તોફીક ઘાંચી. (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): Ahmedabad V S Hospital roof collapse: અમદાવાદની AMC સંચાલિત વી.એસ. હોસ્પિટલ (V S Hospital) ખુબ જૂની છે, જ્યાં ખુબ મોટી સંખ્યામાં સારવાર માટે દર્દી આવતા હોય છે. વર્તમાનમાં ઘણી સારવારની સેવાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે, તેમ છતાં રોજબરોજ ઓ.પી.ડી. માટે બહોળી સંખ્યામાં ગરીબ દર્દીઓ હોસ્પિટલમાં આવતા હોય છે. ત્યારે આજરોજ સવારના સમયે અચાનક વી. એસ. હોસ્પિટલની છતનો કેટલોક હિસ્સો ધડામ દઈને તૂટી પડી પડ્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરંતુ સદનસીબે છત તૂટી તે સ્ટાફ રૂમમાં કોઈ કર્મચારી હાજર ન હોય કોઈ જાનહાની થઈ નથી.
મળતી વિગતો અનુસાર આજરોજ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જૂની વી.એસ. હોસ્પિટલમાં ત્રીજા માળે છતનો ભાગ તૂટી પડ્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે કરોડો રૂપિયાના બજેટ ફાળવવા છતાં પણ હોસ્પિટલની ‘સારવાર’ કેમ કરાવવામાં નથી આવતી. આમ પણ જાણે જૂની વી.એસ. હોસ્પિટલને મૃતઃપાય સ્થિતીમાં લાવવાની કોશીશ થઈ રહી હોય તેમ ત્યાં કેટલાક સારવારના વિભાગો પણ બંધ કરી દેવાયા છે. સાથે જ હોસ્પિટલની હાલત જર્જરીત અને બિસ્માર થવા છતાં પણ તેનું મરામતનું કામ કરવામાં આવતું નથી. આ તમામ બાબતો ક્યાંકને ક્યાંક જૂની વી.એસ. હોસ્પિટલ ચલાવવામાં તંત્રને રસ ન રહ્યો હોય તે તરફ ઈશારો કરે છે. ત્યારે આજરોજ છત તૂટી પડતા સ્ટાફ રૂમમાં રહેલો સામાન કાટમાળ હેઠળ દટાઈ ગયો હતો. સદનસીબે આ સમયે કોઈ પણ કર્મચારી રૂમમાં હાજર ન હોય જાનહાની થતી અટકી હતી.
નિરસ તંત્રએ આ ઘટનાને મીડિયા કવરેજ ન મળે માટે પત્રકારોને હોસ્પિટલમાં પ્રવેશ આપવાનું બંધ કરી દીધું હતું. સાથે જ બાઉન્સર મુકી પત્રકારોને હોસ્પિટલમાં પ્રવેશ કરતા અટકાવાઈ રહ્યા હતા. માટે ક્યાંકને ક્યાંક આ ઘટના પર ઢાંક પીછોડો કરવાના પ્રયાસ થતા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.
આ ઘટનાની જાણકારી મળતા જ દાણીલીમડા હોસ્પિટલના કોંગ્રેસના કોર્પોરેટર સલીમભાઈ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે દર વર્ષે હોસ્પિટલને કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. છતાં પણ કોઈ સમારકાર કરવામાં નથી આવતું જેના પરિણામે આજે ઓપરેશન થિયેટરના સ્ટાફ રૂમમાં છત પડવાની ઘટના સામે આવી છે. તેમણે ઉમેર્યું હતું કે તંત્ર દ્વારા હોસ્પિટલમાં સારવારની સુવિધા વધારો પણ કરવામાં આવતો નથી. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ જ કંઈ થયું હોત તો કોણ જવાબદાર બનતું?








