ભારત જગતભરમાં એકરેજ વાવેતરમાં અવ્વલ નંબરે પણ ઉત્પાદકતામાં તેનો ૩૮મો નંબર
ગત મોસમમાં બ્રાઝિલનું હેકટર દીઠ યીલ્ડ ૧૮૨૧ કિલો હતું નવો અંદાજ ૧૪.૧ ટકા વધુ મુકાયો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ટ્રાન્સજેનિક બીટી કોટન બિયારાણને ૨૦૦૨માં ભારતમાં પ્રવેશ આપ્યા પછી દેશની રૂ ક્રાંતિ અસ્તવ્યસ્ત થઈ ગયાનું જણાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી રૂ ઉત્પાદન ૩૪૦થી ૩૬૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) વચ્ચે સ્થિર થઈ ગયું છે, રૂનો ફાલ (યીલ્ડ, ઊપજ, ઉતારો) પણ વધતો અટકી ગયો છે. હેકટર દીઠ સરેરાશ ઉત્પાદકતા ફક્ત ૫૦૦ કિલો રહી ગઈ છે. આની સામે વૈશ્વિક સરેરાશ ઉત્પાદન ૮૦૦ કિલોનું રહ્યું છે. આ બધા વચ્ચે સૌથી ખરાબ પાસું તો એ છે કે ભારત જગતભરમાં એકરેજ વાવેતરમાં અવ્વલ નંબરે છે, પણ ઉત્પાદકતામાં તેનો ૩૮મો નંબર આવે છે. ચિંતાનો વિષય એ છે કે આ બાબતે સરકારી રાહે કઈ ધ્યાન પણ અપાતું નથી.
જૂના બીટી કોઇટન હાઇબ્રીડ બિયારણે આરંભમાં વિપુલ ઉત્પાદન મેળવવામાં મદદ કરી, પણ હવે નવું કઈ પરિવર્તન કરવામાં આવતું નથી. ૨૦૧૦માં એ સમયની યુપીએ સરકારે જીનેટિકલ મોડીફાઇડ કૃષિ પાક લેવા માટે અધ્ધરપધ્ધર પ્રયોગો કર્યા, ભારતીય કૃષિ જમીનને અનુકૂળ આવે તેવા નવા બીટિ કોટન બિયારણ વિકસાવવાનું પણ બંધ કરી દીધું છે.
અમેરિકન કૃષિ મંત્રાલયનો સાપ્તાહિક વાવેતર અહેવાલ કહે છે કે ૧૮ જૂન સુધીમાં ૮૯ ટકા કપાસની વાવણી થઈ ગઈ હતી, જે નાસાના અહેવાલ મુજબ ૭ ટકા વધુ હતી. કોટલૂક એ ઇંડેક્સ ૭૫ પોઈન્ટ મજબૂત થઈને ૯૧.૬૫ સેંટ મજબૂત હતો. રૂ માટેનો એડબલ્યુપી (એડજસ્ટેડ વર્લ્ડ પ્રાઇસ) ૬૭ સેંટ સ્થિર મુકાયો હતો. આઇસીઇ પ્રમાણિત રૂ સ્ટોક ૨૦૨૬૭ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો) હતો. ન્યુયોર્ક જુલાઇ રૂ વાયદો સિઝન લો થી માત્ર ૧૧ પોઈન્ટ દૂર અને ૦.૧૩૫ સેંટ ઘટીને લાંબા સમય પછી ૮૦ સેન્ટની નીચે ૭૯.૩૧ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયો હતો. ચીનના ઝેંગ ઝૂઆંગ ઝેંગઝૂહો કોમોડિટી એક્સ્ચેન્જ પર સપ્ટેમ્બર ૨૦૨૩ રૂ વાયદો પણ ૨૬૫ યુઆન ઘટી ટન દીઠ ૧૬૩૫૦ યુઆન બોલાયો હતો. એમસીએક્સ પાકતો રોકડો રૂ જૂન વાયદો રૂ. ૨૦૦ ઘટી ખાંડી (3૫૫.૬૨ કિલો) દીઠ ૫૬,૪૮૦ મુકાયો હતો.
ગ્લોબલ ટાઈમ્સના એક અહેવાલમાં બ્રાઝીલના કોટન ગ્રોઅર્સ એસોસીએશનને ટાંકી જણાવાયું હતું કે ચીન અને બ્રાઝિલ વચ્ચે ટૂંકમાં યુઆન/રીલ ચલણમાં આયાત નિકાસ સોદા શરૂ થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે આગામી થોડા વર્ષમાં બ્રાઝિલિયન રૂની, ચીનમાં થતી નિકાસ અમેરિકાને આંબી જશે. ચીનના કસ્ટમ્સ વિભાગે રજૂ કરેલા અહેવાલ કહે છે કે આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં ચીને ૩.૮૨ લાખ ટન રૂ આયાત કરી હતી. અખબાર કહે છે કે અમેરિકાનો હિસ્સો ૫૨.૨૨ ટકા અને બ્રાઝિલનો ૩૧.૫૩ ટકા હતો.
બ્રાઝિલિયન નેશનલ કંપની ફોર ફૂડ સપ્લાય (કોનાબ)નો એક અહેવાલ કહે છે કે રૂ વાવેતર, ૨૦૨૧-૨૨ની મોસમની તુલનાએ ૨.૨ ટકા વધીને ૨૦૨૨-૨૩માં ૧૬.૩૬ લાખ હેકટરમાં થયું છે. આ મહિના માટે રૂ ઊપજ/ઉતાર (યીલ્ડ) ગત મહીનાની તુલનાએ ૨.૬૯ ટકા વધારવામાં આવ્યા છે. જે ગત મોસમમાં હેકટર દીઠ યીલ્ડ ૧૮૨૧ કિલો હતું. નવો યીલ્ડ અંદાજ ગતવર્ષ કરતાં ૧૪.૧ ટકા વધુ મુકાયો છે. આની સાથે જ આ વર્ષના ઉત્પાદનનો અંદાજ ૨૯.૭૮ લાખ ટન મૂકવામાં આવ્યો છે, જે બીજા નંબરનો સૌથી વધુ હશે. અમેરિકન કૃષિ મંત્રાલયનો અહેવાલ કહે છે કે વર્તમાન મોસમમાં બ્રાઝિલ ૨૦.૧૪ લાખ ટન રૂની આયાત કરશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








