નવજીવન ન્યૂઝ. સુરત: Surat Metro Accident News: સરકારી પ્રોજેક્ટ સહિત ખાનગી પ્રોજેક્ટની કામગીરીમાં તંત્રની બેદરકારીના કારણે અવારનવાર શ્રમિકોને થતા નુકસાન કે મોતના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે સુરતમાંથી(Surat) વધુ 3 શ્રમિકો મેટ્રોની કામગીરી (Surat Metro )દરમિયાન અકસ્માતમાં (Metro Accident) ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

સુરતમાં ઠેર-ઠેર મેટ્રો પ્રોજેક્ટસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સુરતના એલ.પી. સવાણી પાલ વિસ્તારમાં રોડ પર પણ ગત મોડી સાંજે મેટ્રોની કામગીરી ચાલી રહી હતી. મળતી માહિતી મુજબ પીલ્લર ઉંચો કરવાની સેન્ટ્રીંગની ચાલુ કામગીરી દરમિયાન ક્રેનમાંથી લોખંડના સળિયા ધડામ દઈને નીચે પડ્યા હતા. જે દુર્ઘટનામાં નીચે કામ કરી રહેલા 3 શ્રમિકો પર તે સળિયા પડતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.
અવારનવાર ભૂતકાળમાં બનેલી આવી કેટલીયે ઘટનાઓ એ વાતની સાક્ષી રહી છે કે, જ્યારે પણ કોઈ સરકારી કે ખાનગી પ્રોજ્ક્ટ્સ ચાલી રહ્યા હોય ત્યારે તંત્રની બેદરકારીને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ આવી ઘટનાઓનો ભોગ બિચારા ગરીબ વર્ગના શ્રમિકો બને છે ત્યારે આવી ઘટનાઓ પર તંત્ર દ્વારા પડદો નાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. તેવી જ રીતે આ ઘટનામાં પણ ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ ઘટના બનતા આસપાસના લોકોના ટોળેટોળાં એકઠાં થઈ ગયા હતા અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યાં હાજર લોકોએ આ ઘટનાની માહિતી આપી છે પરંતુ, મેટ્રોના વહીવટી તંત્રએ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. તેની બદલે આ માત્ર સામાન્ય ઘટના બની છે તેવા નિવેદનો આપીને આ ઘટનાને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. 108ની ટીમને બોલાવીને શ્રમિકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો આ વિવાદ એરણે ન ચડે તે માટે થઈને તંત્રએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ભેસ્તાન વિસ્તારમાં મેટ્રોની બોરિંગની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતા એક્ટિવા ચાલક પર ઉપરથી એક પતરું તેની પર પડ્યું હતું. જેથી એક્ટિવા સ્લીપ થઈ જતાં ચાલક જમીન પર પટકાતા તેને બન્ને હાથે ઈજાઓ પહોંચી હતી. ત્યારે ફરીથી અડાજણમાં મેટ્રોની ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








