નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતી લોકો ખાવાના ઘણા શોખિન હોય છે. તેવામાં પણ યંગસ્ટર્સને તો જંકફુડના ચટાકાની રોજ-બરોજની ટેવ પડી ગઈ છે. સુરતી યંગસ્ટર્સને ઝાટકો લાગે તેવો મનપાના આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ખુલાસો થયો છે. સુરતમાં મનપાનો આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સક્રિય બન્યો છે અને ફુડ વિક્રેતાને ત્યાં દરોડા પાડી રહ્યો છે. ત્યારે આજે આરોગ્ય વિભાગના રિપોર્ટમાં પિઝામાં વપરાતાં ચીઝ અને માયોનીઝમાં ભેળસેળ થતું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત જિલ્લાના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડડ અને પીપલોદ જેવા વિસ્તારમાં જંકફુડ વિક્રેતાને ત્યાં સુરત મનપાના આરોગ્ય વિભાગે ફુડના સેમ્પલ લીધા હતા. જેમાં વિવિધ વાનગીઓ બનાવા માટે વપરાતા ચીઝ અને માયોનિઝના સેમ્પલને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી કુલ 6 નામાંકિત સંસ્થાનોના નમુના ધારા ધોરણ મુજબના ન હોવાનું સામે આવ્યું હતું. નામાંકિત સંસ્થાનોના નમુના ફેઈલ નીકળતા આ 6 સંસ્થામાંથી આશરે 40 કિલો ચીઝ અને માયોનીઝના જથાનો નાશ કરવામાં આવ્યો છે. આ 6 સંસ્થા સામે એડજ્યુડીકેટીંગ ઓફિસર સમક્ષ ફરિયાદ કરવામાં આવશે.

અગાઉ સુરતમાં પનીર, ગોળાના કલર, ગરમ મસાલામાં ભેળસેળ થતું હોવાનું આરોગ્ય વિભાગના રિપોર્ટમાં સામે આવ્યું હતું. ત્યારે આજે ફેમસ મનાતા પિઝા વિક્રેતા પણ હલકી ગુણવત્તાવાળું ચીઝ અને માયોનીઝ વાપરતા હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકો પાસેથી તોતિંગ પૈસા લીધા બાદ પણ આ બ્રાન્ડ પોતાની ક્વોલિટી જાળવી રાખવામાં નીષફળ ગઈ છે. સુરતના ઘોડદોડ રોડ પર આવેલા પીઝા હટ, પીપલોદમાં આવેલા કે એસ ચારકોલ, એલ. પી. સવાણી રોડ પર આવેલા ડેન્સ પીઝા, જહાંગીરાબાદ વિસ્તારના ટાઇમ્સ ગેલેકસીમાં ગુજ્જુ કાફે, વેસુ વિસ્તારના ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલા ડોમીનોસ પિઝા, ઉગતમાં આવેલા લાપીનોઝ પિઝાના ફુ઼ડ સેમ્પલ સુરત આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ફેઈલ થયા હોવાનું સામે આવ્યું છે.








