Friday, May 8, 2026
HomeGujaratભગવાન પણ સલામત નથી...!! શામળાજીના ધમબોલીયા ગામના ત્રણ મંદિરમાંથી દાનપેટી અને આભૂષણોની...

ભગવાન પણ સલામત નથી…!! શામળાજીના ધમબોલીયા ગામના ત્રણ મંદિરમાંથી દાનપેટી અને આભૂષણોની ચોરી

- Advertisement -

નવજીવન.મોડાસાઃ શિયાળાની કડકડતી ઠંડીમાં પોલીસ ઠુંઠવાઇ જતા તસ્કરો બેફામ બન્યા છે. શામળાજી પંથકમાં તસ્કર ટોળકી ખાખી વર્દીને ખુલ્લાંએમ ચેલેન્જ આપી રહી હોય તેમ મન ફાવે ત્યારે ગમે ત્યાં ચોરી કરી પોલીસની આબરૂનું ચીરહરણ કરી રહી છે. પોલીસતંત્ર સબ સલામતની ગુલબાંગો ફૂંકી રહી બીજીબાજુ તસ્કરો ગ્રામ્ય વિસ્તારના મંદિરો અને બંધ મકાનોને નિશાન બનાવતા લોકોમાં ભય ફેલાયો છે. થોડા સમય પહેલા સુનોખ ગામે ત્રણ મકાનોના તાળાતોડી ચોરીની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે શામળાજી નજીક આવેલા ધમબોલીયા ગામના સુપ્રસિદ્ધ ગોગા મહારાજ મંદિર, નાગેશ્વર માતાના મંદિર અને આશાપુરા માતાજી મંદિરમાં તસ્કરો ત્રાટકી ભગવાનનો ડર રાખ્યા વગર ત્રણ મંદિરોને નિશાન બનાવ્યા હતા. ત્રણ મંદિરમાં ચોરીની ઘટનાના પગલે શામળાજી પોલીસ નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવી તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માંગ પ્રબળ બની છે.

- Advertisement -



શામળાજી નજીક આવેલા ધમબોલીયા ગામે રવિવારે રાત્રીના સુમારે તસ્કર ટોળકી ત્રાટકી સુપ્રસિદ્ધ ગોગા મહારાજ દરવાજા પર લાગેલ તાળું ગેસ કટરથી કાપી મંદિર પરિસરમાં રહેલ લાખ્ખો રૂપિયા ભરેલી દાન પેટી ચાંદીનું છત્રની ચોરી કરી તેમજ નાગેશ્વર માતાના મંદિર અને આશાપુરા માતાજી મંદિરમાં રાખેલી દાનપેટી અને ચાંદીના આભૂષણોની ચોરી કરી ફરાર થઇ જતા સોમવારે સવારે મંદિરમાં દર્શનાર્થે પહોંચેલા ગ્રામજનો મંદિરોમાં ચોરી થતા શામળાજી પોલીસને જાણ કરતા તાબડતોડ શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી. શામળાજી પોલીસે ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડ અને એફએસલની મદદ લઇ વધુ તપાસ હાથધરી છે.

- Advertisement -

શામળાજી પોલીસે વિજયસિંહ રાઠોડની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ ટોળકી સામે ગુન્હો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. જિલ્લામાં ગામડાઓમાં પોલીસ પેટ્રોલીંગના અભાવે તસ્કરોને મોકળું મેદાન મળતું હોય સમયાંતરે ગામડાઓમાં પોલીસ રાત્રી પેટ્રોલીંગ કરે તેવી ગામલોકોમાં માંગ થઈ રહી છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular