જયંત દાફડા (નવજીવન.અમદાવાદ): ગુજરાત કોંગ્રેસની હાલત એક સંધાયને ત્યાં તેર તૂટે જેવી બની ગઇ છે. ગઇકાલે શહેર કોંગ્રેસ વિપક્ષનેતા તરીકે સહેજાદખાન પઠાણનું નામ ચર્ચાતા 11 કોર્પોરેટરે રાજીનામાં આપ્યા બાદ આજે ચાંદખેડાના કોર્પોરેટરએ “લડકી હું લડ શક્તિ હું”નો નારો પોતાના જ પક્ષના કોર્પોરેટર વિરુદ્ધ લગાવ્યો છે. જો કે હજી વિપક્ષના નેતાને લઈને પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ પોતાના ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, ‘પ્રિયંકા જી તમે સ્લોગન આપ્યું છે લડકી હું લડ શકતી હું, આ સ્લોગન તમે અત્યાચાર વિરુદ્ધ અને વિપક્ષ સામે લડવા માટે આપ્યું છે. જેના માટે અમે તૈયાર છીએ, પરંતુ અમારી જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અમને યોગ્ય સ્થાન આપી નથી રહ્યા અને અમારી વાતનું માન રાખતા નથી.’
વધુમાં તેઓ જણાવે છે કે. ‘અમારી સાથેના જ કોર્પોરેટર અમારું અપમાન કરે છે અને અભદ્ર વ્યવહાર કરે છે. ત્યારે પાર્ટી તેને જ વિપક્ષના નેતા બનવાની વાત કરી રહી છે જે અમને ક્યારેય મંજૂર નથી. પ્રિયંકાજી અમે તમારી જોડે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ’
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિધાન સભાના નેતા બદલાયા છતાં ગુજરાત કોંગ્રેસના માથે આફતના વાદળાં હટાવાનું નામ નથી લઈ રહ્યા. ગઇકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાની ચિઠ્ઠી ખૂલી જતાં અન્ય કોર્પોરેટરે બળવો કર્યો હતો અને પ્રદેશ પ્રમુખને રાજીનામાં આપવા પહોંચી ગયા હતા. હાલ કોંગ્રેસના કોર્પોરેટર બે જુથમાં વહેંચાઈ ગયા છે. તો બીજી બાજુ કોર્પોરેશનના વિપક્ષના નેતા બનાવવા માટે કોંગ્રેસના એક કદાવર નેતાએ વિધાનસભાની આગોતરી તૈયારી કરીને કોર્પોરેટરના નામ પર હોડ લગાવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
![]() |
![]() |
![]() |











