નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સુરેન્દ્રનગર (Surendranagar)ના ચકચારી ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળી (Jhalawar Ginning and Pressing Cooperative Society) નું કથિત કૌભાંડનું ભૂત ફરી ધુણ્યું છે. કથિત કૌભાંડને દબાવવા માટે રાજકીય નેતાઓએ ખુબ જોર લગાવ્યું હોવાનું માનવામાં આવે છે પરંતુ હવે કોર્ટે કાર્યવાહીના આદેશ આપતા મામલો ફરી ગરમ થયો છે. સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટે (Surendranagar District Court) આ મામલામાં 11 કથિત કૌભાંડીઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાનો આદેશ આપતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.
ઘટનાની વિગત એવી છે કે સુરેન્દ્રનગરના ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળીને ખોટી રીતે પુનઃજીવીત કરી કૌભાડ આચરવામાં આવ્યું હોવાના આરોપ લાગ્યા હતા. આ ફડચામાં ગયેલી મંડળી પાસે કરોડો રૂપિયાની જમીન હતી અને આ જમીન પણ મોટા માથાઓની નજર હતી. જેથી આ કરોડોની જમીન હડપ કરવા માટે કારસો રચવામાં આવ્યો અને મંડળીને ફરી જીવીત કરવા મૃત્યુ પામેલા સભ્યોની પણ સહીઓ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં તત્કાલીક ફડચા અધિકારી ડી. ડી. મોરીએ પણ કૌભાંડીઓને મદદ કરી હોવાના આરોપ લાગ્યા હતા. આ મામલો ગાજવા લાગતા રાજકીય નેતાઓ દ્વારા ભીનું સંકેલવા અનેક પ્રયાસો થયા હતા પરંતુ મામલો કોર્ટ સમક્ષ પહોંચતા કોર્ટે કાર્યવાહી કરવાનો આદેશ આપતા હવે કાર્યવાહી થશે તેવી આશા જાગી છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે યુવક પર હુમલો, કાયદાના ઉડ્યા લીરાં
મહત્વની વાત છે કે આ કથિત કૌભાંડ મામલે પોલીસે ફરિયાદ નહીં લેતા ભાજપના જ એક આગેવાન હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યા હતા. જેથી હાઈકોર્ટે વઢવાણ એ.પી.એમ.સી.ના રામજી ગોહિલ સહિતના 11 આગેવાનો પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે કિસાન સેલના પ્રમુખ પણ લડાઈ લડતા ડિસ્ટ્રીક્ટ કોર્ટ સમક્ષ પહોંચ્યા હતા. જે મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટે પોલીસને કાર્યવાહી કરવા માટેના આદેશ આપ્યા છે. કોર્ટનો આદેશ થતાની સાથે જ સુરેન્દ્રનગર સહિત ગાંધીનગર સુધી રાજકારણ ગરમાયું છે અને કથિત કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1957માં બનેલી મંડળી 1993ના વર્ષે ફડચામાં ગઈ હતી. જે મંડળીને કથિત 22 કૌભાંડીઓએ સાથે મળી તત્કાલિન ફડચા અધિકારી ડી. ડી. મોરીની મદદથી પુનઃજીવિત કરી હતી. આ કામ માટે તેમણે મૃતક સભ્યોની સહિનો પણ દૂરઉપયોગ કર્યો હોવાના આક્ષેપ થયો છે. બાદમાં મામલો કોર્ટ સુધી પહોંચતા કોર્ટે રાયમલ ચાવડા, રામજી ગોહિલ, નિવૃત ફડતા અધિકારી ડી.ડી.મોરી, હરીસંગ ડોડીયા, લક્ષ્મણ પટેલ, મોહન ચાવડા, પ્રતાપ ચાવડા, લાલજી પટેલ, કરશન જાદવ, ભરત ચૌહાણ અને જેસીંગ ડોડીયા વિરૂધ્ધ કાર્યવાહી કરવાના આદેશ કર્યો છે. હવે જોવું રહ્યું કે પોલીસ કાર્યવાહીમાં કેવા તથ્યો સામે લાવે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








