નવજીવન. અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ ઉત્તરાયણ દરમિયાન અમદાવાદીઓ પતંગ ચગાવી શકશે પરંતુ ધાબા પર જઈને મ્યુઝિક સિસ્ટમ કે લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્યના ધાબા પર જઈને પતંગ ચગાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અમદાવાદમાં પતંગ માટેના મુખ્ય બજારો રાયપુર, ટંકશાળ અને નરોડામાં જ્યારે લોકો ખરીદી કરવા જાય તે દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું કડકાઇથી પાલન કરવાનું આ જાહેરનામામાં સૂચવવામાં આવ્યું છે. આ જાહેરનામું મંગળવારથી 17 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ધાબા પર પતંગ ચગાવતી વખતે માસ્ક પહેરવું અને સેનિટાઈઝર સાથે રાખવું અનિવાર્ય રહેશે.
અમદાવાદમાં ખુલ્લા મેદાનો અને જાહેર જગ્યાઓ ઉપર પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત મકાન કે ફ્લેટના ધાબા પર સોસાયટીના સભ્ય સિવાય અન્ય વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જો જાહેરનામનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન અથવા સેક્રેટરી ઉપર અમદાવાદ પોલીસ કાર્યવાહી કરશે. તેમજ બાળકો અને વૃદ્ધોને ઘરમાં જ રહેવાની સાલા આપવામાં આવી છે.
ધાબા પર લાઉડ મ્યુઝિક વગાડવાના કારણે ભીડ એકત્ર થાય અને કોરોનાનું સંક્રમણ વધવાનો ભય હોવાને કારણે લાઉડ મ્યુઝિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાઈનીઝ દોરી, કચથી ઘસેલી દોરી તેમજ ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લોકોની સંખ્યા મર્યાદિત રહે તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પોલીસ કર્મચારીઓને સહકાર આપવા વિનંતી કરી છે.
![]() |
![]() |
![]() |











