ભારતમાં જૂનો માલ સેટલ નહીં થાય ત્યાં સુધી નવી આયાત સંભવિત નથી
ટ્રેડરોએ રૂ. ૭૫,૦૦૦ના ભાવે સોનું વેચ્યું છે રૂ. ૧૮૦00 કરોડની નુકશાની કહેવાને બદલે આપણે તેને નફામાં નુકશાની કહીશું
ગોલ્ડ સિલ્વર રેશિયો ૮૫ જોતાં જેમને બુલિયન બજારમાં નફાના આશયથી રોકાણ કરવું છે તેમણે સોનું વેચીને ચાંદી ખરીદી કરવી જોઈએ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સોના (Gold) અને ચાંદીની (Silver) આયાત જકાત ઘટયા પછી, દેશભરના ઝવેરીઓની હાલત કફોડી થઈ ગઈ છે. મંગળવારે સરકાર દ્વારા બંને કીમતી ધાતુ પરની આયાત જકાત ૧૫ ટકાથી ઘટાડીને ૬ ટકા કરવામાં આવતા, દેશભરના જ્વેલરોના હાથમાં અંદાજે ૩૦૦ ટન વણવેચાયેલો આયાતી સોનાનો સ્ટોક રહી ગયો છે. ઇંડિયન બુલીયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે જો આયાત જકાત તફાવતને ગણતરીમાં લઈએ તો બુલિયન ડીલરો અને જ્વેલરોને રૂ. ૧૮,૦૦૦ કરોડનું નુકશાન વેઠવાનું આવ્યું છે. જો કે એક અનામી બુલિયન ડિલરે કહ્યું કે તમે નફાના ભાગીદાર હોવ તો, નુકશાની વેઠવાની તૈયારી રાખવી જોઈએ. અમારા મતે આવી કોઈ નુકશાની વેઠવાની આવવાની નથી, ટ્રેડરોએ રૂ. ૭૫,૦૦૦ના ભાવે સોનું વેચ્યું છે, ત્યારે મોટો નફો કમાઈ લીધો છે. રૂ. ૧૮,૦૦૦ કરોડની નુકશાની કહેવાને બદલે આપણે તેને “નફામાં નુકશાની કહીશું.”
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ભારતના અગ્રણી બુલિયન એનાલિસ્ટ ભાર્ગવ વૈધએ કહ્યું હતું કે ભારતમાં જૂનો માલ સેટલ નહીં થાય ત્યાં સુધી, નવી આયાત સંભવિત નથી. વધુમાં રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી આયાતકારો પણ આયાતની અલગોરિધમીક ગણતરી બેસાડવામાં વયસ્ત છે. અલબત્ત, જાગતિક બજારમાં ભાવ વધી રહ્યા હોવાથી ખમતીધર બુલિયન ડિલરો ભારતમાં ભાવનું હેજિંગ કરવા, આજના જાગતિક ભાવથી ફ્યુચર ડેટ, ડિલિવરીના સોદા પાડશે એ જુદી વાત છે. આયાત જકાત ઘટી હોવાથી ભારતીય લોકો ફુગાવાનું ઇન્સ્યુરન્સ મેળવવા કેટલાંક ફાજલ નાણાં અત્યારે સોના ચાંદીમાં પાર્ક કરી રહ્યા છે, તેથી જાવેરી બજારોમાં રોનક આવી ગઈ છે.
ઉમેદમલ ત્રિલોકચંદ જ્વેલર્સના કુમાર જૈને કહ્યું હતું કે આયાત જકાત ઘટયા પછી ભારતમાં માંગ પુરવઠા વચ્ચેના મોટા તફાવતને લીધે ૧૭ જુલાઇએ આયાત પડતર સામે સોનામાં વિક્રમ ૧૧૦.૩ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ડિસ્કાઉન્ટ બોલાતું હતું. પણ આયાત જકાત ઘટયા પછી આજે દુબઈ અને ભારતના ભાવ વચ્ચે પેરિટી (ભાવ સમાનતા) સર્જાઇ છે. સામાન્ય રીતે ભારતમાં માંગ પુરવઠા અને સરકારી નીતિ વિષયક ફેરફારને આધારે ભાવ નિર્ધારિત થતાં હોય છે. આયાત જકાત ઘટવાની હવા, બજારમાં ફરતી હોવાથી ઘણા સમયથી સોનાની માંગમાં ધરખમ ઘટાડો થયો હતો, તેને લીધે વિક્રમ ડિસ્કાઉન્ટ ઓફર થવા લાગ્યા હતા.
રિધ્ધિ સિધ્ધી બુલિયાંના મુકેશ કોઠારી કહ્યું હતું કે બેન્કો અત્યારે આયાત પડતર ઉપર ૪ ટકા પ્રીમિયમ ચાર્જ કરે છે, તેમ છતાં ઘટયા ભાવે બેન્કોમાં રોકાણકારોનો બુલિયન ખરીદીમાં ભરપૂર રસ જાગૃત થયો છે. તેમણે કહ્યું કે દાણચોરીનું બાકોરું પૂરી દેવામાં આવતા, દેશભરમાં હવે ઓફિસિયલ બુલિયન ટ્રેડને મોકળું મેદાન મળશે. ઉમેદમલ ત્રિલોકચંદ જ્વેલર્સના કુમાર જૈને એક વિડીયો મોકલીને દિવાળી પહેલા આખા દેશની જ્વેલરી શોપમાં ગ્રાહકોની હાજરીનો પુરાવો આપ્યો હતો. તેમણે કહ્યું કે થોડા દિવસમાં જ ભારતમાં સોનું આયાત પ્રીમિયમથી વેચાવાના સંયોગો વધુ છે.
મેઘાજી વનેચંદના સુમિત સંઘવી કહ્યું કે સોના ચાંદીની આયાત જકાત ઘટાડાઈ તેને સરભર કરવા, સરકાર કદાચ આગામી સપ્તાહે સોના ચાંદીના વર્તમાન જીએસટી દર ૩ ટકાથી વધારીને ૯/૧૦ ટકા કરી નાખે તેવી સંભાવનાઓ નકારાતી નથી. તેમણે રોકાણકારોને સલાહ આપતા કહ્યું કે ગોલ્ડ સિલ્વર રેશિયો ૮૫ (એક ઔંસ સોનાના ભાવથી ખરીદી શકાતી ચાંદી) થયો હોવાનું જોતાં, સોના કરતાં ચાંદી વધુ સસ્તી થઈ ગઈ છે. જેમને બુલિયન બજારમાં નફાના આશયથી રોકાણ કરવું છે, તેમણે સોનું વેચીને પણ ચાંદી ખરીદી કરવી જોઈએ. સોનાના ભાવ જે ઝડપે વધ્યા છે તેની તુલનાએ ચાંદીના ભાવ સાવ ધીમી ગતિએ વધી રહ્યા છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








