નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: દિકરી તો વાહલનો દરીયો હોય છે. દિકરીને ભણાવી-ગણાવીને મોટી કરી દીકરીના લગ્નમાં માતા-પિતા જ્યારે કન્યાદાન કરે છે ત્યારે તે ક્ષણ જીવનની સૌથી ભાવુક ક્ષણ હોય છે, પરંતું અમદાવાદમાં (Ahmedabad) બનેલો કિસ્સો તેના કરતાં પણ વધુ ભાવુક છે. જે દિકરીના લગ્નમાં કન્યાદાન કરવાની ઉંમર હતી તે દિકરીના માતા-પિતાએ દિકરીના અંગોનું દાન (organ donation) કર્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરેન્દ્રનગરમાં (Surendranagar) રહેતી અને નર્સિંગમાં અભ્યાસ કરતી 19 વર્ષીય કિંજલ મેતાલીયાનો અકસ્માત થતાં તેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital Ahmedabad) લાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં 47 કલાક ચાલેલી સારવાર બાદ ફરજ પરના તબીબોએ કિંજલને બ્રેઈનડેડ જાહેર કરી હતી.
સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ દ્વારા દીકરીના માતા-પિતાને અંગદાનનું મહત્વ સમજાવામાં આવ્યું હતું. જે બાદ દિકરાના મા-બાપે કઠણ કાળજે દિકરીના અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી તબીબોઓએ અંગોના રીટ્રાઈવલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મેળવી હતી.
કિંજલબેનના માતા-પિતાએ દીકરીના અંગોનુ દાન કર્યા બાદ ભાવુક થઈ જણાવ્યું કે, “મારી દીકરીએ નર્સિંગમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. તેને એડમિશન પણ મળ્યું. આ ક્ષણ અમારા જીવનની ખૂબ જ યાદગાર ક્ષણ બની રહેશે. નર્સ બન્યા બાદ દર્દીઓની સેવા કરવી તે જ મારી દીકરીના જીવનની અદમ્ય ઈચ્છા હતી. પરંતું અભ્યાસ દરમિયાન જ તેનું મૃત્યુ થતાં તેના અંગો થકી પણ કોઈક જરૂરિયાતમંદના જીવનમાં ગુંજારવ પાથરી શકાય તેવા શુભ આશય સાથે અમે અમારી દીકરીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. મારી દીકરીની બે કિડની અને એક લીવરના મળેલા દાન દ્વારા ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે તેનો અમને ગૌરવ છે.”
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “સિવિલ હોસ્પિટલમાં 106મું અંગદાન અમારા સમગ્ર ટીમ માટે ખૂબ જ યાદગાર અને ભાવુક બની ગયું. દીકરીનું કન્યાદાન કરતા માતા-પિતા તો જોયા છે, પરંતુ અકસ્માતમાં દેવલોક પામેલી દિકરી જ્યારે બ્રેઇન્ડેડ જાહેર થાય તો તેના અંગોનું દાન કરવાનો નિર્ણય માતા-પિતાએ કર્યો હોય તેઓ અમારા માટે પ્રથમ કિસ્સો હતો.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








