નવજીવન ન્યૂઝ. રાજસ્થાન: Rajasthan News: મમતા પર લાંછન લગાવતો એક ચોંકાવનારો કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો છે. જેમાં એક માતાએ જ પોતાના બન્ને માસુમ બાળકોને પાણીના ટાંકામાં નાખી મોતને ઘાટ ઉતાર્યા છે. બાદમાં પોતાની જાતને કેમિકલ છાંટીને આગ લગાવી દીધી. આ ઘટનામાં માતા પુત્ર મળી ત્રણેયનું કરૂણ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે (Rajasthan Police) ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના રાજસ્થાનના બાડમેર (barmer) શહેરના ચૌહતાન પોલીસ સ્ટેશન વિસ્તારના લીલસર ભીલસરથી સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્તારમાં રહેતા સતારામની 30 વર્ષીય પત્ની સોનીએ તેની 3 વર્ષની પુત્રી લલિતા અને દોઢ વર્ષના પુત્ર મગરમને ઘરે બનાવેલા પાણીના ટાંકામાં નાંખી દીધા હતા. ત્યારબાદ માતાએ પોતાના પર જ્વલનશીલ કેમિકલ છાંટીને આગ લગાવી દીધી હતી.
આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ત્રણેયને બચાવવાના પ્રયત્નરૂપે સારવાર માટે ત્રણેયને હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ તેમને સારવાર મળે તે પહેલાં જ હાજર તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચૌહાતાનની પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્રણેય મૃતદેહનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા અને ઘટનાની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આસપાસના રહિશોની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતું કે, જ્યારે આ ઘટના બની ત્યારે મહિલા અને 2 બાળકો સિવાય ઘરે કોઈ જ નહોતું. મહિલાનો પતિ પણ કામ અર્થે ઘરની બહાર ગયો હતો. બીજી બાજુ તબીબે પોલીસને જણાવ્યાં અનુસાર બન્ને બાળકોના મોત પાણીમાં ડૂબી જવાના કારણે અને મહિલાનું મોત 80 ટકા દાઝી જવાના કારણે થયું હતું.
જો કે આ ઘટનાનું સાચુ કારણ હજી સુધી પોલીસ તપાસમાં સ્પષ્ટપણે સામે નથી આવ્યું, પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કદાચ આ ઘટના પાછળનું કારણ ઘરેલું ઝઘડો કે હિંસા હોઈ શકે. ચૌહાતાનના પોલીસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ મહિલાના પરિવારજનોને કરી દેવામાં આવી છે. પરિવારજનોના આવ્યા બાદ તેમની પૂછપરછ બાદ જ આ ઘટનાની આગળની કાર્યવાહી કરી શકાશે અને આ ઘટનાના કારણ સુધી પહોંચી શકાશે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાના લગ્ન આશરે 12 વર્ષ પહેલા સતારામ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને 5 બાળકો હતા. જેમાં 3 પુત્રી અને 2 પુત્ર હતા. જેમાંથી માતા સાથે એક પુત્ર અને એક પુત્રીનું મોત થયું છે. હાલ પોલીસ ઘરેલુ હિંસાની શંકા સેવી રહી છે. તો બીજી બાજુ આ કરૂણ ઘટનાથી સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. દરેકના મોં પર એક જ પ્રશ્ન રમી રહ્યો છે કે, આખરે એક માતાએ આવું પગલું શાં માટે ભરવું પડ્યું? ત્યારે હવે જોવું રહ્યું કે, પોલીસની આગળની તપાસમાં આ ઘટના કયો વળાંક લે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








