નવજીવન ન્યૂઝ. જુનાગઢ: તાજેતરમાં જ ગીર સોમનાથ (Gir somnath) જિલ્લાના કુખ્યાત આરોપીઓની ગેંગને ગુજસીટોક (GUJCTOC)ના કાયદા હેઠળ ગુનો દાખલ કરી જેલ ભેગા કરવામાં આવ્યા હતા. જેમાં ગીર ગઢડા, કોડીનાર અને ઉના સહિતના વિસ્તારમાં તરખાટ મચાવતા રઘુ બાંભણીયા ઉર્ફે રોકડાની ગેંગના સાગરીતો પર ગુજસીટોકના કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. જે આરોપી રઘુએ જુનાગઢ જેલમાં બ્લેડ વડે ગળા અને હાથના ભાગે કાપા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
ઘટનાની વિગત એવી છે કે ગતરોજ સાંજના સમયે જુનાગઢ જેલ (Junagadh Jail)માં બંધ ગુજસીટોક (GUJCTOC) સહિત લૂંટ, મારામારી અને હત્યાના પ્રયાસના આરોપી રઘુ બાંભણીયાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેલમાં બંધ રઘુએ બ્લેડ વડે હાથ અને ગળાના ભાગે કાપા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. શરીર પર કાપા મારવાના કારણે આરોપી રઘુ લોહીથી લથબથ થઈ જતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ જેલના કર્મચારીઓ દ્વારા રઘુને તાત્કાલીક જુનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ જુનાગઢ સરકારી હોસ્પિટલમાં રઘુની સારવાર ચાલી રહી છે.
મહત્વની વાત છે કે ગત 30 એપ્રિલના રોજ ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા તરખાટ મચાવતી રઘુ રોકડાની ગેંગ વિરૂધ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. જેમાં રઘુના પિતા રવિ બાંભણીયા, બહેન નેહા બાંભણીયા રઘુના સગીરવયના ભાઈ સહિત કુલ 14 આરોપીને ગુજસીટોકના કાયદા હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા છે. રઘુ રોકડા ગેંગનો લાંબા સમયથી ગીર સોમનાથ જિલ્લાંમાં આતંક હોવાની વાત સામે આવતા પોલીસે આ કાર્યવાહી કરી હતી. આરોપી રઘુ રોકડા અને તેની ગેંગ દ્વારા સતત લૂંટની, મારામારીની અને હત્યાની કોશીષ તેમજ જમીન પચાવી પાડવા જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હતો. ઉપરાંત રઘુ ઉર્ફે રોકડા પર ઉના પોલીસ સ્ટેશનમાં કુલ 15 ગુના નોંધાયેલા હોવાની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર ગુજસીટોકનો આરોપી રઘુ રોકડા અગાઉથી જ લૂંટના કેસમાં જુનાગઢની જેલમાં બંધ હતો. ત્યારે હવે ગુજસીટોકની કલમ હેઠલ એક બહેનને બાદ કરતા સમગ્ર પરિવાર જેલમાં ધકેલાયા બાદ રઘુએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હાલ સુધી આત્મહત્યાના પ્રયાસનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી.








