લાંબાગાળે બુલિયન બજારનો આંતરપ્રવાહ તેજીનો
૮ મહિનાના ટૂંકાગાળામાં ચાંદીએ રોકાણકારોને ૬૨ ટકા વળતર આપ્યું
જો તમે ઘર લેવાનું, લગ્નપ્રસંગ કે અન્ય પ્રસંગો ઉકેલવાનું નક્કી હોય તો રોકાણકારે મૂડીરોકાણનો અમુક હિસ્સો જ તબક્કાવાર હળવો કરવો જોઈએ
માત્ર નફાના આશયથી રોકાણ કર્યું હોય અને મોટો નફો પ્રાપ્ત થતો હોય તો જ સોના ચાંદીનું વેચાણ કરવાનું વિચાર જો
ભારતમાં ફુગાવાનો દર ૧ ટકો વધવા સાથે સોનાની માંગમાં સરેરાશ ૨.૬ ટકાનો વધારો જોવા મળે છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભૂભૌગોલિક ચિંતાઓ ૨૦૨૪માં પણ જળવાઈ રહેશે, જાગતિક મંદીના વાયરાનો ભય માથે ઊભો જ છે, અને શેરબજાર જેવા જોખમી એસેટ્સમાં ઉથલપાથલ, આ બધી ઘટના આખરે રોકાણકારને, સલામત મૂડીરોકાણ માટે સોના/ચાંદી તરફ આકર્ષણ વધારશે. આ બધુ જોતાં સોના (Gold) ચાંદીના (Silver) ભાવ સતત વધતાં રહેવાના સંયોગ ઉજળા છે. ફુગાવો ઊંચા દરે અસ્તિત્વમાં રહેવાને લીધે જો અમેરિકન ફેડરલ રિઝર્વ અને વૈશ્વિક સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદર ઘટાડવામાં ના આવે તો સોના ચાંદીના ભાવને ઊંચે જવાનો માર્ગ મોકળો બની રહેવાનો છે. અમારું માનવું છે કે સોનાના વર્તમાન ઊંચા ભાવ, ૨૧ મેએ પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૭૪,૨૨૦ની ઐતિહાસિક ઊંચાઈ વટાવી ૭ જૂન રૂ. ૭૧,૯૧૩ આસપાસ મુકાયા હતા. જે આ વર્ષે રૂ. ૮૦,૦૦૦એ પહોંચવા અગ્રેસર છે. જાગતિક બજારમાં ૧૨ મેના રોજ ભાવ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૨૪૫૪.૨૦ ડોલર સર્વોચ્ચ ઊંચાઈ હાંસલ કરીને હાલમાં ૨૩૦૦ ડોલર બોલાય છે તે, ટૂંકાગાળામાં ૩૫૦૦ ડોલરને આંબવા પ્રયાસ કરશે.
આ વર્ષે કીમતી ધાતુઓના ગ્રૂપને ચાંદીએ દોરવણી આપવાનું કામ સંભાળી લીધું. ચાંદી ઘણા વર્ષોની ઊંચાઈ પ્રાપ્ત કરીને ગોલ્ડ સિલ્વર રેશિયોને ૧:૭3.૨૫ સુધીના લેવલે નીચે જવાની ફરજ પાડી. સોનાની તુલનાએ ચાંદી ભરપૂર માત્રામાં વળતર આપ્યું, છેલ્લા બાવન સપ્તાહમાં સોનું ૨૧ ટકા, જ્યારે સોનાને પાછળ રાખી દઈ ચાંદી ૩૬.૨૫ ટકાનો ઉછાળો દાખવે છે. ચાંદી ગત ઓકટોબરથી તેજીની સરાણે ચઢી છે, ૧ ઓક્ટોબરે ભાવ ૨૦.૬૮ ડોલર પ્રતિ ઔંસની બોટમથી ઊંચકાઈને ૧૨ મેના રોજ ૩૨.૫૧ ડોલર, ૧૨ વર્ષની નવી ઊંચાઈએ પહોંચી ગયા હતા. ૮ મહિનાના ટૂંકાગાળામાં ચાંદીએ રોકાણકારોને ૬૨ ટકા વળતર આપ્યું છે. પરિણામે આ વર્ષે ચાંદી સૌથી ઉત્તમ વળતર આપનાર કોમોડીટીઓમાંની એક સાબિત થઈ છે. જો સોનાના ભાવને ધ્યાનમાં લઈએ તો ચાંદી હજુ પણ સસ્તી છે. હાલમાં રેશિયો ઘટ્યો છે, તે જોતાં હજુ પણ ૧ ઔંસ સોનાથી ૭૭.૭૫ ઔંસ ચાંદી ખરીદી શકાય છે. ૨૦ વર્ષના રેશિયોની સરેરાશ ૬૮ની છે.
