નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં વધુ એક વખત સ્થાનિક પોલીસ ઊંધતી રહી અને સ્ટેટ મોનિટરીંગ સેલે (State Monitoring Cell) દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલની (SMC) ટીમે અમદાવાદના (Ahmedabad) રિંગ રોડ પરથી એસિડની આડમાં લવાતા લાખો રૂપિયાના દારૂને ઝડપી (Liquor Seized) પાડ્યો છે. પોલીસને ચકમો આપવા માટે બુટલેગરે (Bootlegger) એસિડ ભરવાના ટ્રકમાં દારૂનો જથ્થો છુપાપ્યો હતો. બુટલેગરની આ ચાલાકી સ્ટેટ મોનિટરીંગ સામે ચાલી નહીં અને સમગ્ર મામલાનો પર્દાફાશ થયો.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને માહિતી મળી હતી કે, અમદાવાદના રિંગ રોડ પરથી દારૂના જથ્થા સાથે એક ટ્રક પસાર થવાનો છે. માહિતીના આધારે ટીમ વટવા વિસ્તારના ગામડી રિંગ રોડ પર આવેલા ગામડી ચોકડી પાસે વોચમાં બેઠી હતી. આ દરમિયાન એક એસીડ ભરવાના ટ્રકને રોકી હતી. પોલીસે ટેન્કરમાં શું છે તે તપાસમાં ઉપર ચડીને ટેન્કરનું ઢાકળું ખોલતા જ ચોંકી ગયા હતા. કારણ કે ટેન્કરમાં એસિડની જગ્યાએ ઠસો-ઠસ દારૂનો જથ્થો ભરેલો હતો.
સ્ટેટ મોનિટરીંગ સેલે ટ્રક ચાલક હીરાલાલ ડાંગીની ધરપકડ કરીને રૂપિયા 17 લાખના દારૂના જથ્થા સાથે કુલ 27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીની પુછપરછ કરતા સામે આવ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના ઉદયપુરના ડબોક ગામથી લાવવામાં આવ્યો હતો. રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલનાર દિનેશ ડાંગીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ટ્રક ચાલકને દારૂની ડિલિવરી કરવા માટે એક ફોન આવ્યો હતો કે, એક કિલોમીટર પછી એક બીજી વ્યક્તિ ત્યાં ઊભી હશે. આ વ્યક્તિ દારૂ ક્યાં લઈ જવાનો છે તે અંગેની માહિતી આપવાનો હતો. જોકે દારૂની ડિવિવરી થાય તે પહેલા જ સ્ટેટ મોનિટરીંગ સેલના હાથે ઝડપાઈ ગયો હતો.
નવાઈની વાત તો એ છે કે, રાજસ્થાનમાંથી દારૂ ભરેલો ટ્રક ગુજરાતની બોર્ડરને પાર કરીને અમદાવાદ સુધી પહોંચી ગયો અને રસ્તામાં આવતા એક પણ પોલીસ સ્ટેશનને આ અંગેની જાણ થઈ નહીં. હાલ અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત સ્થાનિક પોલીસને વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટેની સુચના પણ આપવામાં આવી છે. તેમ છતાં સ્થાનિક પોલીસ અંધારામાં રહીને સ્ટેટ મોનિટરીંગ સેલ રેડ કરી ગઈ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








