કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સાવ સ્વપ્નવત્ત લાગતું કાર્ય જ્યારે કોઈ કરે ત્યારે તેને સૌ કોઈ વધાવી લે. આવું કંઈ હાલમાં પાકિસ્તાનના અબ્રાર હસને (Abrar Hassan) કરી બતાવ્યું છે. અબ્રારને પાકિસ્તાનમાં જેટલો પ્રેમ મળ્યો, તેટલી જ પ્રિતી તેઓ ભારતથી લઈ ગયા છે. અબ્રાર ટ્રાવેલર અને વિડિયો બ્લોગર છે અને તેઓ દુનિયાભરમાં મોટરબાઈક પર પ્રવાસ (Motorcycle tour) કરવા માટે જાણીતા છે. મિડલ ઇસ્ટથી માંડીને યુરોપનો પ્રવાસ અબ્રારે કર્યો છે. હાલમાં અબ્રારની ભારત પ્રવાસની (India Tour) ચર્ચા ખૂબ થઈ રહી છે. સંભવતઃ આવું પહેલીવાર થયું હશે કે મૂળ પાકિસ્તાનના કોઈએ ભારતનો આટલો લાંબો પ્રવાસ કર્યો હોય. અબ્રાર ત્રીસ દિવસ સુધી ભારતમાં ફર્યા અને તેઓએ 11 રાજ્યોમાં 7000 કિલોમીટરની મુસાફરી કરી. અબ્રારે આ મુસાફરીનું વિડિયો ડોક્યુમેન્ટેશન કર્યું છે અને તેઓ તેમની યુટ્યૂબ ચેનલ ‘વાઇલ્ડલેન્સ બાય અબ્રાર’ પર તે વિડિયોને નિયમિત મૂકે છે. આ વિડિયો પાકિસ્તાનમાં ચર્ચાયતે સાથે તેનો ચાહક વર્ગ ભારતમાં પણ ઊભો થયો. આશ્ચર્ય થાય પણ અબ્રાર ભારતમાં જ્યાં-જ્યાં ગયા ત્યાં તેમને લોકો મળવા આવતાં, તેમની સાથે સેલ્ફી લેતા અને ભેંટ આપતા. એક તરફ જ્યાં બંને દેશોના સંબંધ ક્ષુલ્લક બાબતોમાં તંગ બની જાય છે, ત્યારે બે દેશોના નાગરિકોનો મેળમેળાપ અજાણતા પણ પ્રેમનો સંદેશ આપે છે. આવાં પ્રસંગો દરમિયાન જ સૌ કોઈ એવું અનુભવે છે કે દેશની સરહદો માત્ર એક ક્ષેત્રની ઓળખ પૂરતી નિશાનીઓ છે, બાકી તો બંને કોમ વચ્ચે કોઈ જ ફરક નથી.

અબ્રાર હસન ટ્રાવેલર તો છે, પણ સાથે સાથે તેમણે તેમના ટુરનું અદભુત વિડિયો ડોક્યુમેન્ટશન કર્યું છે. આ વર્ષે 13, માર્ચના રોજ તેઓ મુંબઈ હતા અને આ એપિસોડ ‘ધિસ સિટી વિલ ઓલ્વેયઝ હેવ માય હર્ટ ઇન’ના ટાઇટલથી તેમના યુટ્યૂબ ચેનલ પર છે. આ એપિસોડમાં તેઓ પહેલાં તો મુંબઈનો સરસ મઝાનો ઓવરવ્યૂ દાખવે છે અને પછી મુંબઈના રીક્ષામાં બેસેલા અબ્રાર ‘અસ્સલામ આલેકુમ, નમસ્તે, ગુડ મોર્નિંગ અને સતશ્રીઅકાલ’ કહીને સૌનુ સ્વાગત કરે છે. દિવસ દરમિયાન મુંબઈની ગલીઓમાં ફરતાં દેખાતા અબ્રારે રાત્રે જુહુ બીચ પર એક મીટ-અપ ગોઠવ્યું હતું. 8: 30 વાગ્યાનું મીટ-અપ હતું, તે અબ્રારે જાહેર કર્યું સાંજના 7:10 વાગ્યે. અબ્રાર જુહુ બીચથી નવ કિલોમીટરની દૂરી પર છે અને ત્યાં પહોંચવામાં તેમને ખુદને ચાળીસ મિનિટ લાગવાની હતી. એટલે તેમણે પંદર-વીસ લોકો પણ મળવા પહોંચે તો તેઓ મીટ-અપ કરશે તેવી આશા સેવે છે. અબ્રાર જ્યારે જુહુ પહોંચે છે ત્યારે તેમને મળવા આવેલા એકાદ-બે મુસ્લિમ પરિવાર છે, પરંતુ તે પછી ત્યાં અનેક લોકો ભેગા થાય છે અને તેમની સાથે સેલ્ફી લે છે. એક આમ મુંબઈકર અબ્રારને દિલથી ભેટે છે. અબ્રારને આવો પ્રેમ ભારતમાં દરેક જગ્યાએ મળ્યો.

