નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ટેકનોલોજીનો વ્યાપ વધતાં હવે તમામ સરકારી કચેરીઓ સહીત પ્રાઈવેટ કંપનીઓ પણ ડિજીટલ તરફ વળી રહી છે. આ આધુનિક યુગમાં ટેકનોલોજીના ઉપયોગથી કામ સરળ થઈ જતું હોય છે. પરંતું આમાં કેટલાક નકારાત્મક પાસાઓ પણ રહેલાઓ હોય છે, જેનો ફાયદો ગુનેગારો લેતા હોય છે. આજે અમદાવાદની નામાંકિત કે. ડી. હોસ્પિટલના (KD Hospital in Ahmedabad) સર્વર પર સાયબર અટેક થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેના કારણે હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે. ડી. હોસ્પિટલના સર્વર પર આજે સાયબર એટેક થયો હતો. જેમાં હેકર્સે હોસ્પિટલના સર્વરને નિશાન બનાવ્યું હતું. રેન્સમવેર એટેક થતાં હોસ્પિટલનું સર્વર ઠપ થઈ ગયું હતું. સાયબર એટેક થતાં જ હોસ્પિટલની ફાઈલ, દર્દીઓના ડેટા અને હોસ્પિટલના CCTV ફુટેજ સહિતના ડેટા હેક થઈ જતાં સિસ્ટમમાંથી ગાયબ થઈ ગયા હતા. સાથે જ સાયબર એટેક કરનારાએ હોસ્પિટલ પાસેથી 70 હજાર ડોલરની માગણી કરી હોવાનું પણ સામે આવ્યું છે.
સાયબર એટેક કરનારારે હોસ્પિટલને 70 હજાર ડોલરની રકમ બીટકોઈનમાં ટ્રાન્સફર કર્યા બાદ જ ડેટા પરત આપશે તેમ જણાવ્યું હતું. હાલ સમગ્ર બનાવને લઈને કે. ડી. હોસ્પિટલ દ્વારા બોપલ પોલીસને જાણ કરવામાં આવી છે, સાથે જ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલમાં અનેક વખત VIP અને VVIP દર્દીઓ સારવાર લેવા આવતા હોવાના કારણે તેમનો ડેટા હોસ્પિટલમાં છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીના પુત્રની તબીયત લથડતાં તેને પણ કે. ડી. હોસ્પિટલમાં જ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલ પર જે સાયબર એટેક થયો છે, તે રેન્સમવેર નામના વાયરસનો અટેક છે. જેને “વાનાક્રાઇ” પણ કહેવામાં આવે છે. આ રેન્સમવેર માઇક્રોસોફટ વિન્ડોઝ સિસ્ટમ પર અટેક કરે છે. રેન્સમવેર અટેક થતાં જ સિસ્ટમના ડેટાબેઝ લોક કરી નાખે છે અને યુઝર એક્સેશ રોકી દે છે. રેન્સમવેર અટેક મોટા ભાગે કંપનીના દસ્તાવેજોની ચોરી કરવા અને તેમના પાસેથી ખંડણી માગવા માટે કરવામાં આવતો હોય છે. રેન્સમવેર અટેકથી કોમ્પ્યુટર નેટવર્ક બ્લોક કરીને તેમની પાસેથી ઓનલાઈન ખંડણી માગવામાં આવે છે. જે ખંડણી બીટકોઈ, ક્રિપ્ટોકરન્સી કે ડિજીટલના માધ્યમથી વસુલવામાં આવતી હોય છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ પ્રકારના 79 સાયબર એટેક નોંધાયા હતા. જેમાં મુખ્યત્વે અમદાવાદ, સુરત અને વડોદરાની કંપનીઓ ટાર્ગેટ બની હતી.








