નવજીવન ન્યૂઝ.સુરત: Bardoli News: જૂનિયર ક્લાર્કની પરીક્ષા (Junior Clerk Exam)ગતરોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. પરંતુ સુરતના (Surat) પૂણા ગામની એક પરિવારની શાંતિ હંમેશા માટે છીનવાઈ ગઈ. કારણ કે, ચૌધરી પરિવારની એક દીકરી ઘરેથી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા તો ગઈ પરંતુ ઘરે પરત પર ફર્યા તેના મોતના સમાચાર.
મળતી માહિતી મુજબ સુરતના પૂણા ગામમાં રહેતી 20 વર્ષની ઉર્વશી ચૌધરી ગતરોજ જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે ગઈ હતી. પરંતુ સમી સાંજના સમયે તેનો મૃતદેહ બાવળના ઝાડ સાથે ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરંતુ જે રીતે યુવતીનો મૃતદેહ બાવળના ઝાડની ડાળી પર લટકાતો જોવા મળ્યો તે બાબત શંકા ઉપજાવે તેવી છે.
યુવતીનો મૃતદેહ બાવળના ઝાડ નીચે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો પરંતુ તેનો મૃતદેહ ઘુંટણીયે પડેલો હોય શંકા હત્યાની ઉપજી રહી છે. આ મામલાની જાણ થતા જ પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કરૂણ રૂદનથી માહોલમાં ગમગીની છવાઈ ગયો હતો. પરિવારજનોના કલ્પાંત વચ્ચે બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી અને તપાસમાં લાગી ગઈ છે.
હાલ સુધી મળતી વિગતો અનુસાર આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ કોઈ નક્કર તથ્ય સામે આવ્યું નથી. વળી મૃતદેહ મળી આવ્યાની સ્થિતીના કારણે સ્થાનિકો અને યુવતીના પરિવારમાં આત્મહત્યા કે હત્યા તે બાબતને લઈ શંકાઓ ઉપજી છે. ત્યારે બારડોલી પોલીસ હવે યુવતીના પરિવાર સહિતના લોકોની પુછપરછ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ શરૂ કરશે તેવા અહેવાલ સુત્રો દ્વારા મળી રહ્યા છે.