અબ્રાર પાકિસ્તાની નાગરિક જ હોત તો સંભવતઃ તેમને ભારતમાં આ રીતે પ્રવાસ ખેડવા ન મળત. પરંતુ તેઓ મૂળે પાકિસ્તાની હોવા છતાં તેમની પાસે પાસપોર્ટ જર્મનીનો હતો, જે કારણે તેમને ભારતમાં ત્રીસ દિવસ ગાળવાના વિઝા મળ્યા હતા. બાકી તો તેમને પાકિસ્તાની નાગરીક તરીકે માત્ર ગણતરીના શહેરો જ પ્રવાસ કરવા માટે મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત તેમના પર નજર પણ રખાય.
સ્વાભાવિક છે કે ત્રીસ દિવસમાં પૂરું ભારત ફરી ન શકાય, તેથી અબ્રારે શહેરોની પસંદગી કરી હતી અને તે રીતે પોતાનો પ્રવાસ ખેડ્યો હતો. તેઓ અમદાવાદ આવે છે ત્યારે પણ તેઓ અમદાવાદ ફર્યા હોય તેમ દેખાતું નથી. તેઓનો વિડિયો બ્લોગ પહેલાં માત્ર લાલ દરવાજા વિસ્તારનો લાંબું દૃશ્ય ચાલે છે. લાલ દરવાજા જૂનું અમદાવાદનું કેન્દ્ર છે, પરંતુ હવે અમદાવાદ જેટલું વિસ્તર્યું છે, તેમાં માત્ર લાલ દરવાજાથી પૂરા અમદાવાદનો ખ્યાલ આવવો અશક્ય છે. ત્યાર બાદ તેઓ અહમદશાહ નિર્મિત શાહી મસ્જિદ દર્શાવે છે, અમદાવાદની જાણીતી લકી ટી સ્ટોલમાં ચા પીતા નજરે ચઢે છે, જ્યાં કબરોની વચ્ચે ખુરશી-ટેબલ ગોઠવેલા છે. ત્યાર બાદ તેઓ અમદાવાદના શહેરી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર જાય છે. અમદાવાદમાં સાંજે થયેલા મિટ-અપમાં ખાસ્સી એવી ભીડ છે. યૂટ્યુબ પર આ વિડિયો દસ લાખ વ્યૂ પાર કરી ચૂક્યો છે. ભારત ભ્રમણના તેમના વિડિયો ખૂબ ચાલ્યા છે. તેમના યૂટ્યુબ ચેનલના કુલ સબસ્ક્રાઇબરની સંખ્યા 13.9 લાખ સુધી પહોંચી ચૂકી છે.

અબ્રાર હસનની વિગતવાર માહિતી શોધવાનો પ્રયાસ કર્યો તો તેમની એક વેબસાઈટ ‘વાઇલ્ડલેન્સ બાય અબ્રાર.કોમ’ મળી, પરંતુ આ સાઇટ ઓપન થતી નથી. તેથી અન્ય કેટલાંક ન્યૂઝ પોર્ટલ પરથી તેમના વિશે જાણવા મળ્યું. અબ્રાર વિશ્વના 80 દેશોમાં પ્રવાસ કરી ચૂક્યા છે અને તેમાંથી 13 દેશો તેમણે મોટરબાઈકથી પ્રવાસ કર્યો છે. ગત્ વર્ષે તેમણે તેમના પાકિસ્તાનના પોતાના શહેર નાનકના સાહિબથી મુસ્લિમોના પવિત્ર શહેર મક્કા-મદિના સુધીની પચાસ દિવસની મોટરબાઈક યાત્રા કરી હતી. આ દરમિયાન તેઓ ત્રણ દેશોમાંથી પસાર થયા હતા. આ રીતે અનેક પ્રવાસો ખેડીને પછી અબ્રારે ભારત ફરવાનું નક્કી કર્યું હતું.