છેલ્લા ૨૦ વર્ષનો ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈએ તો ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ ૧૨૩.૪૯ની ઐતિહાસિક ઊંચાઈ અને ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ૬૩.૬૨ના તળિયે ગયો હતો. બંને ધાતુ, અર્થતંત્ર અને કરન્સી સામે સલામતી (હેજિંગ) અસ્ક્યામત હોવાથી ભાવો સમાંતરે સરખા વધવા ઘટવા જોઈએ. સેન્ટ્રલ બેન્કોની ખરીદી, ભારત અને ચીનનો રિટેલ ખરીદીમાં રસ, તેમજ અમેરિકા સહિત આખી દુનિયામાં વ્યાજઘટાડાની શકયતાએ સોનાને વેગથી નવી ઊંચાઈએ લઈ જવામાં મદદ કરી છે. સોનાની તેજી સાથે ચાંદી પણ તેજીના ઘોડે સવાર થઈ છે, પણ ચાંદીની તેજી સોનાની તુલનાએ ધીમી ગતિએ આગળ વધી રહી છે.
સેન્ટ્રલ બેન્કોની મજબૂત માંગને ધ્યાનમાં રાખી ટ્રેડરો સોનામાં લેવાલ હતાં, હાજર સોનુ ૨૦ મેએ વધીને ૨૪૫૦ ડોલર ઓલ ટાઈમ હાઇ બોલાયું હતું. સોનાએ ૨૪૦૦ ડોલરના રેસિસ્ટંટને સફળતા પૂર્વક પાર કરી દેતા, તેજીવાળા હવે ૨૪૭૫ ડોલર ભાવને લક્ષ્યાંક બનાવશે. અમેરિકન અર્થતંત્રમાં જોખમ વધ્યું હોવા સાથે વ્યાજદર ઘટાડવાની હવાને બળ મળતા, રોકાણકારો હજુ પણ સોનાને સલામત રોકાણનું સ્વર્ગ ગણી રહ્યા છે. જો રોકાણકારો તાંબામાં વિક્રમ ઊંચાઈએથી નફા બુકિંગ શરૂ કરશે તો ચાંદીને પીછેહઠ કરવાની ફરજ પડશે. ૧૨ મેએ ચાંદીના ભાવ ૩૨.૫૦ ડોલર, નવેમ્બર ૨૦૧૨ની ઊંચાઈએ પહોંચ્યા હતા.
સેન્ટ્રલ બેન્કો જો વ્યાજદર ના ઘટાડે, વૈશ્વિક અર્થતંત્રોની ચિંતાઓ ઘટે, અને અમેરિકન ડોલર મજબૂત થાય, તેવી સ્થિતિમાં સોના ચાંદીના ભાવ ઘટી શકે છે. દુનિયામાં ક્યાંય પણ ચિંતાજનક સ્થિતિ પેદા થાય એ સંયોગમાં સોનાચાંદીમાં જબ્બર ઉછળકુદ જોવા માળી શકે છે. પણ લાંબાગાળે બુલિયન બજારનો આંતરપ્રવાહ તેજીનો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ડેટા કહે છે કે ભારતમાં ફુગાવાનો દર ૧ ટકો વધવા સાથે સોનાની માંગમાં સરેરાશ ૨.૬ ટકાનો વધારો જોવા મળે છે. આ જોતાં ભારતીય રોકાણકારોએ તેમના લાંબાગાળાના રોકાણ પોર્ટફોલિયોમાં ૩થી પાંચ ટકા સોનાચાંદીને ફાળવવા જોઈએ.
નાણાકીય, ભૂ-ભૌગોલિક કે અન્ય કોઈ આપદા આવી પડે ત્યારે નાણાકીય જોખમ ઘટાડવા, પોતાના પોર્ટફોલિયમાં વ્યૂહાત્મક રીતે ૧૦થી ૧૫ ટકા રોકાણ, સલામત જણસમાં કરવું જોઈએ. રોકાણકારોને લાગે કે હવે ફુગાવાનું જોખમ ઘટ્યું છે, ત્યારે જો પોતાના રોકાણમાં વાજબી નફો છૂટતો હોય તો તે બુક કરી લેવો જોઈએ, બુલિયન મેટલમાં ૨૦થી ૩૦ ટકા જેટલુ ભાવ કરેક્શન આવી જાય ત્યારે તો આમ કરવું વાજબી ગણાશે.
વિકસિત દેશોના રોકાણકારો ફુગાવા વૃધ્ધિ સમયે સોનામાં સરણ લેતા હોય છે, ભારત જેવા વિકાસ પામતા દેશોમાં ચલણના અવમૂલયનના રક્ષક તરીકે સોનું સલામત ગણાય છે. વર્તમાન સંયોગોમાં શેરબજાર, કરન્સી, અન્ય એસેટ્સના ભાવમાં સોનાની તુલનાએ મોટી ઉથલપાથલ જોવાય છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ રિસર્ચ ઇન મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીનો અહેવાલ કહે છે કે ૧૯૪૬, ૧૯૭૪, ૧૯૭૫, ૧૯૭૯ અને ૧૯૮૦ના વર્ષમાં જ્યારે અમેરિકામાં ફુગાવો તેની ચરમ સીમાએ ગયો ત્યારે, ડાઉ ઇંડેક્સને સાંકળીને ગણતરી કરવામાં આવી તો જણાયું કે શેરબજારમાં સરેરાશ વળતર, માઇનસ ૧૨.૩૩ ટકા પ્રાપ્ત થયું હતું. જ્યારે સોનામાં રોકાણકારને ૧૩૦.૪ ટકા વળતર મળ્યું હતું.
(અસ્વીકાર સુચના: ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








