Friday, April 17, 2026
HomeGujaratAhmedabadAMCના વિપક્ષના નેતાને લઈ ફરી એકવાર કોંગ્રેસમાં કોકડું ગુંચવાયું, શક્તિસિંહને નિરાકરણ લાવવામાં...

AMCના વિપક્ષના નેતાને લઈ ફરી એકવાર કોંગ્રેસમાં કોકડું ગુંચવાયું, શક્તિસિંહને નિરાકરણ લાવવામાં સફળતા મળશે?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી અને વિખવાદ એક બીજાના પૂરક માનવામાં આવે છે. નિષ્ણાતો મને છે કે, કોંગ્રેસમાં (Congress) નેતાઓ વચ્ચેનો વિવાદ જ કોંગ્રેસની હાર પાછળનું મુખ્ય કારણ છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (AMC) વિરોધ પક્ષ નેતા (opposition leader) બનાવવાને લઈ કોર્પોરેટર્સમાં ચાલી રહેલી ખેંચતાણ ફરી એકવાર સામે આવી છે. અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટર્સમાં પણ બે ભાગ પડ્યા હોય તેવી સ્થિતિ છે. હાલના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા તરીકે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ છે. જેમનો વિપક્ષના નેતા તરીકે એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ ચૂક્યો છે. છતાં તે વિપક્ષના પદ પર યથાવત રહેતા કોંગ્રેસ પક્ષના અન્ય કોર્પોરેટર્સે વાંધો ઉઠાવ્યો છે. આજે કોંગ્રેસના 10 જેટલા કોર્પોરેટર્સ AMCના વિપક્ષના નેતાને બદલવામાં આવે તેવી માગ સાથે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને (Shaktisinh Gohil) રજૂઆત કરશે. આ બેઠક બાદ કોર્પોરેશનના વિપક્ષ નેતાને લઈ મહત્વની જાહેરાત થઈ શકે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં કોર્પોરેશનની 192 બેઠકો માંથી માત્ર 24 બેઠકો જીતવા કોંગ્રેસ સફળ રહી હતી. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરમાં પણ બે ભાગ પડી ગયા હતા, જેના કારણે શરૂઆતની કેટલીક સમાન્ય સભા વિપક્ષના નેતા વગર જ ચાલી હતી. ત્યાર બાદ કોંગ્રેસ વિપક્ષ નેતાની પસંદગીને લઈને કોર્પોરેટર્સ વચ્ચે ખેંચતાણ ચાલી હતી. વાત પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ સુધી પહોંચી હતી, જ્યાં સિનિયર નેતાઓએ વચ્ચે પડી કોર્પોરેટર વચ્ચેનો વિવાદ શાંત કરાવ્યો હતો. પ્રદેશ નેતૃત્વએ વિપક્ષના નેતાને લઈ રસ્તો કાઢતા દરેક કોર્પોરેટર 1 વર્ષ માટે વિપક્ષના નેતા તરીકેનું પદ ભોગવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તમામની સર્વસંમિતથી અને એક ધારાસભ્યની ભલામણથી શહેઝાદ ખાન પઠાણને કોર્પોરેશનના વિપક્ષ નેતા તરીકે પદભાર સોંપવામાં આવ્યો હતો. જોકે 1 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ચુક્યો છે. છતાં વિપક્ષના નેતા બદલવામાં ન આવતા કોંગ્રેસ પાર્ટીના અન્ય કોર્પોરેટર્સ ખૂબ જ નારાજ ચાલી રહ્યા છે. થોડા સમય પહેલા શહેઝાદ ખાને 1 વર્ષ પૂર્ણ કર્યું હતું. જે બાબતને લઈ કોર્પોરેટર્સે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત અન્ય નેતાઓને પણ રજૂઆત કરી હતી. જોકે આ બાબતે કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી 10 જેટલા કોંગ્રેસના કોર્પોરેટર્સ પ્રદેશ કાર્યલાય પહોંચી નવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મળી રજૂઆત કરશે.

- Advertisement -

ભલે ગુજરાતના નવા કોગ્રેસ પ્રદેશ પ્રમુખ દાવો કરતા હોય કે, તેમની પાર્ટીમાં કોઈ વિખવાદ કે ખટરાગ નથી. પરંતુ અમદાવાદ કોંગ્રેસમાં જે વિખવાદ ચાલી રહ્યો છે, તે જગજાહેર છે. હવે જોવું એ રહ્યું કે, કોંગ્રેસના અન્ય કોર્પોરેટરની રજૂઆત સંભાળી શક્તિસિંહ ગોહિલ કોઈ સકારત્મક નિર્ણય લેશે કે પછી આ જ સ્થિતિ ચાલ્યા કરશે તે સમય જ નક્કી કરશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular