બાળપણ, લગ્ન, મૃત્યુ-જીવનનાં આ ત્રણેય આવરણ હું થોડા જ કલાકોમાં જોઈ ચૂક્યો હતો. ધીરે ધીરે મારી અંદર બનારસ જમાવટ કરતું જતું હતું. જ્યાં સુધી કોઈ શહેર આખેઆખું તમારા હૃદયમાં ભરાઈ ના જાય ત્યાં સુધી તમે એની સરસ છબી ઝડપી શકતા નથી. વળી સારી છબી ઝડપવા માટે તમે માનસિક, શારીરિક ને આધ્યાત્મિક રીતે ત્યાં હોવ તો જ છબી સારી બને. આમાંથી માનસિક ને શારીરિક રીતે તો બધા ત્યાં હોય પણ આધ્યાત્મિક રીતે તમારું ત્યાં હોવું એટલું જ જરૂરી છે. વળી એમાં શ્રદ્ધા સાથે જોડાયેલા વિષયોમાં તો તમારે સંપૂર્ણ આસ્તિકતા સ્વીકારીને જ કૅમેરાનું શટર પાડવું પડે, નહીં તો છબીમાત્ર ‘મિકૅનિકલ’ થઈ જાય. મોટા ભાગે આવું થતું મેં જોયું છે. મને આજે બનારસ આવ્યે દસ દિવસ થયા છે. શહેરને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારા હૃદયમાં જોકે આ શહેરની ઘણી બધી ‘સુગંધ’ પ્રવેશી ચૂકી છે. સાંજના 6.00 થવા આવ્યા છે. ગંગાઆરતીનો સમય થયો છે. દૂરથી ઘંટનાદ સંભળાય છે. ગંગાઆરતી સાંજને તરબતર કરવાની સુંદર જગ્યા છે. ‘હર હર મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે’ની ધૂન શરૂ થાય છે ને હું આંખો મીંચીને આરતીમય બનવા કિનારાની એક પાળી પર બેસું છું, શંખનાદ શરૂ થાય છે. પીતાંબર અને રેશમી કુરતા પહેરેલા છ જણ એકીસાથે આરતીની શરૂઆત કરે છે, અદ્ભુત પવિત્ર વાતાવરણનો હું ભાગ બનીને જાતને ભાગ્યશાળી સમજીને બધું જોયા કરું છું. ગંગાઆરતી ‘ક્લિક’ કરવાની મજા જ જુદી છે. ચાલુ આરતીએ હજારોની ભક્તભીડમાં અચાનક જ પ્રવેશી જતી ગાય, એનું પૂંછડું ઝાલીને આંખે લગાડતા કોક ભક્તો તો વળી પૂંછડું આમળીને તગેડી મૂકવા મથતા ભક્તો! આરતી જોવા ખાસ ઊભી કરાયેલી જગ્યામાં ગોઠવાઈને કૉફીની ચૂસકી ને સિગરેટનો કશ ખેંચતા ખેંચતા આરતી માણતા પરદેશી પ્રવાસીઓ, તો વળી ગંગાના પાણીમાં અડધા ડૂબેલા પગ સાથે ભાવવિભોર બનીને આરતીમાં ભળી જનારા ભક્તો! ઠસોઠસ ભરેલી નાવમાં પૈસા ગણતો નાવિક, તો વળી પગથિયે શિવનો અવતાર ધારણ કરીને દક્ષિણાની રાહમાં ઊભેલો સાધુ! આ બધું જ સમાંતરે ચાલ્યા કરે. હજારો ભક્તોની પ્રાર્થના લઈ વિલીન થઈ જતો ધુમાડો શિવજી સુધી સીધો જ પહોંચતો હશે એવું લાગે. અગ્નિ, જળ, વાયુ આ ત્રણેયની ‘મિલી ભગત’થી કેટલાય ભક્તોનો ઉદ્ધાર થતો હશે! અમસ્તી આટલી ભીડ થોડી સઘળે થાય છે. હજારો ભક્તોને પોલીસને બદલે પૂજારીઓ ને સાધુઓ હૅન્ડલ કરે એવી જગ્યાઓ બહુ જ ઓછી બચી છે. ગંગાઆરતીની સમાપ્તિ ક્ષણે ‘હર હર મહાદેવ’ના નાદ સાથે હજારો લોકો બે હાથ ઉપર કરે ત્યારે સાક્ષાત્ શિવજી પધાર્યા હોય એવો ભાવ મનમાં પ્રગટ્યા વગર રહેતો નથી. ગંગાઆરતી મારું ‘ઑલટાઇમ ફૅવરિટ’ સૉંગ છે! હર હર ગંગે..
‘મારા હૃદયમાં બનારસની ‘સુગંધ’ પ્રવેશી ચૂકી, સાંજ થવા આવી અને…’
- Advertisement -
- Advertisment -








