Monday, May 25, 2026
HomeGujaratસરકાર! ક્યાં છે વિકાસ? આદિવાસી બાળકો શાળાના મકાન માટે છેલ્લાં 12 વર્ષથી...

સરકાર! ક્યાં છે વિકાસ? આદિવાસી બાળકો શાળાના મકાન માટે છેલ્લાં 12 વર્ષથી વંચિત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટાઉદેપુર: Chotaudepur news: એક તરફ હંમેશા વિકાસના ફણગાં ફુક્યા કરતી સરકાર અને બીજી તરફ એ આદિવાસી બાળકો, જે છેલ્લાં 12 -12 વર્ષથી શાળા (School) હોવા છતાં ખાનગી મકાનમાં ભણવા માટે મજબૂર બન્યા છે. આદિવાસીઓ માટે શિક્ષણના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે. સરકારનો વિકાસ હરણફાળ તો ભરે છે પરંતુ ગામના છેવાડાં સુધી આવતા પાંગળો બની જાય છે તેવું સાબિત કરતો કિસ્સો છોટાઉદેપુરના(Chhota Udaipur) નસવાડી (Nasvadi) તાલુકાના કડુલી મહુડીમાંથી(Kaduli Mahudi) સામે આવ્યો છે.

Kaduli mahudi School Nasvadi Chotaudepur
Kaduli mahudi School Nasvadi Chotaudepur

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામમાં છેલ્લાં 12 વર્ષથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલુ તો કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા શાળાનું બિલ્ડિંગ બનાવવામાં નથી આવ્યું. ત્યારે હાલ તો કામચલાઉ ધોરણે વિદ્યાર્થીઓ ખાનગી મકાનમાં વાર્ષિક પરીક્ષા આપી રહ્યા છે. જો કે વર્ષ દરમિયાન આ વિદ્યાર્થીઓ ગામની પ્રાથમિક શાળાના બિલ્ડીંગમાં અભ્યાસ કરતા હતા પરંતુ ત્યાં પરીક્ષા હોવાથી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ બિલ્ડીંગ માટે વલખા મારી રહ્યા છે.

- Advertisement -

ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બે પાળીમાં અભ્યાસ માટે કામ ચલાવવું પડે છે. ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ સવારે 7 થી 10:30 સુધી અને 11 વાગ્યા પછી પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળામાં સવારની પાળી હોય ત્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ બપોરની પાળીમાં અભ્યાસ કરવા આવતા હોય છે. ત્યારે હાલ સ્થિતિ એવી થઈ છે કે, પ્રાથમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પરીક્ષા ચાલે છે, જેના કારણે ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ ખાનગી મકાનમાં પરીક્ષા આપવા મજબૂર બન્યા છે.

સરકાર દાવો કરે છે કે, આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી, આદિવાસી બાળકો માટે અદ્યતન સુવિધા ધરાવતી બિલ્ડિંગો બનાવવામાં આવી છે. ત્યારે આ પરિસ્થિતિ જોતાં તો એવુ જ ફલિત થઈ રહ્યું છે કે, સરકાર અને વહીવટી તંત્રને આદિવાસી બાળકો માટે બિલ્ડીંગ બનાવવામાં જાણે કોઈ રસ જ નથી. તો જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી તે શું માત્ર કાગળ પર જ છે? તેવા લોકોના સવાલો સરકારના દાવાને પોકળ સાબિત કરી રહ્યા છે.

આગામી લોકસભાની ચૂંટણી માટે આદિવાસીઓની વોટબેન્કને આકર્ષવા માટે સરકાર આદિવાસીઓને શિક્ષણના સપના બતાવી રહી છે. બીજી તરફ જ્ઞાન શક્તિ, સ્કૂલ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ, જ્ઞાન સેતુ જેવી શાળાઓ માટે કરોડો રૂપિયા ફાળવી નવી શાળાઓ બનાવવાની વાત કરી રહ્યા છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામના છાત્રો માટે 12 વર્ષથી માધ્યમિક શાળાની બિલ્ડીંગ બનાવવા માટે ખિસ્સું પણ ખંખેરતી નથી. ત્યારે સવાલ એ થાય કે શું આદિવાસી માટે જ પૈસા ખૂટી પડ્યા છે કે શું? આ માસુમ બાળકો નવા બિલ્ડીંગ બનવાની અને તેમાં બેસીને ભણવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે શું વિદ્યાર્થીઓના પોતાની શાળાના બિલ્ડીંગમાં બેસીને ભણવાના અભરખા સરકાર પૂરા કરશે કે કેમ? તે હવે જોવું રહ્યું!

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular