નવજીવન.ગાંધીનગરઃ 10 દિવસની કોર્ટમાં કાર્યવાહી પછી આપ (આમ આદમી પાર્ટી)ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત 55 નેતાઓની ગાંધીનગર ભાજપ કાર્યાલય પર પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કર્યાના મામલામાં જામીન મળ્યા છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આજે તેમના શરતી જામીન મંજુર કર્યા છે. 20 ડિસેમ્બરે તેમણે ભાજપના ગાંધીનગર ખાતે આવેલા મુખ્ય કાર્યાલયનો ઘેરાવ કરી લીધો હતો. આ દિવસે આપ દ્વારા ઘેરાવના કાર્યક્રમની ખબર પડી જતાં સચિવાલયમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો પરંતુ અહીં ગુગલી ભાજપ સમજી શક્યું નહીં અને કમલમનો ઘેરાવ કરવામાં આવ્યો અને ભારે ઉહાપોહ મચી જતાં આપ કાર્યકરોને પોલીસે લાકડીથી ફટકાર્યા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા કમલમ ખાતે ગત 20મીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું જેને કારણે વિદ્યાર્થીઓને થયેલા અન્યાય મામલે આપ દ્વારા કમલમનો ઘેરાવ કરાયો હતો. જેમાં ઈસુદાન ગઢવી, પ્રવિણ રામ સહિતના નેતાઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે અસીત વોરાના રાજીનામાની માગ પણ કરી હતી જેમાં આમરણાંત ઉપવાસ પર મહેશ સવાણી અને દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવ ઉતર્યા હતા. મહેશ સવાણીની તબીયત લથડતાં તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગઈકાલે તેમણે પારણાં કરી લીધા હોવાની વિગતો સામે આવી હતી.
આ બાજુ કાર્યાલયના વિરોધ મામલે આપ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. 500ના ટોળા સામે પોલીસે ગુનો નોંધ્યો હતો અને 93ની ધરપકડ કરી હતી જેમાં 28 મહિલાઓ હતી. મહિલાઓને થોડા દિવસ પહેલા જામીન મળ્યા જ્યારે આજે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન સહિતના નેતાઓને જામીન આપવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે તે જામીનમાં કેટલીક શરતો પણ મુકી છે. જેતે સમયે ભાજપની એક મહિલા કાર્યકર દ્વારા ઈસુદાન પર નશાની હાલતમાં હોવા અને છેડતી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જોકે નશાનો રિપોર્ટ પ્રારંભીક ધોરણે નેગેટિવ આવતા ભાજપ નેતાઓને મોંઢામાં આંગળા નાખવા પડ્યા હતા.
![]() |
![]() |
![]() |