અબ્રારની વિગતે સ્ટોરી ‘બીબીસી હિંદી’એ કરી છે. જેમાં અબ્રાર તેમના ભારત સફર દરમિયાનની પૂરી કહાની બયાન કરે છે. સૌ પ્રથમ તો તેમની બાઇક જ્યારે દુબઈથી કેરળ આવી ત્યારે તેમની બાઇક કસ્ટમમાંથી બહાર કાઢવાની હતી. સ્વાભાવિક છે કે કસ્ટમની લાંબી પ્રક્રિયા બાદ અબ્રારને બાઇક મળે. પરંતુ અબ્રારે કસ્ટમના અધિકારીઓને વિનંતી કરી. તેઓ મૂળ પાકિસ્તાનના છે તેમ કહીને ભારત પ્રવાસ કરવાનો ઉદ્દેશ્ય પણ જણાવ્યો. ત્રીસ દિવસનો વિઝા હોવાથી પ્રક્રિયા થોડી ઝડપી કરવાની હતી. અબ્રારે વિનંતી કરી અને તો તેમની બાઇક કલાકોમાં તેમને સોંપવામાં આવી. અબ્રારના વિઝા અગાઉ બે વાર નામંજૂર થયા હતા, પરંતુ ત્રીજા પ્રયાસમા તેમના વિઝા મંજૂર થયા.
અબ્રાર આમ તો એકલા જ ટ્રાવેલિંગ કરે છે, પરંતુ ભારતમાં તે શક્ય નહોતું. એક તો વિશાળ દેશ ઉપરાંત અહીંની ભાષા અને વૈવિધ્યને જાણવા માટે કોઈ સ્થાનિક વ્યક્તિની અબ્રારને જરૂર વર્તાઈ, તેથી તેમણે તમિલનાડુના કાર્તિકને સાથે લીધા હતા. કાર્તિકે બાઇક તો ચલાવી સાથે સાથે વિડિયો શૂટિંગ પણ કર્યું. ખાસ કરીને જ્યારે અબ્રાર એક્શનમાં હોય કે મીટ-અપમાં હોય ત્યારે.
અબ્રાર જેટલું ફર્યા અને તેમાંથી તેમણે ભારતની જે બાબત સૌથી વધુ ગમી તે ઐતિહાસિક વારસાની સાચવણીની છે. આ ઉપરાંત, ભારતમાં જે રીતે આ વારસો ટુરિસ્ટ પ્લેસ બન્યા છે તે પણ અબ્રારને પોતાના દેશને અનુસરવા જેવી લાગી છે. અબ્રાર તેમના પૂરા ભારત પ્રવાસ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન કરવો પડ્યો. પણ અબ્રાર કહે છે તે પાછળ તેમણે પ્રવાસ કરવા ખાતર બનાવેલા ચુસ્ત નિયમો છે. જેમ કે, કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે સ્થાનિક લોકોને સન્માન આપીને મળો, સ્થાનિક સંસ્કૃતિને સન્માન આપો. કોઈ પણ ધર્મ હોય તો તે ધર્મને એ રીતે દાખવો જે રીતે તે ધર્મમાં તેમના અનુયાયી આસ્થા રાખતા હોય અને હા, સૌથી અગત્યનું કે આ બધી જ બાબતો જ્યારે કેમેરામાં શૂટ કરો ત્યારે પણ ધ્યાન રાખો. જેથી કોઈ આવા ફૂટેજ જુએ ત્યારે તેમના મનમાં એમ ન આવવું જોઈએ કે આ વ્યક્તિને વિઝા આપીને અમે ભૂલ કરી છે.
અબ્રારે આ પૂરી સફર તેમની બીએમડબલ્યુ બાઇક પર કરી છે. અબ્રારના પ્રવાસનું બીજું અગત્યનું પાસું કે તેઓ કિફાયતી ખર્ચા પર પ્રવાસ કરે છે. તેઓ દિવસના 50 ડોલર કરતાં ખર્ચો વધવા દેતા નથી. તેમના માટે સૌથી મોટો પડકાર હોટલનો ખર્ચ ઉઠાવવાનો હોય છે, પરંતુ તેઓ કેમ્પિંગ કરીને ખર્ચને ન્યૂનત્તમ કરી જાણે છે. દેશનો પ્રવાસ આજે સુવિધા અને ટેકનોલોજીના કારણે સરળ બન્યો છે, પરંતુ હજુય કોઈ પાકિસ્તાની આપણા દેશનો પ્રવાસ કરે તે આશ્ચર્ય જન્માવે તેવી ઘટના છે, કારણે સુરક્ષા મુદ્દે કાયદા-નિયમો વધુ કડક થયા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સરકારની મધ્યસ્થીથી કે પછી સ્પર્ધામાં સાંસ્કૃતિક, સ્પોર્ટ્સ તો થાય છે, પરંતુ આ રીતે જો નાગરિક પહેલ કરે તો તેની અસર સીધી લોકો વચ્ચે પહોંચે છે. અબ્રારે તે કર્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








