ઞાતિય લગ્નના સમાચાર મળતા તો તેઓ તુરંત તે લગ્નમાં પહોંચી જતા. તેઓ સમાજમાં દરેક પ્રકારનું પરિવર્તન ઇચ્છતા હતા. બિહારમાં આજે પીડિત, શોષિત વર્ગની શાસનમાં જે હિસ્સેદારી મળી છે, તેની ભૂમિકા કર્પૂરી ઠાકુરે બનાવી હતી. 1977માં તેમણે મુંગેરીલાલ કમિશન લાગુ કર્યું અને તેમણે સરકારી નોકરીઓમાં અનામત લાગુ કરી. કમિશનની ભલામણ લાગુ કરવાથી તેઓ સવર્ણ વર્ગના દુશ્મન તરીકે જોવાવા લાગ્યા. જોકે તેમણે જે ઠરાવ્યું હતું તેનાથી પીછેહઠ ન કરી, અને સતત સમાજના પીડિત, શોષિત વર્ગ માટે કાર્ય કરતા રહ્યા.”

આ ઉપરાંત પણ ‘ધ જનનાયક કર્પૂરી ઠાકુર : વૉઇસ ઑફ વૉઇસલેસ’ અનેક વિષય પર પ્રકાશ પાડે છે, વિશેષ કરીને દેશની રાજનીતિની સમાંતર ચાલતી બિહારની રાજનીતિ પર. આજે તો રાજનીતિની સિકલ બદલાઈ ચૂકી છે અને તેમાં સેવાનો ભાવ ક્યાંય પ્રગટ થતો નથી. પરંતુ એક સમય સુધી દેશમાં રાજનીતિને સેવાકાર્ય તરીકે જોવામાં આવતું અને કર્પૂરી ઠાકુર તે સેવાકાર્યના આદર્શ બની રહ્યા. લાંબી રાજકીય સફર તેમણે કાપી હોવા છતાં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે પરિવારને વારસામાં મળે તે માટે તેમના નામે કહેવા પૂરતું એક ઘર પણ નહોતું. ન પટનામાં, ન તો તેમના પૈતૃક ગામમાં. કર્પૂરી ઠાકુરની જે જીવનશૈલી અને આદર્શ આપી ગયા છે – તેના પર વિશ્વાસ ન થાય તેમ છે. તેમના સદ્ગુણોની આવી અનેક વાતો બિહારમાં આજે પણ ચર્ચાય છે. એક વખત તેમના સંબંધી તેમની પાસે નોકરી માંગવા ગયા, મહદંશે ત્યારે તેઓ મુખ્યમંત્રીના પદે હતા. તેમણે ખિસ્સામાંથી પચાસ રૂપિયા આપ્યા અને કહ્યું કે અસ્ત્રો ખરીદો લો અને પોતાનો વારસાગત ધંધો કરો. એ જ રીતે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પિતાને ગામના જ કેટલાંક જમીનદાર લોકોએ અપમાનિત કર્યા. આ સમાચાર સાંભળીને જિલ્લાધિકારી કર્પૂરી ઠાકુરના ગામે પહોંચી ગયા, પરંતુ તેમણે જિલ્લાધિકારીને અટકાવ્યા અને કહ્યું કે પીડિત, શોષિતોનું અપમાન તો ગામે ગામ થઈ રહ્યું છે.

- Advertisement -

કર્પૂરી ઠાકુરના આવું વ્યક્તિત્વ અને પીડિત-શોષિત પ્રત્યે લીધેલા નિર્ણયોથી તેઓ સમાજવાદના ખરા જનનાયક બનીને ઊભર્યા. ખરા અર્થમાં તેનાથી સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું, એક આખી પેઢી વિનામૂલ્યે શિક્ષણ લીધું, સમાજમાં સમાનતાના માહોલ દેખાવવા માંડ્યો અને બિહારમાં એક નવી લહેર પ્રસરી કે સરકારી નીતિમાં લાવેલા બદલાવથી લોકોનું જીવન બદલાઈ શકે છે. તેમણે ભૂમિ સુધાર પર કામ કર્યું, સામાજિક સમાનતા અને દલિત વર્ગના ઉત્થાન માટે કાર્ય કર્યું. તેમણે 20 સૂત્રીય એક સામાજિક કાર્યક્રમ આપ્યો – જેમાં રોજગાર નિર્માણ, સ્વાસ્થ્ય સુધાર, શિક્ષણ જેવા મુદ્દા સમાવિષ્ટ હતા અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી તેમની નીતિઓ બિહારને આગળ લઈ આવી. જોકે કોઈ પણ આગેવાનનું કાર્ય-વિચારનો વારસો જો આગળ ન આપવામાં આવે તો તેનો અમલ તે પછી દેખાતો નથી. તેમના પુત્ર રામનાથ ઠાકુર આજે રાજ્યસભાથી સાંસદ છે અને વર્તમાન એનડીએ સરકારમાં તેઓ રાજ્યકક્ષાના કૃષિ મંત્રી છે. કર્પૂરી ઠાકુર આજીવન સિદ્ધાંતોને વરેલા રહ્યા અને ‘બીબીસી’ તેમના વિશે અહેવાલ લખનારા પ્રદીપ કુમાર અહેવાલના અંતે સરસ લખ્યું છે : “તેઓ રાજકારણમાં કોંગ્રેસ પક્ષની રાજકીય પેંતરાઓને પણ સમજતા હતા અને સમાજવાદીઓની મહત્ત્વકાંક્ષાઓને પણ જાણતા હતા. તેઓ સરકાર બનાવવા અર્થે કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન થાય તેવી અનુકૂળતા રાખી શકતા, પરંતુ મન માને તેવું કામ ન થાય તો ગઠબંધન તોડીને નીકળી પણ શકતા.” અને તેથી જ મિત્રતા અને સામેના ખેમામાં રહેલાઓ પ્રત્યે તેમના નિર્ણયોમાં હંમેશા અનિશ્ચિતતા દેખાતી. તેમનું અવસાન 1988માં 64 વર્ષની ઉંમરે થયું હતું.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular