નવજીવન ન્યૂઝ. દાહોદ: Dahod Crime News: સ્વરક્ષણ માટે મળતા હથિયારના પરવાનાનો લાભ લઈ કેટલાક લોકો દેખાડ઼ા માટે પણ હથિયાર રાખવા લાગ્યા છે. જેના કારણે સીનસપાટા જમાવાવ જાહેરમાં ફાયરિંગ અને પ્રસંગોમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહી છે. વળી હથિયાર રાખવાનું કલ્ચર છેલ્લા થોડા વર્ષોથી તો હદ બહારનું વધી રહ્યું છે. આ લોકો પોતાના ઘરમાં અથવા પોતાની પાસે બંદૂક રાખતા હોય છે પણ આ બંદુકના કારણે ઘણી વાર દુર્ઘટના પણ સર્જાતી હોય છે. આ સ્થિતીમાં કેટલીક વખત બંદૂક ધારકના જ કોઈ સ્વજનને પણ જીવ ગુમાવવો પડે છે. આવી જ એક ઘટના દાહોદમાં (Dahod) જિલ્લામાં સામે આવી છે. પતિની બંદૂકમાંથી ભૂલથી ગોળી છૂટતા પત્નીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની છે.
દાહોદ જિલ્લાના નાકટી ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ખેમસીંગ બારિયા અને તેમના પત્ની ચંપાબેન બારિયા ગયા હતા, તે દરમિયાન ખેમસીંગ પોતાની લાયસન્સ વાળી બંદૂકથી હવામાં એક રાઉન્ડ ફાયર કરીને બીજો રાઉન્ડ બંદૂકમાં ભરે છે પણ ફાયર કરતાં નથી અને પતિ-પત્ની ઘરે આવી જાય છે. ઘરે આવીને ખેમસીંગ જ્યારે બંદૂક મૂકવા જાય છે તે સમયે ભૂલથી ટ્રિગર પર હાથ આવી જતાં ગોળી છૂટીને તેમના પત્ની જે બાજુમાં બેઠા હતા તેમની કમરના ભાગે વાગે છે, જેના કારણે ચંપાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા.
ઘાયલ ચંપાબેનને તાત્કાલિક દેવગઢ બારિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ચંપાબેનનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે મૃતકના પુત્ર શૈલેષ બારીયાએ ધાનપુર પોલીસ સ્ટેશનમાં પિતા ખેમસીંગ બારીયા સામે ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








